|
બાળકોમાં લીવરની બીમારીની સારવાર હવે સ્ટેમ સેલથી થશે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૧
લીવરની ગંભીર બિમારીથી પીડાતા બાળકોની સ્ટેમ સેલ દ્વારા અસરકારક સારવાર થઇ
શકશે. એઇમ્સના ડૉક્ટરોએ આ દિશામાં પ્રારંભિક સફળતા સાંપડતા સ્ટેમ સેલ
દ્વારા સારવાર માટે આશાનું કિરણ સર્જાયું છે. ડૉક્ટરોએ લિવરમાં બોનમરો
સ્ટેમસેલ દાખલ કર્યા હતા જે બાદમાં લિવરના સેલમાં તબદીલ થયા હતા.
એઇમ્સના ડૉક્ટરોને પ્રારંભિક સફળતા મળી ઃ જીવલેણ બાઇલરી એટ્રેસિયાના ઇલાજ માટે આશાનું કિરણ
એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઑફ મેડિકલ સાયન્સ)ના પાંચ ડૉક્ટરોની ટુકડીએ 'બાઇલેરી એટ્રેસીયા'નામની લીવરની બિમારીથી પિડાતા બાળકની સારવાર માટે સ્ટેમ સેલ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, સારવાર દરમિયાન બાળકની શારિરીક સ્થિતિમાં હકારાત્મક સુધાર જોવા મળ્યો હતો. એઇમ્સના પીડીયાટ્રીક સર્જરી વિભાગના વડા ડૉ.ડી.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે બાળકના શરીરમાં સ્ટેલ સેલનું પ્રત્યાર્પણ કર્યું હતું. કેટલાક બાળકોમાં આ સ્ટેમ સેલ લીવરના સેલ તરીકે પુર્નજીવિત કરી શકાય છે, જેની મદદથી શારીરિક સ્થિતિમાં સુધાર લાવી શકાય છે. આ ડૉક્ટરોની ટીમમાં ડી.કે.ગુપ્તા, લલિત કુમાર, શિલ્પા શર્મા, સિદ્ધાર્થ દત્તા ગુપ્તા અને સુજાતા મોહંતીનો સમાવેશ થાય છે. આ ટીમ વર્ષ ૨૦૦૫થી સ્ટેમ સેલ સારવાર પદ્ધતિ પર સંશોધન કરી રહી છે.
ડૉ.ગુપ્તાએ જણાવ્યું હતું કે લીવર અત્યંત સંકુલ અંગ હોવાને કારણે પ્રારંભિક શરૃઆત હકારાત્મક રહી છે, લીવરમાં વિવિધ પ્રકારના મોટી સંખ્યામાં કોષો હોય છે. બોન મેરોની મદદથી લિવરમાં સફળતાપૂર્વક સ્ટેમ સેલનું આરોપણ કરી શકાય છે.
બાઇલેરી એટ્રેસીયા જીવલેણ રોગ છે જેને કારણે નવજાત બાળકોના લીવરને કાયમી નુકસાન થઇ શકે છે. ટીમમાં સામેલ ડૉ.શિલ્પા શર્માએ જણાવ્યું હતું કે જે દર્દીઓ આર્થિક રીતે સક્ષમ નથી હોતા તેઓ લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ઉપાડી શકતા નથી, આ સારવાર અત્યંત ખર્ચાળ છે, જ્યારે સર્જરી પછીના ખર્ચા પણ વધારે હોય છે. બાઇલેરી એટ્રેસીયામાં નવજાત બાળકોના શરીરમાં આંતરડાથી લિવરને જોડતી નસ અદ્રષ્ય અથવા તો સંપુર્ણપણે બ્લોક થયેલી હોય છે. આ સ્થિતિની સારવાર માટે ડૉક્ટરો કાસાઇ નામની પદ્ધતિનો ઉપયોગ કરે છે. શર્માના જણાવ્યા પ્રમાણે સર્જરી પછી પણ લીવરની સ્થિતિ નાજુક હોય છે તેથી સર્જરી બાદ બોનમેરો સ્ટેમસેલ ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ પછી અમે જોયું હતું કે આ સ્ટેમ સેલ લીવરના સેલમાં તબદીલ થયા હતા.
|