Last Update : 22-June-2011, Wednesday
 

ઓરિસ્સામાં પોસ્કો કંપની સામે માનવસાંકળ ઊભી કરી દેવામાં આવી

 

વિદેશી કંપનીના ૫૨,૦૦૦ કરોડ રૃપિયાના સ્ટીલ પ્લાન્ટ માટે જમીન સંપાદન સામે પ્રજાના વિરોધને કારણે આ પ્લાન્ટનું ભવિષ્ય જોખમાઈ ગયું છે
દિલ્હીમાં એક બાજુ લોકપાલ બીલ બાબતમાં સરકાર અને સિવિલ સોસાયટી વચ્ચે જ્ઞાાનતંતુઓનું યુદ્ધ ચાલી રહ્યું છે તો ઓરિસ્સાના જંગલમાં એક વિદેશી કંપની સામે દેશની જમીન બચાવવા વનવાસીઓ દ્વારા જીવસટોસટનું યુદ્ધ ચાલી રહ્યું છે. કોરિયાની મલ્ટીનેશનલ કંપની 'પોસ્કો' દ્વારા ઓરિસ્સાના જંગલમાં ૫૨,૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે ૧.૨૦ કરોડ ટનની ક્ષમતા ધરાવતો સ્ટીલ પ્લાન્ટ નંખાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે ૪,૦૦૪ એકર જમીનની જરૃર છે, જેમાંની અડધા કરતાં વધુ જમીન ઉપર જંગલો છે. આ જમીન ઉપર હજારો વનવાસીઓ પરાપૂર્વથી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોસ્કો કંપની સામે સુપ્રિમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો પણ સુપ્રિમ કોર્ટે આ પ્રોજેક્ટને શરતી મંજૂરી આપી દીધી હતી. કેન્દ્ર સરકારના પર્યાવરણ ખાતાંએ પણ આ પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ આપી દીધો છે. પરંતુ અહીંના વનવાસીઓ કહે છે કે અમે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ. તાજેતરમાં વનવાસીઓએ આ જમીન આસપાસ સ્ત્રીઓ અને બાળકોની માનવસાંકળ રચીને સરકારી અમલદારોને બળજબરીથી જમીન ખૂંચવતા અટકાવ્યા હતા. હવે તો રાજ્યમાં વિપક્ષમાં રહેલા કોંગ્રેસ પક્ષે પણ પોસ્કો વિરોધી આંદોલનને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે. ગરીબ વનવાસીઓના આ મરણિયા વિરોધને કારણે ઓરિસ્સાની સરકારને જમીન સંપાદનની કાર્યવાહી અટકાવી દેવાની ફરજ પડી છે.
જગતસિંહપુર જિલ્લામાં આવેલું ઢિંકિયા ગામ પોસ્કો વિરોધી આંદોલનકારીઓનો ગઢ બની ગયું છે. આ ગામની આશરે ૧,૪૦૦ એકર જમીન સરકાર હસ્તગત કરવા માંગે છે. આ માટે સશસ્ત્ર પોલીસોની ફોજ ખડકી દેવામાં આવી છે. આ ફોજને ગામમાં પ્રવેશતી અટકાવવા ગામનાં આશરે ૨,૦૦૦ પુરૃષો, બાળકો અને મહિલાઓ દ્વારા માનવસાંકળ રચી દેવામાં આવી છે. આ માનવસાંકળમાં જોડાયેલાં ૪૦૦ બાળકોએ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું છે. આ બાળકોના માબાપ કહે છે કે જ્યારે અમારું સર્વસ્વ લૂંટાઈ જવાનું હોય ત્યારે સ્કૂલના ભણતરનો કોઈ અર્થ નથી રહેતો. હકીકતમાં અમુક શિક્ષકોએ વિરોધના સ્થળે જ બાળકોને ભણાવવાનું શરૃ કરી દીધું છે. ઓરિસ્સાની સરકારે ઢિંકિયાની બાજુમાં આવેલાં બે ગામોમાંથી આશરે ૧,૫૦૦ એકર જમીન બળજબરીથી કબજે કરી છે, પણ ઢિંકિયાની પ્રજા પોતાની તસુભાર જમીન પણ આપવા તૈયાર નથી. પોસ્કો વિરોધી આંદોલનકારીઓ સાથે હવે અન્ના હજારેના સાથીદાર સ્વામી અગ્નિવેશ સહિતના અનેક નેતાઓ પણ જોડાઈ ગયા છે, જેને કારણે તેમનું મનોબળ એકદમ વધી ગયું છે.
ઓરિસ્સાના જગતસિંહપુર જિલ્લામાં સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા માટે ઓરિસ્સાની સરકાર અને કોરિયન મલ્ટીનેશનલ કંપની 'પોસ્કો' વચ્ચે આજથી બરાબર છ વર્ષ અગાઉ કરાર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટમાં ૧૨ અબજ ડોલરનું રોકાણ પોસ્કો કંપની કરવાની છે, જે દેશનું સૌથી મોટું વિદેશી રોકાણ છે. પોસ્કોના પ્લાન્ટ માટે જંગલની અને ખેડૂતોની જમીન કબજે કરવા માટે ઓરિસ્સાની સરકારે પૂરી તાકાતથી પોતાની સમગ્ર યંત્રણા કામે લગાડી દીધી હતી. જમીન સંપાદનનો વિરોધ કરી રહેલી સ્થાનિક પ્રજા ઉપર અનેક વખત લાઠીચાર્જ અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં વનવાસીઓ પોતાના બાપદાદાની જમીન ઉપરથી હટવા તૈયાર નથી. આ કારણે છ વર્ષ પછી પણ આ પ્રોજેક્ટ કાગળ ઉપર જ રહ્યો છે. ૨૨ જૂન, ઈ.સ. ૨૦૦૫ના સહીસિક્કા થયેલો કરાર હવે પાંચ વર્ષના સમયગાળા પછી અમલીકરણ વિના પૂરો થઈ ગયો છે. હવે જો પોસ્કો કંપની આ પ્રોજેક્ટમાં આગળ વધવા માંગતી હશે તો તેણે સરકાર સાથે નવેસરથી કરાર કરવો પડશે. પ્રજાના ઉગ્ર વિરોધને ધ્યાનમાં લેતા ઓરિસ્સાની સરકાર નવો કરાર કરશે કે કેમ તે શંકાનો મુદ્દો રહે છે.
ઓરિસ્સાના જંગલમાં આકાર લઈ રહેલા સ્ટીલ પ્લાન્ટ સામે લડવા માટે વનવાસીઓએ 'પોસ્કો પ્રતિરોધ સંગ્રામ સમિતિ' નામનું સંગઠન બનાવ્યું છે. આ સમિતિના પ્રવકતા પ્રશાંત પાઈકરી કહે છે કે ''જમીન સંપાદન ધારામાં કોઈ પણ જમીન કબજે કરતાં અગાઉ લોકો સાથે સલાહમંત્રણા કરવાનું લખવામાં આવ્યું છે. તેમાં ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે વનવાસીઓ પાસેથી બંદૂકની અણીએ જમીન આંચકી લેવી. આ જમીન સંપાદન તદ્દન ગેરકાનૂની છે. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી તેનો વિરોધ કરીશું.''
૨૨મી જૂને પોસ્કો વિરોધી આંદોલનને પાંચ વર્ષ પૂરાં થાય છે. આ નિમિત્તે ગોવિંદપુરમાં એક વિશાળ રેલીનું અને શાંત ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા દેશભરના એક્ટિવિસ્ટો પોસ્કોના પ્લાન્ટના સ્થળે ભેગા થવાના છે. તેમાં ગાંધીવાદી કાર્યકરો ઉપરાંત રાજકારણીઓનો પણ સમાવેશ થવાનો છે. ઓરિસ્સાના શાસક બીજુ જનતા દળ સિવાયના લગભગ તમામ પક્ષો જાહેરમાં આ પ્રોજેક્ટના વિરોધમાં પડી ગયા છે. તેમાં ડાબેરી પક્ષો, ભાજપ અને કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે. ઓરિસ્સા પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નિરંજન પટનાઈક પણ ૨૨મી જૂને ગોવિંદપુરની મુલાકાત લેવાના છે. કેન્દ્રમાં સત્તાસ્થાને રહેલા કોંગ્રેસ પક્ષે પોસ્કો વિરોધી આંદોલનને ટેકો જાહેર કરતાં નવીન પટનાઈક સરકારની મુસીબત ઓર વધી ગઈ છે.
પોસ્કો કંપની સામે પાંચ વર્ષથી ચાલતાં આંદોલનમાં ભંગાણ પડાવવા માટે ઓરિસ્સાની સરકારે કેટલાક વનવાસી નેતાઓને લાલચ આપીને પોસ્કોતરફી આંદોલન પણ ઊભું કરાવ્યું હતું. આ આંદોલનમાં જોડાનારા વનવાસીઓને પોસ્કોના પ્રોજેક્ટમાં રોજગારી આપવાનાં પ્રલોભનો આપવામાં આવ્યા હતા અને તેમની જોઈન્ટ એકશન કમિટી પણ બનાવવામાં આવી હતી. ઓરિસ્સાની સરકારે પોતાનાં વચનનો ભંગ કરીને પોસ્કોની દિવાલ બનાવવા માટે બહારના કોન્ટ્રેક્ટરને કામ આપ્યું તેને કારણે આ જોઈન્ટ એકશન કમિટી પડી ભાંગી છે અને તેના અધ્યક્ષ અનાદિ રાઉતે રાજીનામું આપી દીધું છે. આ કારણે સરકારી ઈશારાથી ચાલતું પોસ્કોતરફી આંદોલન ખતમ થઈ ગયું છે અને સરકારની મુસીબતમાં વધારો થયો છે.
કેન્દ્રના વન અને પર્યાવરણ ખાતાંના પ્રધાન જયરામ રમેશે અગાઉ પોસ્કો પ્રોજેક્ટ દ્વારા થનારા નુકસાનનો અંદાજ મેળવવા પર્યાવરણવિદોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિનો હેવાલ પોસ્કો પ્રોજેક્ટની વિરુદ્ધમાં આવ્યો ત્યારે આંદોલનકારીઓને લાગ્યું હતું કે આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી નહીં મળે. પરંતુ એ દરમિયાન કોરિયાના વડા પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે પોસ્કો કંપનીના ઉચ્ચ ઓફિસરો પણ ભારતમાં આવ્યા હતા. આપણા વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે કોરિયાના વડા પ્રધાનને વચન આપી દીધું હતું કે પોસ્કોના પ્રોજેક્ટને વાંધો નહીં આવે. પર્યાવરણ પ્રધાન જયરામ રમેશ ઉપર દબાણ આવી જતાં તેમણે આ વર્ષના માર્ચ મહિનામાં પોસ્કોના પ્રોજેક્ટને પર્યાવરણ ખાતાંની મંજૂરી આપી દીધી હતી. જયરામ રમેશે ફેરવી તોળવાથી આંદોલનકારીઓ નારાજ થઈ ગયા હતા. તેમણે પોતાના આંદોલનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
ઓરિસ્સાના જગતસિંહપુર જિલ્લામાં આવેલા ગોવિંદપુર ગામની હાલત અત્યારે ભારત-પાકિસ્તાનની સરહદ જેવી છે. આ સરહદની એક બાજુ પોલીસની ૨૦ પ્લેટૂન ગોઠવાઈ ગઈ છે અને બીજી બાજુ ૨,૦૦૦ ગ્રામવાસીઓ ચાર સ્તરમાં ગોઠવાઈ ગયા છે. પહેલા સ્તરમાં બાળકોને ગોઠવવામાં આવ્યા છે, બીજા સ્તરમાં સ્ત્રીઓ છે, ત્રીજા સ્તરમાં વૃદ્ધો છે અને ચોથા સ્તરમાં ગામના યુવાનો છે. ધોમધખતા તાપને કારણે બે સ્ત્રીઓ અને ચાર બાળકો બેભાન થઈ ગયા તો તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. વનવાસીઓનું આંદોલન સંપૂર્ણપણે અહિંસક હોવાથી પોલીસ તેમની ઉપર લાઠીચાર્જ કરતાં પણ ગભરાય છે. છેવટે પોલીસે આ વિસ્તારમાં ૧૪૪મી કલમ જાહેર કરી દીધી તેની પણ કોઈ અસર આંદોલનકારીઓ ઉપર પડી નહોતી. પોસ્કોના આંદોલનકારીઓને વિખેરવા માટે જો લાઠીચાર્જ અથવા ગોળીબાર કરવામાં આવે તો તેના દેશવ્યાપી પ્રત્યાઘાત પડી શકે છે. આ કારણે પોલીસ સમજાવટથી આંદોલનકારીઓને વિખેરી નાંખવાની કોશિષ કરી રહી છે પણ તેને અત્યાર સુધી નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ છે.
દિલ્હીમાં લોકપાલ બીલ માટેનું સિવિલ સોસાયટીનું આંદોલન અને ઓરિસ્સાના ઢિંકિયામાં ચાલી રહેલું પોસ્કો વિરોધી આંદોલન ભારતની આમ જનતામાં પેદા થયેલા નવા જુસ્સાનાં પ્રતિકો છે. આજથી ૧૦ કે ૨૦ વર્ષ પહેલા કોઈએ કલ્પના નહીં કરી હોય કે ખાદીનાં વસ્ત્રો પહેરેલા ગાંધીવાદી નેતા પોતાના સંકલ્પની તાકાતથી સરકારને મંત્રણાના ટેબલ ઉપર લાવવામાં સફળ થશે. ભારતમાં સેંકડો પ્રોજેક્ટો માટે લાખો એકર જમીન પ્રજા પાસેથી બળજબરીથી ઝૂંટવી લેવામાં આવી ત્યારે પ્રજાના વિરોધને બિલકુલ ગણકારવામાં આવ્યો નહોતો. આજે વિદેશી મલ્ટીનેશનલ કંપનીનો ૫૨,૦૦૦ કરોડ રૃપિયાનો પ્રોજેક્ટ અભણ અને નિર્ધન વનવાસીઓના વિરોધને કારણે અટકી પડયો છ, કારણ કે તેમના પક્ષે સત્ય છે અને ન્યાય છે. આપણી પ્રજા ગુલામીની તમામ પ્રકારની જંજીરો તોડી નાંખવા અને નવી આઝાદીનો અનુભવ કરવા થનગની રહી છે. સરકારે આ હકીકતનો સ્વીકાર કરવો જ પડશે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved