|
ગુજરાત સરકાર કાયદા મુજબ કામ કરશે ઃ ભાજપ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 21 માર્ચ 2010 |
|
મોદીને સીટના સમન્સને મુદ્દે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૧
ગુજરાત
રમખાણ કેસના સંદર્ભમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) સમક્ષ
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જુબાની આપશે કે કેમ તે અંગે ભાજપ દ્વારા કોઇ
સ્પષ્ટતા કરાઇ નથી. સીધો પ્રત્યુત્તર ટાળતા ભાજપના પ્રવકતાએ જણાવ્યું હતું
કે રાજ્ય સરકાર કાયદા અનુસાર કામ કરશે. બીજી તરફ, કોંગ્રેસે સીટ સમક્ષ
મોદીની અનુપસ્થિતિને ''અવમાનનારૃપ'' ગણાવતા કહ્યું હતું કે મોદીને
છુપાવવાનું ગમે છે.
ગુજરાત સરકારને બદનામ કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો પ્રવકતા રાજીવ પ્રતાપનો આક્ષેપ
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સીટ સમક્ષ મુખ્યપ્રધાન મોદી હાજર થશે કે કેમ તેવા પ્રશ્નનો સીધો જવાબ આપવાનું ભાજપના પ્રવકતા રાજીવ પ્રતાપ રુડીએ ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે ''ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું જ છે કે તે કાયદા અનુસાર વર્તશે. આ સરકારે હંમેશાં કાયદાને સમર્થન અને માન આપેલું છે અને તેનો તે અમલ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ અને દિશાસૂચનો માટે તેને સૌથી વધુ આદર છે.''
જોકે, રુડીએ એવો આક્ષેપ કર્યો હતો કે સમગ્ર પ્રક્રિયા મોદીને ખરડવાનો પ્રયાસ હોઇ શકે છે. ''ભાજપની લાગણી એવી છે કે દેશના સૌથી પ્રતિભાશાળી રાજ્ય અને નેતાની છબી ખરડવાનું આ મોટું ષડયંત્ર અને રમત છે.'' તેમ રુડીએ જણાવ્યું હતું.
ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ ગત સપ્તાહે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ''મોદી ભારે ક્ષમતા ધરાવતા નેતા છે, જે વડાપ્રધાન બનવાનાં ગુણો ધરાવે છે.'' ગુજરાતમાં હાથ ધરાયેલા વિકાસકાર્યોના વખાણ કરતા ગડકરીએ ટેલિવિઝન મુલાકાતમાં કહ્યું હતું કે ''મોદી દેશ માટે રોલ મોડેલ છે.''
દરમિયાન, કોંગ્રેસ પક્ષે સીટ સમક્ષ મોદીની અનુપસ્થિતિને અવમાનના ગણાવી આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, ''નરેન્દ્ર મોદીને તેની સમક્ષ હાજર થવાનો સીટનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દાની ગંભીરતા અને મહત્વનો સૂચક છે. કોઇ પણ ભૂમિકા અથવા કારણ હેઠળ મોદી હાજર થવાનું ટાળે તે અવમાનનારૃપ છે અને દર્શાવે છે કે તેમને છુપાવવાનું ગમે છે.''
૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી રમખામના કેસમાં માર્યા ગયેલા ભૂતપૂર્વ કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરીના વિધવા ઝાકીઆ જાફરીની ફરિયાદના અનુસંધાનમાં સીટ દ્વારા મોદીને હાજર થવા જણાવાયું હતું.
|