Last Update : 07-Sept.-2010, Tuesday

ઘેરબેઠાં ‘સ્ટેઈન્ડ ગ્લાસ’ બનાવવાની કરામત

 

અનોખી અને જુદા જ પ્રકારની કારકિર્દી માટે ઘર બહાર જવું જ જોઇએ એવું જરૂરી નથી. થોડી આવડત અને થોડાં સાધનો દ્વારા તમે સફળતાની સીડી ચડી શકો છો.
પહેલી નજરે સુહાસિની માશુવાલા સીધી સાદી ગૃહિણી લાગે. પણ એની આંગળીઓમાં જાદુ છે. સુહાસિની બારીઓના કાચ અને લેમ્પ શેડ્સ રંગીન કાચના ટુકડામાંથી બનાવે છે. મુંબઇ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે સુહાસિની બી.એ. થઇ છે. પહેલેથી જ તેને ફાઇન આર્ટસમાં રસ હતો. ખાસ કરીને પેઇન્ટીંગમાં એમે પોતે તાલીમ લીધી છે અને વર્ગો પણ ભર્યા છે. એણે બાળકો માટેના હસ્તકામ અને પેઇન્ટીંગના વર્ગો લીધા છે અને બહેનોને પણ શીખવ્યું છે.
‘‘રંગીન અને ચિત્રણવાળા કાચનું મને પહેલેથી આકર્ષણ હતું.’’ સુહાસિનીએ કહ્યું, ‘‘હું અમેરિકા છ અઠવાડિયા માટે કાચનું કામ શીખવા ગઇ અને શરૂઆતમાં જે માત્ર શોખ હતો એ વ્યાપારમાં પલટાઇ ગયો.’’ અને તરત ખ્યાલ આવ્યો કે ભારતમાં આ જાતનું કામ ખાસ કોઇ કરતું નથી. તેથી આ ક્ષેત્રમાં પુષ્કળ તક છે.
સુહાસિનીએ ઘરમાં જ એક નાની જગ્યા જુદી ફાળવીને નાનો સ્ટુડિયો બનાવ્યો છે અને એક ખાનગી દુકાન દ્વારા તે ઓર્ડરો સ્વીકારે છે. કામ ખૂબ જ મહેનતાળું છે. છતાં સુહાસિનીને કામમાં ખૂબ આનંદ આવે છે. પહેલાં તે આકૃતિ ચીતરી લે છે. સુહાસિનીને પક્ષીઓ અને ફૂલોની ડિઝાઇન ખૂબ ગમે છે. ત્યારબાદ તે રંગીન કાચને કાપે છે અને તેની તીક્ષ્ણ ધાર પર ફોઇલ વાળે છે. છેલ્લે આ બધા ટુકડાને રેણ કરવાનું હોય છે અને લો, સુંદર લેમ્પ શેડ કે બારીનો નયનરમ્ય કાચ તૈયાર! સ્ટેઇન્ડ ગ્લાસની આ કલાકૃતિઓ બજારમાં ઊંચા ભાવે વેંચાય છે.
કાચમાં કામ કરવા ઉપરાંત સુહાસિની કાચ પર રંગોથી ચિત્રકામ કરીને પણ આવી જ ડીઝાઇન ઉપસાવે છે. એક્રીલીક પર પણ એ ચિત્રકામ કરે છે. જેની અસર અંતમાં કાચ જેવી જ લાગે છે.
જિંદગીમાં થોડી મોડી શરૂઆત કરવા છતાં સુહાસિની માને છે કે કંઇ પણ શીખવા કે કરવા માટે ક્યારેય તમે મોડા નથી. એણે ચિત્રિત એક્રીલીકની બાથરૂમ પેનલ, છત બનાવ્યા છે અને બારીઓના રંગીન આકૃતિમય કાચના લેમ્પ શેડ પણ બનાવ્યા છે. કૃત્રિમ રીતે બનાવેલી વસ્તુનો લગભગ એક ફૂટે ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો ભાવ હોય છે અને કાચના કામ માટે ત્રણગણી કિંમત હોય છે.
થોડા જ સમયમાં એણે લગભગ સો એક વસ્તુઓ વેચી છે અને નજીકના ભવિષ્યમાં સુહાસિની પ્રદર્શન ભરવા ધારે છે. બસ ત્યાં સુધી એ રંગીન કાચમાં પોતાનાં મનગમતાં પંખીઓને ચિત્રિત કરતી રહે છે. રંગીન કાચની આ સૃષ્ટિને સ્ટેઇન્ડગ્લાસ કહે છે.
કાચનો ઉપયોગ શો છે? એમ પૂછવામાં આવે તો મોટાભાગના લોકો એમ જ કહેશે કે કાચમાંથી અરીસો બને છે અથવા તો કાચ બારીમાં જડવામાં કામ લાગે છે. પણ કાચના માઘ્યમથી ઉત્કૃષ્ટ કલાનમૂના તૈયાર કરી શકાય છે તેની ઘણા ઓછા લોકોને જાણ હશે.
મોગલ સામ્રાજ્યમાં ભારતમાં કાચમાંથી અવનવી ડીઝાઇનો બનાવતા કારીગરોની ખોટ નહોતી. પરંતુ, મોગલ સામ્રાજ્યનો અસ્ત થતાં જ આ કળા ધીરે ધીરે લુપ્ત થતી ગઇ. જો કે જર્મનીના લુઇસ ટિફની નામના ગૃહસ્થે આ કળા જીવંત રાખી. ફ્રાન્સના ચર્ચની બારીમાં મઢેલા રંગબેરંગી કાચની અદ્ભુત ડીઝાઇન જોઇને ટિફનીને આ કળામાં ઊંડા ઉતરવાનું મન થયું. ફ્રાન્સના કારીગરો પાસેથી થોડી તાલીમ લીધા બાદ તેઓએ જર્મની આવીને આ કળા અંગે સંશોધન શરૂ કર્યું. તેમની મહેનતનું ફળ તેમને મળ્યું અને આજે દુનિયામાં કાચમાંથી જાતજાતના કળા નમૂના બનાવવામાં જર્મનીની ટિફની ક્લબનું નામ ઘણું માનપૂર્વક લેવાય છે. મુંબઇની ૨૩ વર્ષીય યુવતી રશ્મિ અગ્રવાલે જર્મનીની ટિફની ક્લબમાંથી જ તાલીમ લીધી છે. ભારત પાછા ફરીને તેણે લોઅર પરેલ ખાતે ગ્લાસ આર્ચિવ્સ નામની દુકાન શરૂ કરી છે. અગાઉના કારીગરો કાચના ડીઝાઇન મુજબના ટુકડા કાપી તેની આસપાસ સીસું જડીને દરેક ટુકડાને એકબીજા સાથે જોડતા. પરંતુ, ટિફનીએ પોતાની નવી જ પઘ્ધતિ વિકસાવી છે. ડીઝાઇન કરેલા કાચના ટુકડા જોડી દઇને તેની આસપાસ તાંબાની ફોઇલનો રેણ મારી દેવાની નવી પઘ્ધતિ ટિફનીમાં અમલમાં મૂકવામાં આવી હોવાનું રશ્મિ જણાવે છે. આ પઘ્ધતિને કારણે કાચ કારીગરીની વ્યાખ્યા જ બદલાઇ ગઇ. થોડુંક ઘ્યાન આપવામાં આવે તો ટુંક સમયમાં કોઇ પણ વ્યક્તિ આ કળા શીખી શકે છે.
જો કે સ્ટેઇન્ડ ગ્લાસમાંથી અદ્ભુત કળા નમૂના બનાવવા માટે લાંબા અને નજાકત ભરેલા આંગળા હોવા જરૂરી છે. રશ્મિની ગ્લાસ આર્ચિવ્સમાં કળાત્મક ડીઝાઇન વડે શણગારેલા લેમ્પ, અરીસા, ઘડિયાળ, ફોટો ફ્રેમ, બારી વગેરે મળે છે. સ્ટેઇન્ડનો અર્થ થાય ડાઘાવાળુ. પણ સ્ટેઇન્ડ ગ્લાસ એટલે રંગ ચઢાવેલો કાચ, વિવિધ રંગના કાચના ડિઝાઇન પ્રમાણે ટુકડા કાપી લેવામાં આવે છે. અને પછી તેને એડહેસીવની મદદથી સંબંધિત વસ્તુ જેવી કે બારી, અરીસો વગેરે પર જડી લેવામાં આવે છે.
રશ્મિ પોતાની અગલ ઓળખાણ બનાવવા માટે કિંમતી નંગ, સિરામિક્સ અને ઘડતરના લોઢા (રોટ આયર્ન)નો પણ પોતાના આર્ટ પીસ પર છૂટથી ઉપયોગ કરે છે. રશ્મિના કાર્યમાં તેની નણંદ રાધિકા તેને મદદ કરે છે. રશ્મિ ઉત્પાદનનું કામ સંભાળે છે. જ્યારે રાધિકા વ્યવસાયિક બાબતો પર નજર રાખે છે.
આ ક્ષેત્રમાં કેવી મુશ્કેલી નડે છે એના જવાબમાં રશ્મિ જણાવે છે કે જર્મનીના મુકાબલે અહીના કારીગરો સાથે પનારો પાડવો મુશ્કેલ છે. આપણા કારીગરો મોટેભાગે અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોવાથી ભાષાની સમસ્યા પણ નડે છે. તે ઉપરાંત, જર્મની જેવો કાચો માલ અહીં ઉપલબ્ધ થતો નથી. જો કે આ મુશ્કેલીની અવગણના કરીને રશ્મિ સારામાં સારા નમૂના બનાવવા કટિબઘ્ધ છે.
એકાદ હજાર રૂપિયામાં તમે પણ ઘેર બેઠાં સ્ટેઇન ગ્લાસના આર્ટ પીસ બનાવી શકો છો. અહીં કાચમાંથી કળા નમૂનો (ફ્લાવર વાઝ) બનાવવાની સરળ રીતો આપી છે.
જરૂરી સાધનો ઃ સફેદ કાગળ, માર્કંિગ પેન, ગ્લાસ કટર, કેરોસીન, બેકિંગ પિલર્સ, ગ્રોઝિંગ પિલર્સ, પ્લાયવુડ બોર્ડ, બ્રશ, સિલિકોન કાર્બાઇડનો પથ્થર, રેણ, રંગબેરંગી કામની તાંબાની ફોઇલ.
રીતઃ (૧) માર્કર પેનની મદદથી સફેદ કાગળ પર મનગમતી ડીઝાઇન દોરો.
(૨) ડીઝાઇનના અલગ - અલગ ભાગમાં જે રંગ પૂરવો હોય તેની નિશાની કરી દો. ઉદાહરણ તરીકે લીલા માટે બ, લાલ માટે ર વગેરે.
(૩) ડીઝાઇનમાં દર્શાવેલા રંગ પ્રમાણે તે રંગનો કાચ તેના પર ગોઠવો. કટરને કેરોસીનમાં બોળીને ચિત્ર પ્રમાણે માર્કંિગ કરો.
(૪) પ્લેટ પ્લીઅર્સની મદદથી કાચને બરાબર પકડો. બીજા હાથ વડે દબાણ પૂર્વક કાચના ડીઝાઇન સિવાયના ભાગને દૂર કરો.
(૫) ગ્રેઇઝંગ પ્લીઅર્સની મદદથી કાચના સૂક્ષ્મ ટુકડાઓ દૂર કરો. કાર્બાઇડ પથ્થરની મદદથી ખૂણા ઘસીને તેની ધાર બુઠ્ઠી કરો.
(૬) તાંબાની ફોઇલને કાચના ટુકડાની આસપાસ ચીપકાવી દો. આ ફોઇલ કાચની સપાટીથી પા ઇંચ ઉપર રહેવી જોઇએ.
(૭) ફોઇલ વડે કવર કરાયેલા કાચના ટુકડાઓને ડીઝાઇન પ્રમાણે એકબીજાની બાજુમાં ગોઠવો.
(૮) સીલ્ડર આર્યન (રેણ) ગરમ કરો.
(૯) તાંબાની ફોઇલની ધાર રેણ વડે જોડી દો.
(૧૦) બીજા પેનલ્સ પણ આ જ રીતે તૈયાર કરો.
(૧૧) ફ્લાવર વાઝના તળિયાનો ભાગ બનાવવા નવ કાચના ટુકડા લઇ અષ્ટકોણની માફક નવ ખૂણા જોડો.
(૧૨) દરેક પેનલને વર્તુળાકારમાં ગોઠવી, રેણ કરીને એકબીજા સાથે જોડી દો.
(૧૩) આ રીતે તૈયાર થયેલા બેઝને ઊંઘુ વાળી તળિયાના હિસ્સા પર નવબાજુવાળો વાઝ ગોઠવી દો.
(૧૪) તળિયાનો હિસ્સો અને નવકોણી વાઝની પેનલોને સોલ્ડર કરી જોડી દો.
આ રીતે સુંદર ફ્લાવર વાઝ તૈયાર થઇ જશે
આટલું ઘ્યાન રાખો
* કાચ પર માર્કંિગ કરતી વખતે ઊભા રહો જેથી વઘુ દબાણ પૂર્વક માર્કંિગ કરી શકાય.
* કાચ કાપતી વખતે જરા પણ અટકો નહિ
* શીખાઉ લોકો માટે સૌ પ્રથમ નકામા કાચ પર પ્રેક્ટિસ કરવી હિતાવહ છે
* કાચ બરાબર ન તૂટે તો હળવે હળવે તેની સપાટી ઠપઠપાવો.
* વળાંક ધરાવતી ડીઝાઇન માટે સપાટી ઠપઠપાવવી જરૂરી બનશે. અન્યથા કાચ ભાગશે નહિ.
* સોલ્ડરીંગ કર્યા બાદ વધારાનું રેણ કાઢવાનું ચૂકવું નહી
* ગ્લાસ વોશિંગ સોલ્યુશન વડે કાચને સાફ કરી નાખો.
વર્ષા

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved