Last Update : 11-June-2011, Saturday
 

બાબા રામદેવને સરકાર ચારે તરફથી ઘેરી લેવા માંગે છે

 

રામદેવ બાબા જો પોતાના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં સફળ થવા માગતા હશે તો તેમણે આંદોલનને સંપૂર્ણપણે અહિંસક રાખવું જ પડશે
બાબા રામદેવે જ્યારથી નવી દિલ્હીના રામલીલા મેદાનમાં અનશનનું આંદોલન કર્યું ત્યારથી તેઓ કેન્દ્ર સરકારના હિટલીસ્ટ ઉપર આવી ગયા છે. કેન્દ્ર સરકારે પહેલા બાબા માટે લાલજાજમ બિછાવીને તેમને સમજાવી લેવાના તમામ પ્રયાસો કરી જોયા હતા. જ્યારે સરકારને લાગ્યું કે બાબાને સમજાવી શકાય તેમ નથી ત્યારે દિલ્હીની પોલીસ પોતાની તમામ તાકાતથી બાબા અને તેમના સમર્થકો પર તૂટી પડી હતી. રામદેવ બાબાના સમર્થકો જ્યારે મંડપમાં આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે અડધી રાતે તેમની ઉપર ત્રાટકીને પોલીસે રીતસર ગુંડાઓ જેવો વર્તાવ કરીને મંડપ ખાલી કરાવ્યો હતો અને બાબાની ધરપકડ કરીને તેમને હરિદ્વાર મોકલી દીધા હતા. રામદેવ બાબા અને તેમના સમર્થકો ઉપર સરકાર જે રીતે ત્રાટકવા માગે છે તેનું આ માત્ર ટ્રેઇલર છે. અત્યારે કેન્દ્ર સરકારની અડધો ડઝન એજન્સીઓ બાબા રામદેવનાં છિદ્રો શોધવાના અને તેમને હેરાનગતિ કરવાના કામમાં લાગી ગઈ છે. રામદેવ બાબાનો ગુનો એટલો જ છે કે તેમણે ભ્રષ્ટાચારીઓ સામે બાથ ભીડીને વિદેશી બેન્કોમાં સંઘરવામાં આવેલું દેશનું કાળુ નાણું પાછું દેશમાં લાવવાની ઝુંબેશ ચલાવી હતી.
આપણા દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે આંદોલન ચલાવી રહેલ સત્યાગ્રહીઓ ઉપર અંગ્રેજ સરકાર જે પ્રકારના જુલમો ગુજારતી હતી તેને પણ સારા કહેવડાવે તેવો જુલમ પાંચમી જૂનની વહેલી સવારે દિલ્હીની પોલીસે બાબાના સમર્થકો ઉપર ગુજાર્યો હતો. આ જુલમથી વ્યથિત થયેલા બાબાએ પોલીસના અત્યાચારો સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટે પણ આ બાબત બહુ હળવાશથી લીધી હતી અને કેન્દ્ર સરકાર ઉપર નોટિસ કાઢીને આ મામલાની સુનવાઈ જુલાઈ મહિના સુધી ટાળી દીધી હતી. આ ઉપરથી જ ખ્યાલ આવતો હતો કે કાયદાનો ઉપયોગ શાંત સત્યાગ્રહીઓને કચડવા માટે કરનાર સરકારને કોઈ કડક સજા કરવાની સર્વોચ્ચ અદાલતની પણ તૈયારી નથી. હકીકતમાં જે ૧૪૪મી કલમ હેઠળ દિલ્હી પોલીસે બાબાના સમર્થકો ઉપર લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસના ટોટાઓ ફોડયા તે ૧૪૪મી કલમ શાંત સત્યાગ્રહીઓને કચડવા માટે અંગ્રેજોના શાસનકાળમાં દાખલ કરવામાં આવી હતી.
હરિદ્વાર પહોંચીને બાબા રામદેવે નિવેદન કર્યું હતું કે, ''અમે ૧૧૦૦૦ યુવાનોની સેના તૈયાર કરીશું, જેને શાસ્ત્ર અને શસ્ત્રની પણ તાલીમ આપવામાં આવશે.'' બાબાના આ નિવેદનને બહુ અલગ રીતે જોવામાં આવી રહ્યું છે. કેટલાકને તેમાં નકસલવાદની ગંધ આવી રહી છે તો કેટલાકને તેમાં સશસ્ત્ર ક્રાંતિની વાત સંભળાઈ રહી છે. બાબા રામદેવ જો ભારતના બંધારણ સામે અને સરકાર સામે સશસ્ત્ર ક્રાંતિ કરવાનીવાત કરશે તો તેમના મોટા ભાગના સમર્થકો તેમનાથી દૂર થઈ જશે. અન્ના હજારેના આંદોલનને આટલો બધો ટેકો મળ્યો તેનું કારણ એ છે કે તેઓ ગાંધીજીએ ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે. આ વાત પણ બાબાએ સમજવાની જરૃર છે.
રામદેવ બાબા અત્યારે જે પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તેમાં તેમને પોલીસની પાશવી તાકાત અને સરકારના અન્યાયી વલણ સામે તદ્દન નિઃસહાય હોવાની લાગણી થાય તે સ્વાભાવિક છે. આપણી સરકાર પાસે જે લશ્કર, પોલીસ, અર્ધલશ્કરી દળો વગેરે તાકાત છે તેનો ઉપયોગ દેશના દુશ્મન અને સમાજના શત્રુઓ સામે લડવા માટે કરવો જોઈએ. તેને બદલે આ તાકાતનો ઉપયોગ દેશના સેવકોને દબાવવા માટે અને દેશને લૂંટનારાઓનું રક્ષણ કરવા માટે થઈ રહ્યો છે. સરકાર દ્વારા સુરક્ષા બળોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તેવું પહેલું ઉદાહરણ નથી. અગાઉ જ્યારે ઓરિસ્સાના અને પશ્ચિમ બંગાળના કિસાનો તેમની જમીન બળજબરીથી આંચકી લેવાના સરકારના પગલાનો અહિંસક રીતે વિરોધ કરતા હતા ત્યારે સુરક્ષા બળોએ તેમના ઉપર ગોળીઓ ચલાવીને અનેક લાશો પાડી દીધી હતી. કોઈ પણ લોકશાહી દેશમાં પ્રજાના શાંત અને અહિંસક વિરોધને કચડી નાખવા માટે લશ્કરના કે પોલીસના ઉપયોગ સામે પ્રતિબંધ હોવો જોઈએ. કોઈ પણ લોકશાહી દેશમાં પ્રજાના શાંત અને અહિંસક વિરોધને કચડી નાખવા માટે લશ્કરના કે પોલીસના ઉપયોગ સામે પ્રતિબંધ હોવો જોઈએ. ભ્રષ્ટાચાર સામે લડતા પરિબળોએ સુરક્ષા બળોના પ્રકારના આ દુરૃપયોગ સામે પણ આંદોલન ચલાવવું જોઈએ. આ માટે પોલીસ તંત્રને રાજકીય દખલગીરીથી મુક્ત કરવાની અને સ્વાયત્ત બનાવવાની જરૃર છે. જો સરકાર પોતાની પાસેના સુરક્ષા બળોની પાશવી તાકાતનો ઉપયોગ પ્રજાને કચડવા માટે કરતી હોય તો પ્રજાએ પોલીસ સામે પોતાનું રક્ષણ કરવાના ઉપાયો પણ શોધી કાઢવા જોઈએ.
પ્રજા દ્વારા કોઈ અહિંસક આંદોલન બંધારણે આપેલા અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારની મર્યાદામાં રહીને ચલાવવામાં આવતું હોય અને આ પ્રકારના આંદોલનને ગેરકાનૂની- ગેરબંધારણીય રીતે કચડી નાખવા માટે સરકાર દ્વારા પોલીસ દળનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રજાએ શું અત્યાચારો સહન કરી લેવાના ? કે પોલીસના અનૈતિક આક્રમણ સામે પોતાનું રક્ષણ કરવાનું ? આ મુદ્દો પણ લોકશાહી દેશમાં સરકાર જ્યારે બિનલોકશાહી રીતે વર્તે ત્યારે વિચારવા જેવો છે. રવિવારે વહેલી સવારે રામલીલા મેદાનમાં દિલ્હીની પોલીસ ત્રાટકી ત્યારે બાબાના ૧૧,૦૦૦ સ્વયંસેવકો દરવાજા પર ચોકી પહેરો કરી રહ્યા હોત અને પોલીસ પાસે યોગ્ય દસ્તાવેજો છે કે કેમ તેની તપાસ કર્યા પછી જ કાનૂની રાહે તેમને મંડપમાં પ્રવેશવા દેવાની પરવાનગી આપવામાં આવી હોત તો ચિત્ર કદાચ જૂદું હોત. જેમ ત્રાસવાદીઓથી બચવા માટે ખાનગી ગાર્ડોની મદદ લેવામાં આવે છે તેમ પોલીસના ગેરકાનૂની અત્યાચારથી બચવા માટે આત્મરક્ષણની તાલીમ યુવાનોને આપવામાં કાંઈ ખોટું નથી. લોકશાહીનો અર્થ એવો નથી થતો કે પ્રજાએ નામર્દ બનીને અત્યાચારો સહન કરી લેવાના. યાદ રહે કે આમાં પોલીસની હિંસાનો સામનો હિંસાથી કરવાની કોઈ વાત નથી પણ પોલીસની ગેરબંધારણીય હિંસાને અહિંસક રીતે અટકાવવાની ઔવાત છે.
આપણી સરકાર પાસે કોઈ આંદોલનને કચડી નાખવાની કેટલી અમાનુષી તાકાત છે તેનું નાનકડું સેમ્પલ બાબાએ ગયા રવિવારે પરોઢિયે જોઈ જ લીધું હશે. સરકાર પાસે પોલીસ છે, લશ્કર છે, અર્ધલશ્કરી દળો છે, જાસૂસી સંસ્થાઓ છે, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, સીબીઆઇ છે, સરકારી નાણાંની રાક્ષસી તાકાત છે, અદાલતો છે અને કાયદાના હથિયારો છે. સરકાર આ બધી તાકાતનો ઉપયોગ બાબાને અને તેમના અનુયાયીઓને હેરાન- પરેશાન કરવા માટે કરી શકે છે અને કરશે. ભ્રષ્ટાચારીઓના જ્યારે અસ્તિત્વનો સવાલ આવી જશે ત્યારે તેઓ પોતાની તમામ તાકાતથી બાબા અને તેમના ટેકેદારો ઉપર તૂટી પડશે. બાબાને આર્થિક મદદ કરી રહેલા ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો ઉપર જ્યારે ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ, કસ્ટમ, એક્સાઇઝ, સીબીઆઇ વગેરેના દરોડાઓ પડશે ત્યારે તેમાંના કેટલા બાબાની પડખે રહેશે તે મોટો સવાલ છે. બાબાના આંદોલનમાં આગળ પડતો ભાગ લઈ રહેલા કાર્યકરોને જ્યારે પોલીસ તંત્ર વિવિધ કેસોમાં ફસાવી જેલમાં ધકેલી દેશે ત્યારે તેમાંના કેટલા જામીન ઉપર છૂટયા પછ બાબાની સાથે રહેશે તે સવાલ છે. આ બધી ગણતરીઓ કર્યા પછી જ બાબા સંકલ્પબદ્ધ બનીન પોતાનું આંદોલન અહિંસક રીતે આગળ ધપાવશે તો જ તેમને સફળતા મળશે.
બાબા રામદેવના 'સેના' ઉભી કરવાના નિવેદનના અર્થનો અનર્થ થાય તે પહેલાં જ બાબાએ ખુલાસો કરી દીધો છે કે તેઓ નકસલવાદીઓ જેવું હિંસક લશ્કર તૈયાર કરવા નથી માગતા પણ સમાજની અને દેશની રક્ષા કરે તેવું અહિંસક સૈન્ય તૈયાર કરવા માગે છે. બાબા રામદેવે કહ્યું છે કે ભારતના યુવાનોને 'શાસ્ત્ર' અને 'શસ્ત્ર'ની તાલીમ આપવાની પ્રજા પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે. આ કારણે જ ક્ષત્રિયો દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરે છે. લગભગ દરેક હિન્દુ દેવી- દેવતાના હાથમાં જે શસ્ત્ર હોય છે તેનો ઉદ્દેશ રાક્ષસો અને સમાજના શત્રુઓથી પ્રજાનું રક્ષણ કરવાનો હોય છે. આત્મરક્ષણ માટે હથિયારો ધારણ કરવાનો ભારતના બંધારણમાં પણ નિષેધ નથી. આ કારણે જ જેમને જરૃર હોય તમને હથિયારના લાઇસન્સ આપવામાં આવે છે. બાબા રામદેવના કહેવા મુજબ ભારતમાં પ્રાચીન કાળથી જ્ઞાાનની જેમ જ શક્તિની પણ પૂજા થતી હતી. આજે તો આત્મરક્ષણ કરવા માટ જૂડો અને કરાટે જેવા માર્શલ આર્ટ પણ યુવાનોને શિખવાડવામાં આવે છે. આપણી સરકાર એવું ઇચ્છે છે કે પ્રજા નિર્માલ્ય રહે અને અત્યાચારો સહન કરતી રહે. બાબા રામદેવ પ્રજાને અન્યાય અને અત્યાચાર સામે લડવાનું અને ગુંડા તત્ત્વોથી જાતનું રક્ષણ કરવા માટે 'શસ્ત્ર'ની તાલીમ લેવાનું શિખવતા હોય તો તેમાં કાંઈ ખોટું નથી.
ભારતના ઘણા રાજકારણીઓ અને અદાલતના ન્યાયમૂર્તિઓ જ્યારે હજી સુધી પોતાની સંપત્તિ જાહેર કરવાની બાબતમાં ખચકાઈ રહ્યા છે ત્યારે બાબા રામદેવે પોતાના ટ્રસ્ટોની સંપત્તિ જાહેર કરી તેની પણ કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે. બાબા રામદેવની જાહેરાત મુજબ તેમની સંસ્થાઓ પાસે બધું મળને ૧,૧૦૦ કરોડ રૃપિયાની અસ્કયામતો છે. બાબા પાસે અંગત રીતે ફૂટી કોડીની સંપત્તિ પણ નથી. તેમના ટ્રસ્ટો પાસે જે કોઈ સંપત્તિ છે તેનો ઉપયોગ કેવળ લોકોની સેવા કરવા માટે થઈ રહ્યો છે. બાબા દ્વારા આયુર્વેદિક દવાઓ અને પારંપારિક ઉત્પાદનો વેચવા માટે જે ૩૪ કંપનીઓ દ્વારા અબજો રૃપિયાનો ધંધો કરવામાં આવી રહ્યો છે તે પણ કેટલાકને ખૂંચે છે. શું કંપની સ્થાપીને ધંધો કરવો એ ગુનો છે ? જે દેશમાં હજારો મલ્ટીનેશનલ કંપનીઓ અબજો રૃપિયાનો વિદેશી માલ વેચી શકતી હોય તે દેશમાં કેટલીક કંપનીઓ માત્ર સ્વદેશી ઉદ્યોગોને જ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ધંધો કરતી હોય તો તે મોટી દેશસેવા છે. આ કંપનીઓનો ધંધો વધે અને મલ્ટીનેશનલ કંપનીઓનો ધંધો ઘટે તે પણ દેશના હિતમાં છે. બાબા રામદેવના વિરોધીઓની તાકાત જોતાં એટલું નક્કી છે કે બાબાએ જો તેમના આંદોલનને સફળ બનાવવું હોય તો તેમના હવે પછીના પગલાંઓ ખૂબ સાવચેતીથી અને દૂરંદેશીથી ભરવા પડશે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved