|
હાઇકોર્ટ જજો માટે નિવૃત્તિની વય મર્યાદા ૬૫ વર્ષ કરાઇ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
૨૧ હાઇકોર્ટના ૬૩૦ જજોને લાભ
(પીટીઆઇ) નવી દિલ્હી,
હાઇકોર્ટના જજોની નિવૃત્તિ વય મર્યાદા ૬૨થી વધારીને ૬૫ વર્ષની કરતા બિલને
આજે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. આ નિર્ણયનો લાભ દેશની ૨૧
હાઇકોર્ટના અંદાજે ૬૩૦ જેટલા જજોને થશે. સરકાર સંસદના વર્તમાન ચોમાસુ
સત્રમાં આ બિલ રજૂ કરશે એવી શક્યતા છે.
હાલની ૬૨ વર્ષની મર્યાદામાં ત્રણ વર્ષના વધારાને કેબિનેટની મંજૂરી ઃ અગાઉ ૧૯૬૩માં મર્યાદા ૬૦થી વધારી ૬૨ વર્ષ કરાઇ હતી
હાઇકોર્ટના જજોની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવા માટે બંધારણીય સુધાર જરૃરી હોવાથી સરકારે લોકસભા અને રાજ્યસભાના બે તૃતિયાંશ સભ્યોને વિશ્વાસમાં લેવા જરૃરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય કાયદા પ્રધાન વિરપ્પા મોઇલી સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં બિલ રજૂ કરવા માટે ઉત્સુક છે. સુત્રોએ એમપણ જણાવ્યું હતું કે મોઇલી બિલ રજૂ કરતા અગાઉ રાજકીય પક્ષો વચ્ચે સર્વસંમતિ સાધવા ઇચ્છે છે. છેલ્લે વર્ષ ૧૯૬૩માં જજોની નિવૃત્તિની વયમર્યાદા ૬૦થી વધારીને ૬૨ કરવામાં આવી હતી. એપ્રિલ ૨૦૦૮માં તત્કાલિન કાયદા પ્રધાન હંસરાજ ભારદ્વાજે પ્રથમ વખત જજોની હાલની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ મુદ્દે તેમણે વિપક્ષ સાથે ચર્ચા પણ શરૃ કરી હતી પણ સર્વસંમતિના અભાવે આ મુદ્દો પાછળ ધકેલાયો હતો.
ગત વર્ષે કાનૂન અને ન્યાયતંત્રમાં સુધાર માટે કાનૂન મંત્રાલયે તૈયાર કરેલા દસ્તાવેજોને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી, આ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે નિવૃત્તિની વયમર્યાદા ૬૨થી વધારીને ૬૫ કરવાથી જજોની ખાલી પડેલી જગ્યાની સમસ્યામાં પણ રાહત મળશે. કાનૂન મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે જો હાઇકોર્ટના જજોની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવામાં આવશે તો હાઇકોર્ટના મોટાભાગના જજો સુપ્રીમ કોર્ટમાં બઢતી મેળવવા ઇચ્છશે કારણ કે સુપ્રીમ કોર્ટમાં નિવૃત્તિની વય ૬૫ વર્ષ છે. ઉલ્લેખનીય છે કે ૨૬૫ જજોની અછતનો સામનો કરી રહેલી દેશની હાઇકોર્ટમાં ૪૦ લાખથી વધુ કેસો પડતર છે, જજોની મંજૂર જગ્યા ૮૯૫ છે જેની સામે તેમને ૬૩૦ જજોથી કામ ચલાવવું પડે છે.
|