|
આસામમાં ઉગ્રવાદી હુમલામાં CRPFના પાંચ જવાનોનાં મોત |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
|
(પી.ટી.આઈ.) ગોલપાડા (આસામ)
આસામના ગોલપાડા જીલ્લાના ભલુકબુડિ ખાતે આતંકવાદીઓએ કરેલા વિસ્ફોટમાં
સીઆરપીએફના ઓછામાં ઓછા પાંચ જવાનો માર્યા ગયા છે અને અન્ય ૪૪ને ઇજા પહોંચી
છે. ઘાયલોમાંથી ૧૫ની હાલત ગંભીર હોવાનું સુત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે
કે આસામમાં ચાલુ સપ્તાહે સલામતી દળો પર થયેલો આ બીજો મોટો હુમલો છે.
સુરક્ષા જવાનોની સ્ટાફ બસ ઉડાવી દેવાતાં અન્ય ૪૪ જવાનોને ઇજા ઃ ૧૫ની હાલત ગંભીર ઃ મૃત્યુઆંક વધવાની દહેશત
જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ રીમોટ કંટ્રોલ્ડ બોમ્બ સીઆરપીએફની ૧૨મી બટાલીયનની 'ઇ' કંપનીના જવાનોને લઇ જતી સ્ટાફ બસની નીચે ફીટ કરાયો હતો. આ જવાનો બલિજના શિબિરથી ગોલપાડા શહેર તરફ જઇ રહ્યા હતા અને તેમનો રસ્તો ગાઢ જંગલમાંથી પસાર થતો હોવાથી આતંકવાદીઓએ તકનો લાભ લીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચાર જવાનો ઘટના સ્થળે જ મૃત્યુપામ્યા હતા અને તેમની ઓળખ હેડ કોન્સ્ટેબલ્સ પુનમ સેન, એન બી સલોન, લાન્સ નાયક પી એન રાવ અને કોન્સ્ટેબલ રણબિર સિંહ તરીકે થઇ છે. જયારે પાંચમો જવાન ઇજાના કારણે ગુવાહાટી ખાતેના દવાખાનામાં મૃત્યુ પામ્યો હતો. આ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘવાયેલા ૧૩ જવાનોને પણ દાખલ કરવામાં આવ્યા હતા. સીઆરપીએફના સૂત્રોએ જણાવ્યું હતું કે બસ ચાલકે બુદ્ધિ વાપરીને બસ સીધી દવાખાને જ લઈ લેતા જાનહાની ઘટી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટના કારણે બસને ભારે નુકસાન થયું છે અને વિસ્ફોટના સ્થળેથી વાયરો અને ઉપયોગમાં લેવાયેલી બેટરી પણ મળી આવી હતી. આ હુમલા પાછળ પોલીસને સ્થાનિક ઉગ્રવાદી સંગઠન એનડીએફબી નો હાથ હોવાની શંકા છે ત્યારે બીજી બાજુ વિસ્ફોટની જવાબદારી ઉલ્ફાએ પણ સ્વીકારી છે. ઉલ્ફાના નેતા અનુ બુરાગોહૈને સ્થાનિક ટીવી ચેનલોને જણાવ્યું હતું કે તેમના સંગઠનના મૌનને તેમની નબળાઈ ગણવી જોઈએ નહીં અને ભવિષ્યમાં પણ તેઓ આવા હુમલા કરતા રહેશે. આ સંગઠન બોડોલેન્ડની માગણી કરી રહ્યું છે.
ઉલ્ફા નેતાએ તેમના સંગઠન સાથે વાટાઘાટો કરવાની માગણી પણ સરકાર સમક્ષ રજૂ કરી હતી. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ સરકાર સામેની શાંતિ મંત્રણાનો વિરોધ કરી રહેલા 'નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ ઓફ બોડોલેન્ડ (એમડીએફબી)' દ્વારા કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ સંગઠનનો ટોચનો નેતા રંજન ડાયમેરી હાલ ગોલપાડા જીલ્લા જેલમાં બંધ છે. આ અગાઉ સપ્તાહની શરૃઆતમાં પણ કેન્દ્રિય અર્ધલશ્કરી દળ પર આ સંગઠને હુમલો કર્યો હતો. જેમાં સશસ્ત્ર સીમા બલના ચાર જવાનો શહિદ થયા હતા.
|