Last Update : 07-Sept.-2010, Tuesday

શહેરોનો ટ્રાફિક હવે રોગોત્પાદક પણ બની રહ્યો છે

ઓટોમોબાઈલ્સ ઉદ્યોગને આપવામાં આવતી સબસિડીઓ બંધ કરવામાં આવે અને કારચાલકો પાસેથી ભારે ટેક્સ વસૂલ કરવામાં આવે તો રાહત થઈ શકે છે

તાજેતરમાં દિલ્હીના ટ્રાફિક જામમાં ફસાઈ ગયેલા રાહુલ ગાંધીએ ઘરે પહોંચવા માટે મેટ્રો ટ્રેન પકડવી પડી હતી. જેઓ મુંબઈ, દિલ્હી કે બેંગ્લોર શહેરના ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય તેમને નર્ક કેવું હશે તેની યાદ કરાવવાની જરૃર નહીં પડે. ચેન્નાઈમાં રહેતી ૩૫ વર્ષની રાધિકા નામની ગૃહિણીના પતિને હાર્ટ એટેક આવ્યો. તેણે એમ્બ્યુલન્સ બોલાવી અને પોતાના પતિને એમ્બ્યુલન્સમાં લઈને તે જનરલ હોસ્પિટલ જવા નીકળી. ટ્રાફિક જામમાં ફસાઈ ગયેલી એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ત્યારે રાધિકાના પતિએ દમ તોડી દીધો હતો. આવા તો અનેક કિસ્સાઓ મેટ્રો સિટીઝમાં દરરોજ બનતા હશે. હવે તો અમદાવાદ, રાજકોટ અને સુરત જેવાં શહેરો પણ ટ્રાફિક જામની ગંભીર સમસ્યાનો અનુભવ કરવા લાગ્યા છે. તમારી પાસે ૩૫ લાખ રૃપિયાની કિંમતની મર્સિડીઝ ગાડી હોય તો પણ તમે ટ્રાફિક જામથી બચી શકતા નથી. ટ્રાફિક જામે શહેરોમાં હવે અસાધ્ય બીમારીનું સ્વરૃપ ધારણ કરી લીધું છે.
news-viewsટ્રાફિક જામનું મુખ્ય કારણ છે, વાહનોની વધી રહેલી સંખ્યા. વાહનોની સંખ્યા વધે છે તેમ રસ્તાઓની લંબાઈ-પહોળાઈ વધતી નથી, એટલે ટ્રાફિક જામની વિકરાળ સમસ્યા પેદા થાય છે. ઈ.સ. ૧૯૬૦ના દાયકામાં ભારતમાં મોટર કારોનું ઉત્પાદન કરતી ત્રણ જ કંપનીઓ હતી, જેઓ દર વર્ષે ત્રણથી ચાર હજાર મોટર કારનું ઉત્પાદન કરતી હતી. આજે ભારતમાં મોટર કારનું ઉત્પાદન કરતી ૩૩ કંપનીઓ છે. ભારતનાં ચાર મહાનગરમાં જ દર મહિને ત્રણથી ચાર હજાર કાર રસ્તા ઉપર આવે છે. એક સમયે શ્રીમંતોને જ મોટર કાર પરવડતી હતી. આજે કારો સસ્તી થઈ છે અને લોકોની આવક વધી હોવાથી મધ્યમ વર્ગના નાગરિકો પણ પોતાની કારમાં અને છેવટે પોતાના ટુ વ્હીલરમાં ફરતા થયા છે. સરકાર મોટર કારના ઉત્પાદકોને જાતજાતની રાહતો આપે છે. બેન્કો મોટર કાર ખરીદવા હળવા દરે ધિરાણ આપે છે. આ કારણે સમગ્ર દેશમાં વાહનોની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે.
ભારતનાં શહેરોમાં ટ્રાફિકની સમસ્યા એટલી વિકરાળ થઈ ગઈ છે કે હવે મોટર કારો બળદ ગાડાની કે ઘોડા ગાડીને સ્પીડે ચાલવા લાગી છે. મુંબઈ અને દિલ્હી શહેરોમાં વાહનોની એવરેજ સ્પીડ ઘટીને હવે કલાકના ૧૬ કિલોમીટરની થઈ ગઈ છે. ભારતના મોટા ભાગના નાગરિકો પોતાના કામનાં સ્થળે પહોંચવા માટે રોજના સરેરાશ ૧૦ કિલોમીટરનો પ્રવાસ કરે છે. મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોના નાગરિકો ટ્રાફિક જામને કારણે રોજના ત્રણથી ચાર કલાક ટ્રેનમાં, બસમાં અથવા કારમાં બેસી રહે છે. તેમની જિંદગીના છ વર્ષ આ રીતે કામના સ્થળે આવવા-જવામાં જ પસાર થઈ જાય છે. ભારતમાં મોટર કારનું વેચાણ દર વર્ષે ૩૮ ટકાના દરે વધી રહ્યું છે. ઈ.સ. ૨૦૦૯-૧૦ની સાલમાં ભારતમાં ૧૯.૫ લાખ મોટર કાર વેચાઈ હતી. ભારતની સડકો ઉપર જેટલી મોટર કાર છે તેની ૩૨ ટકા શહેરોમાં છે. શહેરોના રસ્તા ઉપર જે કુલ જગ્યા છે, તેની ૪૧ ટકા જગ્યા પાર્કીગમાં રોકાઈ ગઈ છે. ભારતની વસતિ ૧૧૦ કરોડ ઉપર પહોંચી ગઈ છે, પણ ભારતમાં વાહનોની વસતિ ૧૦ કરોડ ઉપર પહોંચી ગઈ છે. ભારતનાં પાંચ મુખ્ય શહેરોમાં જ ૪૦ લાખ મોટરકાર છે.
મુંબઈ શહેરમાં દર એક કિલોમીટર રોડ દીઠ મોટરકારની સંખ્યા વધીને ૭૪૭ ઉપર પહોંચી ગઈ છે. મુંબઈ શહેરમાં આશરે બે લાખ રીક્ષાઓ, ૫૫,૦૦૦ ટેકસીઓ, ૨૫,૦૦૦ બસો, નવ લાખ મોટર કાર અને ત્રણ લાખ ખટારાઓ છે. મુંબઈમાં મોટર કારની વસતિ દર વર્ષે ૫.૭૫ ટકાના દરે વધી રહી છે. દિલ્હીના ૧૦ ટકા પરિવારો કારની અને ૪૩ ટકા પરિવારો ટુ વ્હીલરની માલિકી ધરાવે છે. દિલ્હીમાં ટ્રાફિક જામને કારણે રોજનું ૩૦ લાખ લીટર બળતણ નકામું બળી જાય છે, જેની કિંમત ૧૦ કરોડ રૃપિયા જેટલી થાય છે. દિલ્હીના ૪૮ ટકા વાહનચાલકો કહે છે કે ટ્રાફિક જામને કારણે તેઓ રસ્તા ઉપરના ક્રોધ (રોડ રેજ)નો અનુભવ કરે છે. ૪૫ ટકા કહે છે કે ટ્રાફિક જામમાં ફસાઈ જવાને કારણે તેમનો સ્ટ્રેસ વધી જાય છે. દિલ્હી અને ગુરગાંવ વચ્ચેના ૨૯ કિલોમીટર લાંબા રોડ ઉપરથી રોજની ૧,૮૦,૦૦૦ મોટર કારો પસાર થઈ જાય છે. આ પ્રમાણ દર વર્ષે સાત ટકાના દરે વધી રહ્યું છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલોર જેવાં શહેરોમાં હવે ટ્રાફિક જામને કારણે શ્વસન તંત્રના અને હૃદયના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
મોટાં શહેરોમાં ટ્રાફિક બાબતના આયોજનનો સદંતર ધબડકો થયો છે. એક મોટર કારની સરેરાશ લંબાઈ પાંચ મીટર હોય છે. આ હિસાબે જો મુંબઈ શહેરની તમામ મોટર કારો રસ્તા ઉપર આવી જાય તો તેમને ઊભી રાખવા માટે ૩,૭૫૦ કિલોમીટર જગ્યા જોઈએ. તેની સામે મુંબઈના રસ્તાઓની કુલ લંબાઈ જ ૨,૦૪૫ કિલોમીટર છે. મુંબઈ શહેરના રસ્તાઓ ઉપર રોજની ૫૦૦ નવી મોટર કાર ઉમેરાઈ રહી છે. તેમ છતાં દક્ષિણ મુંબઈમાં ગગનચુંબી મકાનોની સંખ્યા વધી રહી છે. આ મકાનના દરેક ફલેટમાં રહેતા શ્રીમંતો પાસે એક કરતાં વધુ મોટર કાર હોય છે. આ સ્કાયસ્ક્રેપરોને કારણે મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા એકદમ વકરી જવાની છે. મુંબઈ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ તો બિલ્ડરોના પૈસા ખાઈને મલ્ટીસ્ટોરી બિલ્ડીંગોને પરવાનગી આપ્યા કરે છે. તેઓ ટ્રાફિકની બિલકુલ ચિંતા કરતા નથી.
મુંબઈ શહેરમાં હવે પાર્કિંગની જગ્યા માટે પણ સોસાયટીને અથવા બિલ્ડરને પાઘડી ચૂકવવી પડે છે. આ મામલો તાજેતરમાં સુપ્રિમ કોર્ટમાં ગયો હતો. સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો કે બિલ્ડર પાર્કિંગની જગ્યાના રૃપિયા લઈ શકે નહીં. બિલ્ડરો કહે છે કે હવે તેઓ ફલેટની કિંમતમાં જ પાર્કિંગ સ્પેસની કિંમતનો સમાવેશ કરી લેશે. આ કારણે ઘણા મુંબઈગરાઓ પોતાની કાર રસ્તાઓ ઉપર જ પાર્ક કરે છે. મુંબઈના રસ્તાઓ ઉપર કોઈ પણ સમયે સરેરાશ બે લાખ મોટર કાર પાર્ક થયેલી હોય છે. મિઝોરમની સરકારે તો એવો કાયદો બનાવ્યો છે કે જેની પાસે મોટર કાર રાખવા માટેનું ગેરેજ હશે તેમને જ મોટર કાર ખરીદવાની પરવાનગી આપવામાં આવશે.
જે નાગરિકો ટ્રાફિક જામમાં દરરોજ ફસાઈ જાય છે, તેમનો સ્વભાવ પણ ચિડીયો થઈ જાય છે અને તેઓ વાતવાતમાં ઉશ્કેરાઈને ઝઘડા કરી બેસે છે. ઘણા મોટરિસ્ટો પોતાની કારમાં લોખંડના સળિયા અથવા હોકી સ્ટીક રાખતાં થઈ ગયા છે. કોઈ વાહન ખોટી રીતે ઓવરટેક કરીને આગળ નીકળવાની કોશિષ કરે તો તેમનો પિત્તો જાય છે અને તેઓ હુમલો કરી બેસે છે. આ રીતના ઝઘડાઓમાં ખૂનની ઘટનાઓ પણ બનવા લાગી છે. તાજેતરમાં મુંબઈમાં બેસ્ટની બસે એક કારને ટક્કર મારી દીધી ત્યારે કારના ડ્રાઈવરે ગુસ્સામાં આવી બસનો વિન્ડ સ્ક્રીન તોડી નાંખ્યો હતો. તેણે ભાગી રહેલા બસના ડ્રાઈવરનો પીછો પકડી તેને કચડી નાંખવાનો પણ પ્રયાસ કર્યો હતો. મુંબઈમાં ઇન્ટરનેશનલ એર-પોર્ટ નજીક રશીદ તનવીર નામનો યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યાં તેને કારણે મોટર કારે બ્રેક મારવી પડી હતી. કારના ડ્રાઈવરને ગુસ્સો ચડયો ત્યારે તેણે રશીદનો કોલર પકડીને તેને ૫૦ મીટર સુધી કારની સાથે ઘસડયો હતો. છેવટે ૨૩ વર્ષનો આ યુવક કારના આગલા વ્હીલ હેઠળ કચડાઈને મૃત્યુ પામ્યો હતો.
ભારતમાં નાગરિકોના અકુદરતી મૃત્યુ માટે જેટલાં પરિબળો જવાબદાર છે, તેમાં માર્ગ અકસ્માતમાં થતાં મરણનું પ્રમાણ છઠ્ઠા ક્રમે આવે છે. ભારતના એક લાખ નાગરિકો દર વર્ષે માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. બીજા પાંચ લાખ લોકો ઘાયલ થાય છે. જો અત્યારનો ક્રમ ચાલુ રહ્યો તો માર્ગ અકસ્માતમાં મરણ પામનારાઓની સંખ્યા વધીને બે લાખ ઉપર પહોંચી જશે. ભારતમાં એચઆઈવી-એઇડ્સ અથવા સ્વાઇન ફલૂથી જેટલાં મોત થાય છે, તેના કરતાં અનેક ગણા વધુ મોત માર્ગ અકસ્માતમાં થાય છે. મુંબઈ શહેરમાં માર્ગ અકસ્માતમાં જેટલા નાગરિકોનાં મોત થાય છે, તેના ૬૦ ટકા રાહદારીઓ હોય છે. રસ્તા ઉપરના અકસ્માતોને કારણે દેશના અર્થતંત્રને દર વર્ષે આશરે ૫૫,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થાય છે.
ભારતમાં રસ્તા ઉપર વાહનોની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ એ છે કે વાહનોને કારણે પર્યાવરણને અને પ્રજાના આરોગ્યને જે નુકસાન થાય છે, તેનો ખર્ચ વાહનચાલકો પાસેથી વસૂલ કરવામાં આવતો નથી. વાહનોના ધુમાડાને કારણે દર વર્ષે લાખો લોકોને ટી.બી. અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ લોકોની સારવારનો ખર્ચો પણ વાહનચાલકો પાસેથી વસૂલ કરવો જોઈએ. ઓટોમોબાઈલ્સ ઉદ્યોગને જે રાહતો આપવામાં આવે છે તે પાછી ખેંચી લેવી જોઈએ. જો આમ કરવામાં આવશે તો કારની કિંમત વધી જશે અને કારને રાખવાનો ખર્ચ પણ વધી જશે.
થોડા સમય પહેલા મુંબઈની મહાનગરપાલિકાએ દક્ષિણ મુંબઈમાં પ્રવેશ કરતાં વાહનો પાસેથી કન્જેશન ટેક્સ લેવાનો પ્લાન બનાવ્યો હતો. મોટરમાલિકોના વિરોધને કારણે આ પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો. રસ્તા ઉપર વાહનોમાં બેસીને મુસાફરી કરનારા લોકો કરતાં પગે ચાલીને જતાં નાગરિકોની સંખ્યા ક્યાંય વધુ હોય છે. તો પણ વાહનો માટે વધુ જગ્યા ફાળવવામાં આવે છે. સરકાર તરફથી જો પદયાત્રાને પ્રોત્સાહન આપવામાં આવે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમ સુધારવામાં આવે તો પણ વાહનોની સંખ્યા ઘટી શકે છે. આવા કોઈ પગલાંઓ લેવાને બદલે સરકારે ટ્રાફિકની બાબતમાં પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધી છે.
- સુપાર્શ્વ મહેતા
Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved