Last Updated:19 ડિસેમ્બર 2011

નિયમિત ચાલવાથી મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 27 ઓગસ્ટ 2010
(પીટીઆઇ)    વોશિંગ્ટન,
નિયમિત ચાલવા જેવી હળવી કસરતને કારણે પણ મગજની કાર્યક્ષમતામાં વધારો થતો હોવાનું અમેરિકાના સંશોધકોનું માનવું છે. તેમના મતે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ નિયમિતપણે ચાલવાથી મગજના મહત્વના તંતુઓ વચ્ચેનું જોડાણ વધુ મજબુત બને છે તથા રોજીંદા કાર્યો વધુ સારી રીતે કરી શકાય છે.

અમેરિકી સંશોધકોના મતે ચાલવા જેવી હળવી કસરતોના કારણે મગજના મહત્વના તંતુઓનું નેટવર્ક મજબુત થાય છે

અભ્યાસમાં સતત એક વર્ષથી હળવી કસરત કરતા ૫૯થી ૮૦ વર્ષ વચ્ચેની વય ધરાવતા ૬૫ વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસ અગાઉ આ તમામ વ્યક્તિઓ વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓથી પીડાતા હતા. આ સાથે સંશોધકોએ ૧૮થી ૩૫ વર્ષની વયના ૩૨ યુવાનોના મગજની ગતિવિધિને પણ માપી હતી. અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું હતું કે મગજને કામ કરતા રાખતા તંતુઓઓનું નેટવર્ક હોય છે, જેમ જેમ શરીર વૃદ્ધ થતું જાય છે તેમતેમ આ નેટવર્ક નબળું પડતું જાય છે, પણ શારીરિક ગતિવિધિની મદદથી આ નેટવર્કને કાર્યક્ષમ રાખી શકાય છે.

યુનિવર્સિટી ઓફ ઇલિનોઇના પ્રોફેસર અને બેકહેમ ઇન્સ્ટીટયુટના ડિરેક્ટર એર્ટ ક્રેમરના વડપણ હેઠળ કરવામાં આવેલા અભ્યાસમાં કોમ્યુનિટી હેલ્થ પ્રોફેસર એડવર્ડ મેકઓલે તથા અન્ય નિષ્ણાંતો પણ સામેલ હતા.
અભ્યાસમાં શારીરિક કસરતને કારણે મગજના નેટવર્ક પર થતી અસર ચકાસવા માટે FMRI(ફંક્શનલ મેગ્નેટીક રીસોનન્સ ઇમેજીંગ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભ્યાસ શરૃ કરતા અગાઉ ભાગ લેનારાઓના મગજની કાર્યક્ષમતા માપવામાં આવી હતી તથા અભ્યાસ શરૃ કર્યા પછી નિયમિત કસરતના છ મહિના પછી તથા એક વર્ષ બાદ પણ કાર્યક્ષમતા માપવામાં આવી હતી. વર્ષના અંતે વૃદ્ધોના મગજના તંતુઓના નેટવર્કમાં નોંધપાત્ર સુધાર જણાયો હતો, જો કે યુવાનોના મગજમાં તેનાથી ખાસ ફેરફાર થયો ન હતો. આ સાથે વૃદ્ધોના મગજની અન્ય બ્રેઇન સર્કીટના નેટવર્કમાં પણ સુધાર જણાયો હતો. એટલું જ નહિ એક વર્ષના અંતે અભ્યાસમાં ભાગ લેનારા વૃદ્ધો રોજીદા કાર્યો વધુ સારી રીતે કરતા થયા હતા.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી