Last Updated:19 ડિસેમ્બર 2011

અમદાવાદ-લંડનની ફ્લાઇટ નથી પ્રફુલ્લ પટેલની જાહેરાત પોકળ છાપો ઈ-મેલ
અમદાવાદ સમાચાર
આના લેખક છે GS NEWS   
રવિવાર, 22 ઓગસ્ટ 2010
એર ઇન્ડિયના શિયાળુ સમય પત્રકમાં

અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં આંતરરાષ્ટ્રિય ટર્મિનલ હજુ તો શરૃ થાય એના બે મહિના પહેલાજ તેનું ઉદ્ઘાટન કરી દઇને કેન્દ્રિય નાગરિક ઉડડયન પ્રધાન પ્રફુલ પટેલે જાહેર કર્યું હતું કે ઓક્ટોબરમાં શિયાળુ સમયપત્રક અમલમાં આવે ત્યારે અમદાવાદથી લંડનની સીધી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૃ કરી દેવાશે. પટેલે ત્યાર પછી અમરેલીની મુલાકાત વખતે પણ અમદાવાદ લંડનની સીધી વિમાની સેવા શરૃ થશે જ તેવો પુનરૃચ્ચાર કર્યો હતો. પટેલની જાહેરાતવાળા ઓક્ટોબર મહિનાને જો કે હજુ વાર છે, પરંતુ એર ઇન્ડિયાએ તાજેતરમાં જ જાહેર કરી દીધેલા શિયાળુ સમયપત્રકમાં અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટનો સમાવેશ થયો નથી. આને લઇને પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે શું ખરેખર પટેલે ગુજરાતીઓને એરપોર્ટ અને વિમાની સેવાઓ અંગે આપેલા અન્ય વચનોની માફક આ વચન પણ પોકળ નીવડશે કે કેમ? આ અંગે ઇંગ્લેન્ડ સ્થિત ગુજરાતીઓના વિવિધ સંગઠનોના છત્રસમા સંગઠન નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતીસ લીવીંગ ઇન યુકેએ પ્રફુલ પટેલ, અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને વિરોધની લાગણી વ્યક્ત કરી છે.

વચનેષુ કિમ દરિદ્રતા ઃ ખોટાં વચનો આપનાર ઉડ્ડયન મંત્રીને યુ.કે.ના ગુજરાતીઓનો પત્ર

ગુજરાતીઓના બ્રિટન સ્થિત સંગઠને પ્રફુલ પટેલને લખેલા પત્રમાં કહ્યું છે કે ચોથી જુલાઇએ તેમણે પોતાના વક્તવ્યમાં વીન્ટર શીડયુલમાં લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ અમદાવાદથી શરૃ કરવાની જાહેરાત કરી હતી. જો કે એર ઇન્ડિયાનું નવું  ટાઇમટેબલ જોતા આ અંગેની આશાઓ ધૂળમાં મળી ગઇ છે.

સંગઠને પટેલને વધુમાં લખ્યું છે કે મુંબઇ અને દિલ્હી જેવા સ્થળોએ રોકાઇને લંડન જતી ફ્લાઇટને કારણે તમામ પેસેન્જરોને અને તેમાંય ખાસ કરીને વડીલ પેસેન્જરોને, તથા બાળકો સાથે સફર કરનારાઓને પારાવાર તકલીફ પડે છે. મુસાફરીનો સમય ઘટે અને બીજી તકલીફો દૂર થાય તે માટે સીધી ફ્લાઇટ જરૃરી છે.
આ અંગે બ્રિટનના ૧૦૫ ગુજરાતી સંગઠનોના છત્ર સંગઠન એનસીજીઓના પ્રવીણભાઇ અમીનનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે બ્રિટનમાં ૧૫ ઓગષ્ટની ઉજવણી વખતે એર ઇન્ડિયાના યુકે સ્થિત માર્કેટીંગ મેનેજર સાથે થયેલી વાતચીતથી અને બાદમાં વીન્ટર શીડયૂલના પ્રસિદ્ધ થવાથી એ સ્પષ્ટ થાય છે કે એર ઇન્ડિયા પ્રફુલ પટેલના પ્રોમીસ પ્રમાણેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૃ નથી કરવાનું. આ ઉપરાંત જેટ એરવેઝ અને અન્ય એરલાઇન્સની વેબસાઇટ પર વીન્ટર શીડયૂલની તારીખોમાં બુકીંગ કરવાનો પ્રયત્ન કરતા અને તેેમનો સંપર્ક સાધતા તેમાં પણ કોઇ ડાયરેક્ટ ફ્લાઇટ શરૃ થવાની હોય તેવા કોઇ ચિહ્નો દેખાતા નથી. અમદાવાદ-લંડન વચ્ચે કમસેકમ એકાદી સીધી ફ્લાઇટ તો શરૃ થવી જ જોઇએ.

ઉલ્લેખનીય છે કે હાલ દરરોજ અમદાવાદથી રાત્રે નવ વાગ્યે ઉપડતું એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન એક જ કલાકમાં મુંબઇ પહોંચી જાય છે અને બાદમાં લગભગ સાડા ચાર કલાક પ્રવાસીઓએ ત્યાં બેસી રહેવું પડે છે, પછી મુંબઇથી અઢી વાગ્યે વિમાન લંડન તરફ રવાના થાય છે. આ વિમાન લંડન ત્યાંના સમય પ્રમાણે સવારે સાડા સાત વાગ્યે પહોંચે છે. જ્યારે નવેમ્બરથી અમલમાં આવનારા શિયાળુ સમયપત્રકમાં આ વિમાન અમદાવાદથી રાત્રે સાડા દસે ઉપડીને મુંબઇ પહોંચશે. અને મુંબઇથી બે વાગ્યે ઉપડીને લંડનમાં ત્યાંના સમય પ્રમાણે સવારે સાડા છ વાગ્યે પહોંચશે. આમાં પણ મુંબઇ તો અઢી કલાક રોકાવાનું થશે જ. અલબત્ત મુસાફરીના કુલ કલાકો ચોક્કસ ઘટશે. એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન અમદાવાદથી મુંબઇ જાય પછી પાછુ મુંબઇથી અમદાવાદ તરફ ઉડીને જ લંડન તરફ જાય છે. મુંબઇ રોકાણની સ્થિતિ લંડનથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં પણ એની એ જ રહેશે. ૨૦૦૭માં જેટ એરવેઝે અમદાવાદ-લંડન નોનસ્ટોપ સેવા શરૃ કરી હતી પરંતુ પછીથી બંધ કરી દીધી હતી. પ્રફુલ પટેલે શિયાળુ સમયપત્રકમાં સીધી લંડન સેવાની જાહેરાત કરી હતી ત્યારે હજુ નવેમ્બર સુધી આશા અમર છે એમ માની શકાય. પરંતુ એર ઇન્ડિયા અને જેટના સમયપત્રકમાં આનો સમાવેશ થયો નથી ત્યારે હાલ તો કેન્દ્રિય મંત્રી બ્રિટીશ ગુજરાતીઓની ખફગી ભોગવી રહ્યા છે.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives