Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ છાપો ઈ-મેલ
આના લેખક છે Bureau News   
શનિવાર, 07 જુલાઇ 2007
શાકભાજી અને તાજાં ફળો લેવાને બદલે વિટામિન અને મિનરલ્સની ગોળીઓ લેવી સારી કે ખોટી?
નાનાં બાળકો અને મોટી ઉંમરના વડીલો માટે ગોળીઓ લેવી જરૃરી છે કારણ કે બાળકોની પાચનશક્તિ ડેવેલોપ થઈ ના હોય અને વડીલોની પાચનશક્તિ મંદ થઈ ગઈ હોય. પણ ૧૦ થી ૫૦ વર્ષની વ્યક્તિ માટે લીલાં શાકભાજી અને તાજાં ફળો લેવાં તે તમારા શરીરમાં અત્યંત જરૃરી તેવા વિટામિન્સ અને મિનરલ્સ લેવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

શરીર અંગેના વહેમો અને તેનુ નિરાકરણ

લીલાં શાકભાજી કાચા ના ચાવી શકો તો બાફીને ખાઓ અને સમય ના હોય તો તેને મશીનમાં ક્રશ કરીને ફાઈબર સાથે લઈ લો. રોજ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ જરૃરી છે. ફળની છાલ રાખી શકાય ત્યાં રાખી રોજ ત્રણ ફળ ખાવા પણ જરૃરી છે. આ વિટામિન અને મિનરલ્સ તમારા શરીરમાં કેટલા ઉપયોગી છે તે પણ જાણી લો. ૧. તમારા શરીરની પ્રવૃત્તિ માટે જરૃરી હજારો પાચક રસો (એન્ઝાઈમ) અને હોર્મોન્સને બનાવવાની ક્રિયા માટે મિનરલ્સ વિટામિન્સ જોઈએ. ૨. તમારા શરીરની લોહી બનવાની ક્રિયામાં પણ તેમની જરૃર છે. ૩. તમારા મગજની સંદેશા લઈ જવા લાવવાની ક્રિયા માટે જરૃરી ન્યુરો ટ્રાન્સમીટર્સ બનાવવા માટે જરૃરી છે. ૪. ચેપીરોગો સામે રક્ષણ કરનાર ઈમ્યુનીટી વધારવા જરૃરી છે. ૫. તમારા હાડકાં મજબૂત રાખવા જરૃરી છે. ૬. કેન્સર અને હાર્ટ એટેકથી રક્ષણ કરવા જરૃરી છે. ૭ ચામડીની ચુસ્તી અને આંખની ચમક એવી ને એવી વિટામિન અને મિનરલ્સથી રહે છે. ૮. યાદશક્તિ તરોતાજા રાખે છે અને કંપવા થતો અટકાવે છે. ૯. શરીરની વૃધ્ધિ માટે, રીપેરીંગ (ઘસારા માટે), શક્તિ માટે, શરીરમાંથી કચરો કાઢી નાખવા અને ૧૦. આયુષ્ય વધારવા વિટામિન મિનરલ્સ લેવાત જરૃરી છે. શાકભાજી અને ફળો જ લેવા જોઈએ. ગોળીઓ નહીં.

 સ્નાયુની કસરતથી તમારું મગજ પ્રફુલ્લિત રહેશે
તમારી ઉંમર ભલે ૧૦૦ વર્ષ થઈ હોય પણ જો ૫૦ વર્ષ કે ૬૦ વર્ષથી શરૃ કરીને તમે સ્નાયુની કસરત નિયમિત ફક્ત ૩૦ મિનિટ કરશો તો તમારી યાદશક્તિની ગ્રહણશક્તિ, એકાગ્રતા, ચપળતા, સ્ફૂર્તિ અને વાણી, વર્તન, વ્યવહાર ૨૫ વર્ષના જુવાન જેવી રાખી શકશો. ડૉ. કેનેથકુપરે (એરોબિક સેન્ટર-ડલાસ) ૮૦ વર્ષથી ૧૦૫ વર્ષ સુધીના ૧૭ સ્ત્રી-પુરુષો પાસે ફક્ત છ મહિના ફીઝીયોથેરેપીસ્ટની મદદથી ચાલવાની, વજન ઉચકવાની, તરવાની કસરત કરાવી. આ સ્ત્રી-પુરુષો પોતાની જાતે લાકડી વગર ચાલતા થઈ ગયા, શ્વાસ ચઢ્યા વગર દાદરો ચઢી શક્યા. તેમની યાદશક્તિ અને બેલેન્સ સુધરી ગયા. ઘરમાં ડમ્બેલ્સ રાખીને કસરત શરૃ કરો અથવા ૪૦ મિનિટ ધીરેધીરે ચાલો કે તરો. એક મહિનામાં સુધારો થઈ જશે. તમારા મગજની કાર્યશક્તિ માપવા આ પ્રયોગ કરી જુઓ. આંખો બંધ કરી એક પગ ઉપર ઉભા રહો. તમારી ઉંમર ૫૦ કે તેથી વધારે હોય તો ૨૦ સેકન્ડ કે તેથી વધારે ઉભા રહી શકો તો મગજની કાર્યશક્તિની સારી છે. પ્રયોગ કોઈની હાજરીમાં કરશો. પડી ન જવાય.

 તમને હાર્ટ એટેક આવ્યો તેની તમને ખબર પડે?
મોટે ભાગે ના પડે. કારણ હાર્ટ એટેકના કુલ કિસ્સામાંથી ૫૦ ટકાને તો કોઈ લક્ષણ હોતાં જ નથી. તમે રોજે રોજ સમાચાર સાંભળતા હશો કે તમારા કોઈ ઓળખીતાને લક્ષણો વગર હાર્ટ એટેક આવ્યો ને તે ગુજરી ગયા.
કયાં લક્ષણો થાય તે પણ જાણી લો ઃ ૧. છાતીમાં ભીંસ લાગે, ખેંચાય, ખૂબ વજન લાગે. ૨. હાથ, ખભા, બોચી, જડબા - આમાંથી એક, બે કે બધામાં દુઃખાવો થાય. ૩. શ્વાસ લેવામાં તકલીફ પડે. ૪. ખૂબ પરસેવો થાય, ઊબકા આવે, ઊલટી થાય, મોંમાં ફીણ આવે. ૫. શરીરમાં સખત નબળાઈ કે થાક લાગે. ૬. તમારી છાતીના આગળના હાડકા (સ્ટરનમ કે બ્રેસ્ટબોન)ની છેક નીચે પેટના ખાડામાં અતિશય દુખે. ૭. ગભરામણ થાય. ૮ આંખો ચઢી જાય. ૯. ચીસો કે બૂમો પાડો. ૧૦. બેભાન થઈ જાઓ. આ બધાં લક્ષણો અણધાર્યા આવે. ઓફિસમાં, ઘરમાં, ગાડીમાં કશા ટેન્શન વગર આવે.
હાર્ટ એટેક આવવાની શક્યતા ૧. વારસાગત ૨. ડાયાબીટીસ ૩. બી.પી. ૪. વજન ૫. કસરત કે શ્રમનો અભાવ. ૬. સિગરેટ, તમાકુ, દારૃનો ઉપયોગ ૭. કુલ કોલેસ્ટ્રોલ ૨૨૦ મી.ગ્રામથી વધારે અને ૮. માનસિક તનાવ આટલાં કારણો હોય. અગમચેતી એ સાવચેતી તે ન્યાયે નિયમિત ચેક અપ, કસરત, ખોરાકનું ધ્યાન અને મેન્ટલ ટેન્શન માટે નિયમિત મેડીટેશન આટલા ઉપાયો અમલમાં મૂકશો.

 તમારા મનના વિચારોથી તમે બીમાર પડી શકો અને સાજા પણ થઈ શકો
આ બાબતમાં અમેરિકાના ડૉ. કેલ્વીન ટ્રેસીએ ઘણાં સંશોધન કર્યાં છે. 'વેગસ નર્વ' જે મગજમાંથી છેક પેટ સુધી જાય છે તે હૃદયના ધબકારા, આંતરડા અને શ્વાસોશ્વાસને કાબૂમાં રાખે છે. આ વેગસનર્વને સ્ટીમ્યુલેટ (ઉત્તેજિત) કરવામાં આવે તો તેનાથી તમારા શરીરમાં ચેપી રોગોના જંતુ નાશ પામે છે અને દર્દીના શરીરમાં ચેપીરોગ રહેતો નથી. આનો અર્થ કે તમારા શરીરની ઈમ્યુનીટી વધારવા તમારે તમારી વેગસ નર્વને ઉત્તેજિત કરવી જોઈએ. ડૉ. કેલ્વીનના મતે આવું ફક્ત તમારા મનમાં સારા વિચારો આવે ત્યારે જ બને. દવાઓથી વેગસ નર્વને ઉત્તજિત કરવાને બદલે સારા વિચારો આવે ત્યારે તમારા મગજમાં નીકળતા 'બ્રેઈન કેમિકલ્સ' - નોર્ફીનવોર - એપીનેફ્રીન ને લીધે વેગસનર્વ સ્ટીમ્યુલેટ થાય અને તમે રોગમુક્ત થાઓ. ખુલ્લા દિલે હસવાની ક્રિયાથી પણ આમ થાય. મનમાં ખરાબ વિચારો એટલે કે નેગેટીવ વિચારો આવે ત્યારે આનાથી ઉલટી ક્રિયા થાય.

ઝાડામાં લોહી જાય એટલે કેન્સર હોય?
ના. તમને હરસ (પાઈલ્સ) થયા હોય ત્યારે આવું બને. તમને કબજિયાત થઈ હોય ત્યારે ટોઈલેટ વખતે તમે જોર કરો ત્યારે કોઈ વખત ઝીણી લોહીની નળી તૂટી જાય ત્યારે પણ લોહી પડે. મરીમરચાં અને તેવા ઉગ્ર પદાર્થો ટેવ ના હોય ને ખાધા હોય ત્યારે લોહી પડે. હાર્ટ એટેકના પેશન્ટને લોહી પાતળું કરવાની દવા આપી હોય ત્યારે હોજરી કે આંતરડામાં લોહી નીકળે તે વખતે અને જેમાં લોહ (આયર્ન) આવે તેવી દવાઓ લીધી હોય ત્યારે કાળો ઝાડો  આવે. સ્ત્રીઓના માસિક ધર્મ વખતે નીકળતું લોહી ટોઈલેટમાં પડે ત્યારે એવો વહેમ પડે કે ઝાડામાં લોહી પડયું. મેચીંગ  બરોબર ના થયું હોય ત્યારે જો લોહી આપવામાં આવે (બ્લ્ડ ટ્રાન્સફ્યુઝન) ત્યારે પણ આવું થાય. આંતરડાના અને રેક્ટમ (મળાશય)ના કેન્સરમાં લોહી પડે પણ આવું થાય તે પહેલાં તો નિદાન થઈ ગયું હોય. ઉગ્ર દવાઓની આડઅસરને કારણે પણ લોહી પડે. આનાથી વિરૃધ્ધ મોટી ઉમરની સ્ત્રીઓને યોનિમાર્ગમાંથી લોહી નીકળે તો તેને ગર્ભાશય કે ગર્ભાશયના મૂળનું (સર્વાઈક્સ) કેન્સર હોય તેમ ગણાય. જો પેશાબના માર્ગમાંથી (સ્ત્રીઓને) લોહી આવતું હોય તો મૂત્રાશયનું કેન્સર, પથરી કે યુરીનરી સીસ્ટમમાં ટી.બી. (ક્ષય) હોય તેવું નિદાન થાય. આટલું યાદ રાખો, કોઈપણ પરિસ્થિતિમાં બેબાકળા (ભયગ્રસ્ત) થયા વગર નિષ્ણાત ડોક્ટરને બતાવી યોગ્ય ઉપાય કરવા તે ખૂબ આવશ્યક છે.

ઝાડા-ઊલટી થઈ જાય ત્યારે દવા કરશો કે રાહ જોશો?
તમારી ઉંમર થઈ છે (૫૦ વર્ષ ઉપર), રોજ તમે સમયસર જમો છો અને શરીરને ના ફાવે તેવી બહુ તીખી, ખારી, ખાટી કે આથાવાળી વાનગીઓ ખાતા નથી. બહારના કોઈ પ્રવાહી ફ્રુટજ્યુસ, શેરડીનો રસ, મિલ્કશેક, લસ્સી, હજમાહજમ વગેરે લેતા નથી. પાણી પણ ઓછું પીઓ છો તો તમને ઝાડા-ઊલટી થવાના કોઈ ચાન્સ નથી પણ ઉપરના નિયમોની ઉપરવટ જઈને કોઈવાર બહારનું ખાવા પીવામાં આવે ત્યારે પેટમાં દુખે, ગેસ થાય અને ઝાડા-ઊલટી કે ફક્ત ઉબકા થાય તો ગભરાવાની જરૃર નથી. તમારા શરીરમાં દૂષિત ખોરાક કે પ્રવાહીને શરીરની બહાર કાઢી નાખવાની તમારા શરીરની એક કુદરતી ક્રિયા છે. તમે શરીરને તદ્દન આરામ આપો. આંતરડા ને હોજરીને તદ્દન આરામ આપવા લીંબુનું પાણી, ફ્રૂટનો રસ વગેરે આખો દિવસ લો. પાતળી છાસ પણ ચાલે. અગત્યના ક્ષારોની ખોટને પહોંચી વળવા માટે જરૃર લાગે તો લીંબુના શરબતમાં ઈલેકટ્રોલ પાવડર નાંખો. સોલીડ ખોરાક એક દિવસ નહીં લો તો બીજે દિવસે બધું મટી જશે અને તમે સાજા થઈ જશો. ઊલટી કે ઝાડા બંધ કરવાની દવા લેશો તો પાચન થયા વગરનો હોજરી અને આંતરડામાં પડી રહેલો ખોરાક શરીરની બહાર નીકળી નહીં શકે અને પેટમાં દુખવાનું, ગેસ થવાનું, ઉબકા આવવાનું ચાલુ રહેશે અને ખાઈ નહીં શકો. પછી તમને પોષણ આપવા ગ્લુકોઝ સલાઈનના બાટલા ચડાવવા પડશે અને તે માટે હોસ્પિટલમાં રહેવું પડશે. ખર્ચનો પાર નહીં રહે. રોગ મોટો કે ગંભીર ન હોવા છતાં તમે અને તમારું કુટુંબ મુશ્કેલીમાં આવી પડશો. ઝાડા-ઊલટી થાય ત્યારે તમારા રોજિંદા કાર્યક્રમની ટેપ રીવાઈન્ડ કરી કારણ શોધી ધીરજ રાખીને રાહ જોશો.

 
< પાછળનુ   આગળનુ >