|
ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના પ્રવેશથી ૭.૫ અબજ ડોલર બચશે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૧
ઔદ્યોગિક સંગઠન એસોચેમે જણાવ્યું હતું કે, ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓને
તેમના સંકુલો ઉભા કરવાની મંજૂરી આપવાથી અંદાજે રૃા. ૩૪,૫૦૦ કરોડ (૭.૫ અબજ
ડોલર) જેટલી રકમ દર વર્ષે દેશની બહાર જતી અટકશે. આ રકમ વિદ્યાર્થીઓ
પરદેશમાં ભણવા પાછળ દર વર્ષે ખર્ચે છે.
ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે દર વર્ષે રૃા. ૩૪,૫૦૦ કરોડનો ખર્ચ કરતા હોવાનો અંદાજ
એસોચેમે જણાવ્યું હતું કે, આડકતરી રીતે ભારતના આટલા નાણાં દેશની બહાર જતા અટકશે જેના કારણે દેશમાં ઉચ્ચ શિક્ષણના સ્તરમાં વધારો કરવામાં ઘણી મદદ મળી રહેશે. ભારતીય વિદ્યાર્થીઓ પરદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય ત્યારે દેશમાંથી વર્ષે સરેરાશ ૧૦ અબજ ડોલર જેટલી રકમ બહાર જાય છે પણ હવે વિદેશી યુનિવર્સિટીઓ તેમના શૈક્ષણિક સંકુલો ભારતમાં ખોલશે તેનાથી અનેક વિદ્યાર્થીઓ પરદેશમાં જતા અટકશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૫મી માર્ચના રોજ કેન્દ્રીય કેબિનેટે વિદેશી શૈક્ષણિક સંસ્થા બિલ, ૨૦૧૦ને મંજૂરી આપી છે. જેના કારણે હવે આ બિલને સંસદમાં રજૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે પાંચ લાખ કરતા વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પરદેશમાં જાય છે જેમાં ઇજનેરી શાખા, મેડિકલ અને મેનેજમેન્ટને લગતા વ્યવસાયિક અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં આવવાથી ભારતનું બુદ્ધિધન દેશની બહાર જતું અટકશે કારણ કે પરદેશમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના અભ્યાસ પૂરો કરીને સ્વદેશ પરત ફરતા નથી. ઉલ્લેખનીય છે કે વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં ખાસ કરીને નવી દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, ચંદીગઢ, પૂણે અને મુંબઈ સહિતના શહેરોમાં તેના સંકુલોની ઊભા કરવાની યોજના ધરાવે છે.
|