|
પાકિસ્તાન સરકારે હવે બ્રિટિશ વડાપ્રધાન સામે બાંયો ચઢાવી |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
|
(પી.ટી.આઈ.) ઇસ્લામાબાદ,
પ્રમુખ આસીફ અલી ઝરદારીની સૂચીત લંડનયાત્રા રદ કરવી જોઈએ, એવી લાગણી
પાકિસ્તાનના વિદેશ વિભાગે વ્યક્ત કરી છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કમરોનની
ચેતવણી કે 'ત્રાસવાદના નિકાસ'ને ઉત્તેજન આપવાનું પાકિસ્તાને બંધ કરવું
જોઈએ, તે સંદર્ભમાં છંછેડાયેલા પાકિસ્તાને આવા સંકેત આપ્યા હતા.
ત્રાસવાદની નિકાસ બંધ કરવાની કેમરોનની સલાહના વિરોધમાં ઝરદારીની લંડનની મુલાકાત રદ કરવાની ઘડાતી યોજના
બુધવારે બેંગ્લોરમાં કેમરોને કહ્યું હતું કે જે જુથો અફઘાનિસ્તાન અથવા ભારતમાં ત્રાસવાદનો નિકાસ કરતા હોય, તેવા જુથો સાથે પાકિસ્તાને સંબંધ રાખવો જોઈએ નહિં. ઇસ્લામાબાદે આપેલા તીખા પ્રતિભાવના કારણે કેમેરોને પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે, 'સ્પષ્ટ શબ્દોમાં બોલવું જરૃરી હતું અને ત્રાસવાદ સામે પગલા લેવામાં પાકિસ્તાને પ્રગતિ કરી છે, પણ અમે તેમની પાસે વધુ અપેક્ષા રાખીયે છે.' વડાપ્રધાન કેમેરોને ભારતમાં આ નિવેદન કર્યું હોવાથી પાક. વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વધુ નારાજ થયા હતા. પાકિસ્તાનની નારાજગી દર્શાવવા ઝરદારીની બ્રિટન યાત્રા રદ કરવા અંગે કેટલાક અધિકારીઓએ ચર્ચા કરી હતી. જો કે સુત્રોએ જણાવ્યું હતું કે પ્રમુખ યાત્રા રદ કરવા વિચારતા નથી.
ફ્રાંસની ત્રણ દિવસની મુલાકાત પુરી કર્યા પછી ત્રીજી ઓગસ્ટે ઝરદારી લંડન પહોંચશે એવી અપેક્ષા છે.
વિદેશ વિભાગના પ્રવકતા અબ્દુલ બસીરે કહ્યું કે ઝરદારી બ્રિટનની મુલાકાતે જશે અને યોગ્ય સમયે તે અંગેની જાહેરાત કરવામાં આવશે. પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગીલાની અને વિદેશ પ્રધાન શાહ કુરેશીએ કેમેરોનના નિવેદન અંગે આશ્ચર્ય અને રોષ પ્રગટ કર્યો હતો. સંસદના ઉપલા ગૃહમાં બોલતા ગીલાનીએ કહ્યું કે, 'આવા નિવેદનો ત્રાસવાદ સામેના જંગને પ્રભાવિત કરી શકે છે.'
વિરોધ પક્ષો અને શાસક પક્ષના સંસદ સભ્યોએ કેમેરોનની ચેતવણી અંગે હોબાળો મચાવ્યા પછી ગીલાનીએ આ ટિપ્પણી કરી હતી. વિદેશ પ્રધાન કુરેશીએ એક નિવેદનમાં કહ્યું હતું કે હકીકતો સાથે ચેડાં કરતા કોઇ પણ નિવેદન સામે અમને વાંધો છે અને ત્રાસવાદનો સામનો કરવાની સંપુર્ણ જવાબદારી જાણે પાકિસ્તાન પર નાખવામાં આવી રહી છે. આ બિલકુલ અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે વીકીલીકસની વેબ સાઇટ પર મુકવામાં આવેલા અહેવાલો સત્યથી વેગળા છે અને તેવા અહેવાલો ત્રાસવાદ સામેના જંગમાં પાકિસ્તાનની સફળતાને ઝાંખી પાડી શકતા નથી. એક અખબારમાં અહેવાલ પ્રકાશિત થયો છે કે બ્રિટીશ હાઇકમિશનરને વિદેશ વિભાગમાં બોલાવવામાં આવશે ્ને તેમની પાસે કેમરેોનની ટિપ્પણી અંગે ખુલાસો માંગવામાં આવશે.
|