Last Update : 07-Sept.-2010, Tuesday

‘ફોર્ટી’ પછી ફૅશનમાં ‘મેચ્યોરિટી’ અપનાવો

૪૦ વર્ષની મમ્મી ૨૦ની દીકરી જેવી વેશભૂષામાં કેવી લાગે?


 

ચાળીસ વર્ષની વય બાદ જીવનમાં એક સ્થિરતા આવે છે. સંતાનો તરુણ વયના થઇ ગયા હોય છે, કારકિર્દી ચોક્કસ મુકામે પહોંચી ગઇ હોય છે, લગ્ન જીવનના ૧૫-૨૦ વર્ષ થઇ ગયા હોવાથી પતિ-પત્ની વચ્ચે પણ સારી એવી સંવાદિતા સધાઇ ગઇ હોય છે. આમ ક્રમશઃ ચિંતા ઘટતી ગઇ હોવાથી જીવનમાં એક હળવાશનો અનુભવ થતો હોય છે. આથી જ ‘લાઇફ બિગીન્સ એટ ફોર્ટી’ એમ કહેવામાં આવે છે. પરંતુ અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે શું ચાળીસીએ પહોંચતાં સુધીમાં ફેશનપરસ્તીનો અંત આવી જાય છે?
૩૯નો આંકડો વટાવીને વય ચાળીસે પહોંચે છે એટલે જુવાનીના વળતાં પાણી થવા લાગે છે. ત્યાર પછી મેનોપોઝનો તબક્કો નજીક આવતો જાય છે અને શરીરમાં હોર્મોનલ ફેરફાર આવે છે. ચહેરો વઘુ પાકટ બને છે અને શરીરના તમામ અંગો પર વધતી જતી ઊંમરની અસર દેખાવાનો આરંભ થાય છે. શું હવે આ વયે, સ્કીન ટાઇટ જીન્સ પહેરવું યોગ્ય ગણાય? શોર્ટસ પહેરી ખુલ્લી જાંઘનું પ્રદર્શન કરવું સારું કહેવાય? હવે મિનિ સ્કર્ટસ પહેરવાના સમણાંનો વીંટો વાળી દેવો? કે પછી બેકલેસ બ્લાઉઝને સ્થાને પરંપરાગત સ્ટાઇલના પીઠ ન દેખાય તેવા બ્લાઉઝ પહેરવા જોઇએ? એવા અનેક પ્રશ્નો માનુનીના મનમાં ધુમરાતા હોય છે.
આજે જે માનુનીઓ ચાળીસીમાં છે તેઓ વીસીમાં હતી ત્યારે આજના જેવી ફેશન કે સ્ટાઇલ જોવા મળતી નહોતી. એટલે તેમને લેટેસ્ટ ફેશનના કપડાં પહેરવાની ઇચ્છા થવી સહજ છે. પણ તરુણીઓના દેહ પર શોભે તેવા ફેશનેબલ વસ્ત્રો પાકટ વયે પહેરવા કેટલા યોગ્ય ગણાય એ વિશે અગાઉથી વિચારવું જરૂરી છે. તેમાં પણ જ્યારે તમે તરુણ સંતાન ખાસ કરીને ટીનએજ દીકરીની મમ્મી હો ત્યારે તો ફેશન અંગે ખૂબ સભાન રહેવું જોઇએ. કારણ કે દીકરીની દેખાદેખી કરનારી મમ્મી પોતાની વયને વિસરી જઇને ક્યારેક હાંસીને પાત્ર ઠરતી હોય છે.
૪૦ વર્ષની વયે પહોંચતાં સુધીમાં કમરની આસપાસ ચરબીનો થોડો ભરાવો થયો હોય છે. બાવડા પર ચરબીના થર જોવા મળે છે. આ કારણે એકસમયે તમને સેક્સી લુક આપતી શિફોનની સાડી કે સ્લિવલેસ બ્લાઉઝ પર ચોકડી મૂકવી જોઇએ. તે જ પ્રમાણે ટાઇટ ફિટીંગના ડ્રેસથી પણ શરીર કઢંગુ દેખાશે તે વાત યાદ રાખવી.
પ્રત્યેક ફેશનેબલ માનુનીએ ચાળીસીમાં વર્ષમાં પ્રવેશતાં જ મોટા દર્પણમાં પોતાના ફિગરને નિહાળ્યા બાદ પોતાના લુકમાં ફેરફાર કરવાની દિશામાં વિચાર કરવો જોઇએ. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે મહિલાઓ આ પરિવર્તન માટે ખાસ કરીને પોતાની વધતી જતી વયને સ્વીકારવા માટે તૈયાર હોતી નથી. ઊલ્ટું તે તો જેમજેમ વય વધતી જાય છે તેમતેમ પોતાની ટીનએજ દીકરીના વસ્ત્રો પહેરી પોતે હજુ પણ યંગ જ છે તે વાત પુરવાર કરવા ફાંફા મારતી હોય છે. જોકે તરુણીઓ જેવા વસ્ત્રો પહેરવાથી વધતી જતી વયને છુપાવી શકાતી નથી. ચહેરો વયની ચાડી ખાતો જ હોય છે તે ભૂલવું નહિ.
ચાળીસીમાં પ્રવેશતી માનુનીઓએ ઘ્યાનમાં રાખવા જેવી વાતઃ
* તમારું ફિગર ગમે તેટલું સરસ હોય, કમર અને જાંઘ પર ચરબીના થર ન હોય તથા પેટ એકદમ સપાટ કેમ ન હોય છતાં સ્પેગિટી સ્ટ્રેપ્સ, ટ્યુબ ટૉપ, શોર્ટ સ્કર્ટ કે જે પણ પરિધાન ટીનએજર્સ પર વઘુ શોભતાં હોય તે પહેરવાનું બંધ કરવું. કારણ કે ચહેરા પરથી વયની જાણ થાય છે.
* સેક્સી પીઠને ઝળકાવવા માટે સેક્સી બ્લાઉઝ પહેરવામાં આવે છે. પણ ૪૦ વર્ષની વય બાદ દેખાવ સેક્સી નહિ પણ જાજરમાન હોવો જરૂરી છે. આથી બેકલેસ બ્લાઉઝ કે ડ્રેસને મૂકી દેવા. તેના બદલે એવી પેટર્ન પસંદ કરવી જેનાથી ઠસ્સો વધે. ચાળીસ વર્ષની વય બાદ મલ્લિકા શેરાવત કે બિપાશા બાસુને બદલે શબાના આઝમી કે હેમા માલિની જેવી ફેશન કરવી. હેમા પણ સ્લીવલેસ બ્લાઉઝને બદલે પારદર્શક કેપ સ્લીવના બ્લાઉઝ પહેરે છે. આના કારણે અભિનેત્રી એકદમ જાજરમાન દેખાય છે.
* લાંબી-લાંબી ચેન, બેલ્ટ્સ, સ્ટડ્સ અને બ્લેક લેધર ધરાવતાં જેકેટ પહેરવાના દિવસો હવે વીતી ગયા છે. જો લેધર જેકેટ પહેરવાની જ ઇચ્છા હોય તો ક્રિમ કે બર્ગન્ડી રંગનું સાદી ડિઝાઇનનું જેકેટ પસંદ કરવું. વેસ્ટર્ન ડ્રેસ પહેરતી વખતે શેરોન સ્ટોનને નહિ પણ જુલિયા રોબર્ટસને ઘ્યાનમાં રાખવી.
* વય વધતાં કેસરી, જાંબુડી કે ઘેરા ભૂરા જેવા રંગોનું વળગણ ઓછું કરવું. આ પ્રકારના રંગો પ્રિયંકા ચોપરા કે કેટરીના કૈફને શોભે. ચાળીસ વર્ષ બાદ વ્યક્તિત્વને ગરિમા બક્ષે તેવા હળવા રંગોને પસંદ કરવા જોઇએ.
* ફિગર સરસ હોય અને દેખાવ સૌમ્ય હોય ત્યારે અજાણી વ્યક્તિ તમને ‘યંગ ગર્લ’ તરીકે સંબોધન કરે તો મનોમન ખુશ થવું સહજ છે. પણ પછી વર્તન સુઘ્ધાં યંગ ગર્લ જેવું ન કરવું. તમારા તરુણ સંતાનો છે તે વાત સતત યાદ રાખવી અને તે અનુરૂપ જ વર્તણૂંક રાખવી.
હંમેશા તમને સુવિધાજનક લાગે અને શોભે તેવા વસ્ત્રો જ પસંદ કરવા. વસ્ત્રોની પસંદગી કરતી વખતે દીકરી કે ભત્રીજીનો અભિપ્રાય લેવો. સંતાનો મિત્રોની ઉપસ્થિતિમાં છોભીલા ન પડે તે પ્રમાણેની ફેશન કરવી. જ્યારે પણ ચાળીસી બાદ કંઇ ફેશન કરવી તેની મુંઝવણ થાય ત્યારે નીતુ કપૂર કે સારાહ જેસિકા પાર્કરને ઘ્યાનમાં રાખવી. સોનિયા ગાંધી પણ પદ, પ્રતિષ્ઠા અને મોભા પ્રમાણે જ ફેશન કરે છે એટલે આ દ્રષ્ટિએ પણ તેમને આદર્શ માની શકાય.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved