|
અમદાવાદમાં આઇપીએલની મેચ તરફ ક્રિકેટ ચાહકોમાં ઉદાસિનતા |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 20 માર્ચ 2010 |
|
ટીકીટોના ભાવમાં ઘટાડો-ફૂડ કૂપનો જેવી ઓફરો ન આકર્ષી શકી
અમદાવાદ,શનિવાર
રાજસ્થાન અને કોલકાતા વચ્ચે આજે
અમદાવાદમાં રમાયેલી આઇપીએલની બીજી મેચ તરફ પણ ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ ખુબ
જ ઠંડો રહ્યો હતો. ક્રિકેટ ચાહકોને આકર્ષવા માટે ટીકીટોના ભાવમાં ઘટાડો
કરવાથી માંડીને ફૂડ કૂપનો આપવા જેવી ઓફરો કરી આયોજકોએ ચાહકોને આકર્ષવાનો
પ્રયાસ કર્યો હતો પણ સખત ગરમી અને ક્રિકેટના નામે થતાં થતા કાર્નિવલને
કારણે ક્રિકેટ પ્રેમીઓએ આઇપીએલ તરફ સદંતર ઉદાસીનતા દાખવી હતી. અમદાવાદના
મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી રાજસ્થાન અને કોલકાતા વચ્ચેની મેચમાં પણ ૩૫
ટકા જેટલુ સ્ટેડિયમ ખાલી રહ્યુ હતુ.
સખ્ત ગરમી અને ક્રિકેટના નામે થતા કાર્નિવલથી પ્રેક્ષકો સ્ટેડિયમથી દુર રહ્યા
રાજસ્થાન અને દિલ્હીની મેચમાં પ્રેક્ષકોની પાંખી હાજરી બાદ આયોજકોએ આજે રમાયેલી બીજી મેચમાં પ્રેક્ષકોને સ્ટેડિયમ સુધી લાવવા માટે ટીકીટોના ભાવોમાં ઘટાડો કરવાની સાથે વિવિધ પ્રકારની ભેટકૂપનો અને સ્કીમોની ઓફર કરી હતી. બોર્ડની પરીક્ષાઓ પુરી થઇ હોવાથી પ્રેક્ષકો સ્ટેડિયમમાં મેચ જોવા આવશે તેવો અંદાજ હતો પણ અમદાવાદમાં વધી રહેલી ગરમીના કારણે ચાહકોએ સ્ટેડિયમ આવવાને બદલે ઘરે બેઠાં જ મેચ માણવાનું પસંદ કર્યુ હતુ.
આમ પણ રાજસ્થાનની ટીમના સ્ટાર ખેલાડી સ્મિથ, મેસ્કરેન્હાસ, વોટસન, જાડેજા હાલમાં ટીમમાં નથી. વધુમાં વોર્નની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં ત્રણેય મુકાબલા ગુમાવી ચુકી હોવાથી પણ ુયુવા ચાહકોમાં તેના તરફનું કોઇ આકર્ષણ જોવા મળતુ નહતુ. કોલકાતાની ટીમમાં પણ એકાદ-બે સુપરસ્ટાર્સને બાદ કરતાં બાકીના મોટાભાગના ડોમેસ્ટીક અને ઓછા જાણીતા ખેલાડીઓ હોવાથી આજની મેચ ક્રિકેટ ચાહકોને વિશેષ આકર્ષી શકી નહતી.
સિક્યોરીટીના અતિરેકથી ચાહકો પરેશાન
અમદાવાદમાં રમાયેલી આઇપીએલની મેચમાં સિક્યોરીટીના અતિરેકથી ચાહકો હેરાન પરેશાન થઇ ગયા હતા. આઇપીએલની સિક્યોરીટી માટે પોલીસ ઉપરાંત ખાનગી એજન્સી પણ કાર્યરત હતી. મોટાભાગના ગેટ પર ચેકીંગ માટે માત્ર ત્રણ-ચાર જેટલા જ સિક્યોરીટી અધિકારીઓ હોવાથી ચાહકોને લાંબા સમય સુધી સખત ગરમીમાં શેકાવું પડયુ હતુ.
સ્ટેડિયમમાં મોબાઇલ સાથે પ્રવેશ ન આપવાના નિર્ણય સામે ક્રિકેટ ચાહકોમાં ભારે નારાજગી અને અસંતોષ જણાતો હતો.
કેટલાક પ્રેક્ષકો સિક્યોરીટીના વર્તનથી પણ નાખુશ જણાતા હતા. સ્ટેડિયમમાં પાણીની બોટલો પણ લઇ જવા દેવામાં આવતી ન હોવાથી નાના બાળકો સાથે આવેલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા.
|