Last Updated:19 ડિસેમ્બર 2011

શ્રીલંકામાં રમાનારા ત્રિકોણીય જંગમાં તેંડુલકર-હરભજનને આરામ અપાયો છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 31 જુલાઇ 2010
ઇજાગ્રસ્ત ગંભીર, ઝહીર નહીં રમે ઃ યુવરાજનો સમાવેશ

મુંબઇ,
માસ્ટર બ્લાસ્ટર તેંડુલકર અને હરભજનને શ્રીલંકામાં રમાનારા વન ડે ત્રિકોણીય જંગમાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઇજાના કારણે બીજી ટેસ્ટ ગુમાવનારા યુવરાજને ભારતીય વન ડે ટીમમાં સ્થાન આપવામાં આવતા ક્રિકેટ વર્તુળોમાં આશ્ચર્ય પણ ફેલાવા પામ્યું હતુ. ભારત, શ્રીલંકા અને  ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૦મી ઓગસ્ટથી ત્રિકોણીય વન ડે જંગ ખેલાશે.

ભારત, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૦મી ઓગસ્ટથી ત્રિકોણીય જંગઃ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પસંદગી

ભારતીય પસંદગીકારોએ ઇજાગ્રસ્ત બનેલા ગંભીરને પણ આરામ આપવાનો નિર્ણય લીધો છે. ગંભીરને ઘુંટણની ઇજાના કારણે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ ગુમાવવી પડી હતી. ઝહીરખાન અને શ્રીસંત પણ હજુ પુરતી ફિટનેસ પ્રાપ્ત કરી શક્યા ન હોવાથી તેમને પણ તક મળી શકી નથી. જ્યારે ઘરઆંગણાના ક્રિકેટમાં નોંધપાત્ર દેખાવ કરનારા તમિલનાડુના ઓફ સ્પિનર આર.અશ્વિન અને ઝારખંડના બેટ્સમેન સૌરભ તિવારીને શ્રીલંકામાં રમાનારા ત્રિકોણીય વન ડે જંગ માટે પંસદ કરવામાં આવ્યા છે. ટીમમાં એકમાત્ર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પણ પસંદગી કરવામાં આવી છે.

મુંબઇમાં યોજાયેલી પસંદગી સમિતીની બેઠક બાદ બોર્ડના સેક્રેટરી શ્રીનિવાસને કહ્યું કે, ઝહીરની ખભાની અને શ્રીસંતની ઘુંટણની ઇજા હજુ સંપૂર્ણપણે સાજી થઇ શકી નથી અને તેના કારણે જ બંનેને આરામ આપવામાં આવ્યો છે. જો કે યુવરાજને વન ડે ટીમમાં સામેલ કરવામાં આવતા કેટલાક ક્રિકેટ વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ અગાઉ ફૂટબોલ રમતાં યુવરાજને ઇજા થઇ હતી. અગાઉ પણ યુવરાજની ફિટનેસ ચિંતાજનક રહી છે અને તેને ઘણી વખત ક્રિકેટ સિવાયની રમતો દરમિયાન કે મજાક-મસ્તી કરવા જતાં ઇજા થઇ ચુકી છે અને તેને મેચો ગુમાવવી પડી હતી. કોલંબો ટેસ્ટ અગાઉની ઇજાના કારણે બોર્ડ યુવરાજથી નારાજ હોવાની અટકળો ચાલી રહી હતી અને એક તબક્કે લાગતુ હતુ કે, યુવરાજને પડતો મુકવામાં આવશે. જો કે પસંદગીકારોએ તેની વન ડેના નિષ્ણાત તરીકેની પ્રતિભાને ધ્યાનમાં રાખતાં ટીમમાં સ્થાન આપ્યું હતુ.
જુનમાં એશિયા કપ જીતનારી ભારતીય ટીમમાં પસંદગીકારોએ ખાસ ફેરફાર કર્યા નહતા. આર.અશ્વિન અને એસ.તિવારી હાલમાં ઓસ્ટ્રેલિયામાં ઈમર્જિંગ પ્લેયર્સ વચ્ચે ચાલી રહેલી ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. હવે તેમના સ્થાને મનીષ પાંડે અને ડિન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝહીરની ગેરહાજરીમાં નેહરા ભારતીય ટીમનો સૌથી અનુભવી બોલર છે. તેની સાથે ઇશાન્ત શર્મા, મિથુન, પ્રવિણ કુમાર બોલીંગ આક્રમણની કામગીરી સંભાળશે.

બીજી તરફ ભારતીય બેટિંગ લાઇનઅપનો આધાર અનુભવી ઓપનર સેહવાગ પર રહેશે. વન ડેના સ્પેશિયાલીસ્ટ બેટ્સમેનો રોહિત શર્મા, રૈના અને કોહલી પણ ટીમના મિડલ ઓર્ડરને વધુ મજબુત કરશે. પસંદગીકારોએ અગાઉ એશિયા કપ માટે યુવરાજને એમ કહીને પડતો મુક્યો હતો કે તેનું ફોર્મ અને ફિટનેસ યોગ્ય નથી. જો કે હવે પસંદગીકારોનું મન બદલાયું છે અને તેઓ તેને વધુ તક આપવા માંગે છે. ગંભીરની ગેરહાજરીમાં સેહવાગની સાથે દિનેશ કાર્તિકને ઓપનીંગમાં તક અપાય તેવી શક્યતા છે. એકમાત્ર ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરી છે. ભારત તાજેતરમાં જ શ્રીલંકાની ધરતી પર એશિયા કપ જીત્યું હોવાથી આગામી ત્રિકોણીય જંગમાં વિજય મેળવવામાં ભારતને ખાસ મુશ્કેલી પડે તેમ લાગતું નથી.

ત્રિકોણીય જંગ માટેની ભારતીય ટીમ

૧. ધોની (કેપ્ટન)
૨. સેહવાગ (વાઇસ કેપ્ટન)
૩. કોહલી
૪. રૈના
૫. આર.શર્મા
૬. યુવરાજસિંઘ
૭. રવિન્દ્ર જાડેજા
૮. ડી.કાર્તિક
૯. આર.અશ્વિન
૧૦. પી.કુમાર
૧૧. આઇ.શર્મા
૧૨. એ.મિથુન
૧૩. એ.નેહરા
૧૪. પી.ઓઝા
૧૫. એસ.તિવારી

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી