|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
બિહારમાં નીતિશ અને કોંગ્રેસની સાંઠગાંઠ ઃ લાલુ
(પીટીઆઈ) પટના,
સામાજીક ન્યાય આપવા કટિબદ્ધ પરિબળોને નબળા પાડવાના કાવતરા તરીકે નિતીશકુમાર
અને કોંગ્રેસે તેમના પક્ષને હરાવ્યો હતો. એવો આક્ષેપ રાજદના વડા
લાલુપ્રસાદ યાદવે આજે કર્યો હતો. એક જાહેર સભાને સંબોધતા લાલુ પ્રસાદે
કહ્યું કે, અમે હાર્યા ન હતા પણ નિતીશકુમાર અને કોંગ્રેસે અમારી પાસેથી
સત્તા છીનવી લીધી હતી અને સામાજીક ન્યાયના પરિબળોને નબળા પાડી લોકોનાં
દુઃખદર્દ વધાર્યા છે. જનતાદળ (યુ)ના નેતા વીરેન્દ્રકુમાર ચૌધરી આજે
રાષ્ટ્રીય જનતા દળમાં જોડાયા હતા. તે પ્રસંગે આ જાહેરસભા યોજવામાં આવી હતી.
પોતાના મુદ્દાના સમર્થનમાં લાલુએ કહ્યું કે કરોડો રૃપિયાના આટા કૌભાંડમાં
તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. હવે મુખ્યપ્રધાન સામે પણ આવા જ
આક્ષેપો થઈ રહ્યા છે. લાલુએ પૂછ્યું કે, ''તેમની સામેના ભ્રષ્ટાચારના
આક્ષેપો અંગે કેમ નિતીશકુમાર ચિંતિત છે ?''
જેય ફયુઅલના ભાવમાં ૨.૭ ટકાનો વધારો
(પીટીઆઈ) નવીદિલ્હી,
સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓએ જેટ ફયુઅલ અથવા 'એવિએશન ટર્બાઈન ફયુઅલ (એટીએફ)'ની કિંમતોમાં ૨.૭ ટકાનો વધારો કર્યો છે. આ વધારો આજે મધ્યરાત્રીથી અમલી બનાવવામાં આવશે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની આઇઓસીના અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં એટીએફના દરો પ્રતિ કિલો લિટરે રૃા. ૧૦૭૮ અથવા ૨.૭ ટકા વધીને આજે મધ્યરાત્રીથી રૃા. ૪૧,૧૭૭ સુધી પહોંચી જશે. આ અગાઉ ૧૬મી જુલાઈના રોજ કંપનીઓએ ૩.૩ ટકા અથવા પ્રતિ કિલો લિટરે રૃા. ૧૩૯૦નો ઘટાડો જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજના વધારા સહિત એટીએફના દરોમાં માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ૯ વાર જાહેર કરાયો છે. જોકે ૧ જૂન અને ૧૬મી જુલાઈના રોજ અવપાદરૃપે દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં જેટ ફયૂઅલની કિંમત ફેબુ્રઆરીમાં પ્રતિ કિલો લીટરે રૃા. ૩૭,૯૮૨.૨૨ હતી. આ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઈલની કિંમતોમાં વધારો થવાનું શરૃ થયો હતો જેના કારણે ફયૂઅલના સ્થાનિક દરોમાં પણ વધારો જોવા મળ્યો હતો.
કાશ્મીર સરહદે ફરી પાક. દળોનો ગોળીબાર
(પી.ટી.આઇ.) પૂંચ,
યુદ્ધ વિરામનો ફરી ભંગ કરતા પાકિસ્તાની દળોએ અંકુશ રેખા પર ભારતની સરહદે પૂંચ જિલ્લામાં આવેલી ભારતીય પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારને પગલે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની દળોએ ચૂઆ પોસ્ટ પરથી પૂંચના ક્રિશ્નાઘાટી સેક્ટરની યાજામાત ચોકી પર ગોળીબાર કર્યા હતા. ભારતીય જવાનોએ ગોળીબારનો કોઈ જવાબ આપ્યો નહોતો. પાકિસ્તાની દળોએ ૧૦મી વખત ગોળીબાર કર્યાની ઘટના હતી.
સમગ્ર ઉ. ભારતમાં ભારે વરસાદ, ૩નાં મોત
(પી.ટી.આઇ.) નવી દિલ્હી,
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ઉત્તરપ્રદેશમાં વરસાદ સંબંધી દુર્ઘટનામાં ૩ વ્યક્તિનાં મોત થયા હતા. મોટા ભાગની નદીઓમાં પૂરની સ્થિતિ વિકટ બની હતી. પાટનગર દિલ્હીમાં પણ ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી આજે ૩ વ્યક્તિના મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક ૭૬ થયો હતો. હિમાચલપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની હતી. કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા અને શહેરોમાં વીજળી ગુલ થઈ હતી. પંજાબ અને હરિયાણામાં પણ મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.
ઇરાનમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ
તહેરાન,
ઇરાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સ્થાનિક સમાચાર સૂત્રોના જણાવ્યા મુજબ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. ઇરાનના કેરમાન પ્રાંતના નિજરમાં ભૂકંપ નોંધાયો હતો. આ સ્થળ પાટનગર તેહરાનના ૧૦૭૫ કિલોમીટરના અંતરે આવેલું છે. ઇરાનના તોરબતે હૈદરીયા વિસ્તારમાં પણ એક દિવસ અગાઉ ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ નોંઘાયો હતો જેમાં ૧૧૦ને ઇજા થઈ હતી. ૨૦૦૩માં ઇરાનના બામ શહેરોમાં ભૂકંપને પગલે ૨૬૦૦૦ લોકોના મોત થયા હતાં.
કોંકણી લેખક કેલકરને જ્ઞાાનપીઠ એવોર્ડ
(પી.ટી.આઇ.) પણજી,
કોંકણી ભાષાના સુપ્રસિદ્ધ લેખક રવીન્દ્ર કેલકરને આજે તેમના સાહિત્ય પ્રદાન બદલ ૨૦૦૬નો જ્ઞાાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો.રવીન્દ્ર કેલકર બીમાર હોવાથી એવોર્ડ સમારંભમાં એવોર્ડ સ્વીકારવા એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. તેમને લોકસભાના અધ્યક્ષ મીરાં કુમારે એવોર્ડ એનાયત કર્યો હતો. ૮૫ વર્ષીય કેલકરે કોંકણી, હિન્દી અને મરાઠી ભાષામાં ૩૨ જેટલા પુસ્તકો લખ્યા હતાં. ૨૦૦૫ અને ૨૦૦૬ના જ્ઞાાનપીઠ એવોર્ડની જાહેરાત વિલંબ બાદ ૨૦૦૮માં થઈ હતી અને આજે તેનો અર્પણવિધિ સમારંભ યોજાયો હતો.
|