Last Update : 23-June-2011, Thursday
 

પોલીસ માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઇ જેવી સ્થિતિ

 

સુપ્રીમકોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે નકલી એન્કાઉન્ટર કરનાર પોલીસને ફાંસીને સજા આપી દેવી જોઈએ

તાજેતરમાં સુપ્રીમકોર્ટે એક ચુકાદામાં નકલી એન્કાઉન્ટર પ્રકરણ વિશે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે નકલી એન્કાઉન્ટર એક બહુ મોટો ગુનો છે અને એના જવાબદાર પોલીસ અધિકારીઓને ફાંસીની સજા ફટકારવી જોઈએ. સુુપ્રીમ કોર્ટના આ ચુકાદાના કારણે પોલીસ માટે તો એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આંધ્રપ્રદેશ પોલીસ ઓફિસર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ કે.વી. ચલપતિ રાવને લાગે છે કે પોલીસને દરેક તરફથી અન્યાય થઈ રહ્યો છે. પોતાની લાગણી વ્યક્ત કરતા તેઓ કહે છે કે ''જ્યારે કોઈ ગેન્ગસ્ટરના હાથે કે પછી કોઈ તોફાનમાં પોલીસની હત્યા થાય છે ત્યારે કોઈ વિરોધ નથી કરતું. આનાથી વિરૃદ્ધના સંજોગોમાં જ્યારે સામસામેની લડાઇમાં પોલીસ જ્યારે ગુનેગારને મારે છે ત્યારે એને નકલી એન્કાઉન્ટર ગણાવીને જે તે અધિકારીને અનેક જાતની તપાસમાંથી પસાર થવા માટે મજબુર કરવામાં આવે છે. હવે તો સુપ્રીમકોર્ટે નકલી એન્કાઉન્ટર માટે ફાંસીની સજા હોવી જોઈએ એવી જાહેરાત કરી દીધી છે. આ સંજોગોમાં પોલીસ માટે તો એક તરફ કુવા અને બીજી તરફ ખાઈ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે કારણ કે જો તે આરોપી સાથેની અથડામણ વખતે એનો સામનો ન કરે તો તેને પોેતાને નુકસાન થાય છે અને ક્યારેય જીવ પણ ગુમાવવો પડે છે અને જો સામનો કરે અને ન કરે નારાયણ આ પરિસ્થિતિમાં આરોપી મૃત્યુ પામે તો પોલીસ અધિકારીએ નકલી એન્કાઉન્ટરના આરોપની આકરી તપાસમાંથી પસાર થવું પડે છે.''
થોડા સમય પહેલાં મુંબઈ પોલીસ પર નકલી એન્કાઉન્ટરનો એક કેસ ચાલી રહ્યો હતો અને આ કેસની સુનવણીમાં જસ્ટિસ માર્કડેય કાત્જુ અને જ્ઞાાન સુધા મિશ્રાની બેચે જણાવ્યું હતું કે ''જેમની પાસે શસ્ત્રોનું બળ છે એ પોલીસ એમ માનતી હોય કે એન્કાઉન્ટરના નામે તે કોઈપણ વ્યક્તિની હત્યા કરી શકે છે તો તેના માટે ફાંસીનો ગાળિયો તૈયાર હોવો જોઈએ. જો સાબિત થાય કે પોલીસે નકલી એન્કાઉન્ટર કરીને કોઈની હત્યા કરી છે તો એને જઘન્ય અપરાધ ગણીને પોલીસ અધિકારીને ફાંસીની સજા ફટકારવી જોઈએ.''
આ ચુકાદા પછી કોર્ટે પોલીસ અધિકારીઓને ઉપરી અધિકારી કે પછી ગમે ઉચ્ચ પદ પર બિરાજતા રાજકારણીના દબાણમાં કોઈપણ સંજોગોમાં ન આવીને નકલી એન્કાઉન્ટરથી દૂર જ રહેવાની ચેતવણી આપી છે. આ મુદ્દે વાત કરતા જસ્ટિસ કાત્જુએ જણાવ્યું છે કે ''અમે પોલીસને ચેતવણી આપી છે કે તેઓ દબાણના નામે કોઇની હત્યા કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. ઉપરી અધિકારી કે પછી ઉચ્ચ રાજકારણીના દબાણ હેઠળ તેમણે નકલી એન્કાઉન્ટર કર્યું છે એવા બહાના પણ નહીં ચાલે.''
સુપ્રીમકોર્ટના આ ચુકાદાના કારણે પોલીસ અધિકારીઓમાં ભારે રોેષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે વાત કરતા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ પ્રકાશ સિંહ કહે છે કે ''આ પ્રકારના ચુકાદાની અસર પોલીસના નૈતિક બળ પર પડશે. પોલીસ કાયદાથી એટલી બધી ડરી જશે કે તે હવે પોતાના હથિયાર ચલાવતા પહેલાં બે વખત વિચાર કરશે. તેને બીક લાગશે કે જો તે હથિયાર ચલાવશે તો એ એન્કાઉન્ટરની તપાસ નિમવામાં આવશે. આ સંજોગોમાં તે એન્કાઉન્ટર કરવાને બદલે ગુનેગારને ભાગી જવા દેવાનું પસંદ કરશે અથવા તો પોતે ભાગી નીકળશે. વળી, કોર્ટે એન્કાઉન્ટરના મુદ્દે ઉપરી અધિકારી કે પછી રાજકારણીના દબાણને ન માનવાની સલાહ આપી છે, પણ વ્યવહારીક દ્રષ્ટિએ એ શક્ય નથી. સામાન્ય રીતે સરકારના દબાણના કારણે જ પોલીસ એન્કાઉન્ટર કરવા માટે મજબૂર બને છે. હવે જો પોલીસ જ સરકારના નિર્ણયને નહીં માને તો પછી પોલીસને જે પરિણામ ભોગવવું પડશે એના માટે કોણ જવાબદાર હશે?''
સામાન્ય રીતે સુપ્રીમકોર્ટે આવો કોઈ ચુકાદો આપે ત્યારે માનવ અધિકાર માટે લડતા ચળવળકારીઓ રંગમાં આવી જાય છે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે નકલી એન્કાઉન્ટર કરનારા પોલીસ ફાંસીની સજાને લાયક છે એવા ચુકાદાથી માનવ અધિકાર માટે લડતા ચળવળકારીઓ પણ ખાસ ખુશ નથી. આ મુદ્દે વાત કરતા એક ચળવળકારી કહે છે કે ''બહુ પ્રમાણિકતાથી કહું તો સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કદાચ એને લોકપ્રિયતા અપાવી શકે છે, પણ કાનૂની રીતે અને વ્યવહારીક રીતે યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે એમ નથી. હકીકતમાં નકલી એન્કાઉન્ટનમાં સંડોવાયેલા પોલીસને ફાંસી આપી દેવી એ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. જો નકલી એન્કાઉન્ટરની સમસ્યાને કાયમ માટે દૂર કરવી હોય તો એનો કોઈ નક્કર ઉકેલ શોધવો જ પડશે. હકીકતમાં ફાંસી આપવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, પણ ફાંસીની બીક સુરક્ષા વ્યવસ્થાને વધારે નબળી પાડી દેશે એ હકીકત છે.''
નકલી એન્કાઉન્ટરના મુદ્દે સુપ્રીમકોર્ટનો વારંવાર બદલાતો વિરોધાભાસી અભિગમ પણ ભારે ચિંતાનો વિષય છે. ક્યારેક એ પોલીસની મજબૂરી સ્વીકારે છે અને ક્યારેય પોલીસની નિયત પર પ્રશ્નાર્થચિન્હ લગાવી દે છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએચઆરસી) પાસે નકલી એન્કાઉન્ટરને લગતા જે આંકડા ઉપલબ્ધ છે એનો અભ્યાસ કરવામાં આવે તો ખબર પડે છે કે પોલીસ વિભાગે ૧૯૯૩થી એન્કાઉન્ટરના કેસ નોંધવાનું શરૃ કર્યું છે અને ત્યારથી અત્યાર સુધી ૨,૯૫૬ જેટલા એન્કાઉન્ટરના કિસ્સાઓ નોંધાયા છે જેમાંથી ૧,૩૬૬ જેટલી ફરિયાદ નકલી એન્કાઉન્ટરની છે. જોકે એનએચઆરસીએ તપાસ કરતા તમામ ફરિયાદોમાંથી માત્ર ૨૭ એન્કાઉન્ટર નકલી હોવાનું સાબિત થઈ શક્યું છે.
ચળવળકારીઓ સ્પષ્ટ રીતે માને છે કે નકલી એન્કાઉન્ટરમાં કાયદાની કલમ ૨૧નું સ્પષ્ટ ઉલ્લંઘન થાય છે. આ કલમમાં જણાવવામાં આવ્યું છે કે કાયદાકીય પ્રક્રિયાના માર્ગદર્શન સિવાય કોઈપણ વ્યક્તિનું જીવન કે પછી એની આઝાદી લઈ લેવી એ ગુનો છે. નકલી એન્કાઉન્ટરની વધી ગયેલી ફરિયાદોને પગલે એનએચઆરસીએ આ પ્રકારના કિસ્સાઓને ઉકેલવા માટે ૧૯૯૬ના નવેમ્બરમાં ખાસ માર્ગદર્શિકા જાહેર કરી હતી અને ૨૦૦૩માં એમાં ઉમેરો કર્યો હતો. આ માર્ગદર્શિકામાં મુક્ત તપાસ સંસ્થાઓ દ્વારા નકલી એન્કાઉન્ટરની ફરિયાદની તપાસ, આ પ્રકારની ફરિયાદની ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર)ની નોંધણી અને પોલીસના પ્રત્યાઘાતને કારણે થયેલા તમામ મૃત્યુની ઘટનાઓની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ જેવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એનએચઆરસીની માર્ગદર્શિકા વિશે વાત કરતા માનવહકોના મુદ્દે ચળવળ ચલાવતી એક વ્યક્તિ કહે છે કે ''એ વાત સાચી છે કે એનએચઆરસીએ નકલી એન્કાઉન્ટર પર લગામ લગાવવા ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે, પણ હકીકત એ છે કે એના કારણે પોલીસની કામગીરી અથવા તો નકલી એન્કાઉન્ટરની પ્રક્રિયા પર કોઈ જ અસર પડી નથી. જો તપાસમાં એનએચઆરસીને પોલીસનો દોષ દેખાય તો પણ આ સંસ્થા કોઈ પગલા લઈ શકતી નથી કારણ કે ેએની પાસે એટલી સત્તા જ નથી. હકીકત એ છે કે સરકાર કે પછી પોલીસ બન્નેમાંથી કોઈને એનએચઆરસીનો ડર જ નથી. આ કારણે હવે સુપ્રીમ કોર્ટેના નકલી એન્કાઉન્ટરના મુદ્દે કોઈ વલણ સ્પષ્ટ કરવાની ફરજ પડી છે. જોકે એક ચળવળકારી હોવાના કારણે હું નકલી એન્કાઉન્ટર માટે જવાબદાર પોલીસને ફાંસી આપવાનો વિરોધી છું, પણ નકલી એન્કાઉન્ટનરનો અપરાધ બહુ મોટો હોવાથી એમાં જેની સંડોવણી હોય એને મહત્તમ સજા મળવી જોઈએ. હકીકતમાં ગુનેગારોને યોગ્ય સજા આપવાની આપણી આખી વ્યવસ્થા પડી ભાંગી છે.
આ સંજોગમાં પોલીસની સુરક્ષાનું પુરતું ધ્યાન રાખ્યા વગર એન્કાઉન્ટનરની પરિસ્થિતિ માટે તેને જ જવાબદાર ઠેરવવામાં આવશે તો એના કારણે બીજી સમસ્યાઓ ઉભી થશે. હકીકતમાં ખોટા હવાઈ કિલ્લા રચવાને બદલે નક્કર ઉપાયની દિશામાં વિચારવાની જરૃર છે. હાલમાં આંધ્રપ્રદેશની હાઇકોર્ટે નકલી એન્કાઉન્ટરમાં જવાબદાર અધિકારીને ફાંસીની સજા આપવાની તરફેણ કરી છે. જો સુપ્રીમકોર્ટ પણ આ દિશામાં વિચારવા લાગશે તો નકલી એન્કાઉન્ટર કરતા લોકો ડરી જશે અને પછી ક્યારેય ભવિષ્યમાં આ સજા આપવી પડે એવી પરિસ્થિતિ જ ઉભી નહીં થાય.''

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved