|
પાક.ની જાસૂસી સંસ્થા ISIના વડાએ બ્રિટનની મુલાકાત રદ કરી |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
|
(પીટીઆઈ) ઇસ્લામાબાદ,
'ત્રાસવાદ નિકાસ' કરવાનું પાકિસ્તાને બંધ કરવું જોઈએ, એવી બ્રિટનના વડા
પ્રધાન ડેવિડ કેમેરોને આપેલી સહાયથી છંછેડાયેલા પાકિસ્તાને આઇએસઆઈના વડા
લેફ.જન. સુઝા પાસાની બ્રિટનની સૂચીત મુલાકાત રદ કરી દીધી છે. જો કે પાક.
પ્રમુખ આસીફ અલી ઝરદારીની સૂચીત બ્રિટન યાત્રા યથાવત્ રહી છે. પ્રમુખ
ઝરદારી ત્રણ ઓગસ્ટથી ચાર દિવસ માટે બ્રિટન જશે.
આઇએસઆઈના વડા પાશા એક ઊચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઓગસ્ટ મહિનામાં બ્રિટન જવાના હતા. ત્રાસવાદ વિરોધી સહકારની ચર્ચા અંગે તેમની સૂચીત મુલાકાત યોજવામાં આવી હતી. બ્રિટનના વડા પ્રધાનની સલાહનો વિરોધ કરવા પાક. વિદેશ વિભાગમાં ચર્ચા કરવામાં આવી હતી કે પ્રમુખ ઝરદારીની સૂચીત લંડનયાત્રા રદ કરવામાં આવે પણ પ્રમુખના પ્રવક્તા ફર્હાતુલ્લા બાબરે કહ્યું કે પ્રમુખની મુલાકાત યથાવત રહેશે. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આઇએસઆઈ અને પ્રમુખના જુદા નિર્ણય એવા સંકેત આપે છે કે બ્રિટનના વડાપ્રધાનના નિવેદનનો પ્રતિભાવ આપવા અંગે સૈન્ય અને રાજકીય નેતાઓ વચ્ચે મતભેદ છે.
વિદેશ વિભાગના પ્રવક્તા અબ્દુલ બસીને કહ્યું કે, વીકીલીક્સ વેબસાઈટ પર અમેરિકાના ગુપ્ત સૈન્ય દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા પછી વડાપ્રધાને આવી ટિપ્પણી કરી હતી, તે કારણથી પાકિસ્તાનને દુઃખ થયું છે. તેમણે કહ્યું કે ત્રાસવાદ સામેની લડતમાં પાકિસ્તાને આપેલા ફાળાને આઇએસઆઈ સામેની દુષ્પ્રચાર ઘટાડી શકશે નહીં.
એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સત્તાપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતાઓ ન કેવળ સૈન્યના ટોચના નેતાઓ સાથે મતભેદ ધરાવે છે પણ તેમના ખુદના પક્ષના વિદેશપ્રધાનના વિદેશ વિભાગ સાથે પણ તેમને મતમતાંતર છે. પાક. વિદેશ વિભાગ કેમેરોનની ટિપ્પણી અંગે બ્રિટીશ હાઈકમિશનના અધિકારીને બોલાવી સ્પષ્ટકરણ માગશે એમ પણ અખબારી અહેવાલ જણાવે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેમ્સ જોર્ન્સ પણ ટિપ્પણી કરી હતી કે ત્રાસવાદી સંસ્થાઓ સાથેના આઇએસઆઈના સંબંધો 'અસ્વીકાર્ય છે.' નવાઈની વાત એ છે કે આઇએસઆઈના વડા પાશાએ તેમની અમેરિકાની સૂચિત મુલાકાત રદ કરી નથી.
|