|
છાસવારે થતી ખાસ લીવ પીટિશન સામે સુપ્રીમ કોર્ટની ચેતવણી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 20 માર્ચ 2010 |
|
ભૂમિકા વાહિયાત હોવા છતાં
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૦
સુપ્રીમ કોર્ટે આજે ચેતવણી આપી હતી કે તદ્ન નકામી ભૂમિકાઓ સાથેની ખાસ લીવ
પીટિશનો ફાઇલ કરવાની રીતરસમ અટકાવવામાં નહિ આવે તો આવી અપીલોના મહાપૂરના
બોજા હેઠળ અદાલત ભાંગી પડશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આવી અરજીઓ હાથ ધરવાના
માપદંડ નિશ્ચિત કરવાનો મુદ્દો બંધારણીય બેન્ચને સુપરત કર્યો હતો.
આ પધ્ધતિ રોકવામાં ન આવે તો કોર્ટની કામગીરી ખોરવાઈ જવાની દહેશત ઃ બંધારણીય બેન્ચ માપદંડ નક્કી કરશે
વિવાદાસ્પદ વસિયતના બીજી વખત ફોરેન્સિક પરીક્ષણની અરજી ફગાવતા ટ્રાયલ કોર્ટ અને કેરળ હાઇકોર્ટના ચુકાદાઓ સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી સ્પેશિયલ લીવ પીટીશન (એસએસપી)નો ચુકાદો આપતા ન્યાયમૂર્તિઓ માર્કંડેય કાત્જુ અને આર.એમ. લોધાની બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે 'કોઈપણ કોર્ટ અથવા ટ્રિબ્યુનલના તમામ અને આડેધડ ચુકાદાઓ સામે જો સ્પેશિયલ લીવ પીટિશનો હાથ ધરવામાં આવશે તો થોડા સમય પછી આ કોર્ટ પોતાના જ બોજા હેઠળ ભાંગી પડશે. દુઃખદ બાબત એ છે કે કોર્ટ હાલ આવા જ દબાણ હેઠળ છે, કારણ કે કેસના જથ્થાનો ભરાવો એટલો બધો છે કે જજોને કેસ અંગે વિચારવાનો ખાસ સમય મળતો નથી, પરિણામે ચુકાદાની ગુણવત્તાને અસર થવાની જ છે.'
બેન્ચે જણાવ્યું હતું કે 'અનુચ્છેદ ૧૩૬ સુપ્રીમ કોર્ટને નીચલી કોર્ટ અથવા ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલો હાથ ધરવા વિવેકાધીન સત્તા આપે છે, જે બંધારણીય મુદ્દાઓ, ગંભીર અન્યાય અને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની બાબતોના અપવાદરૃપ કેસમાં ઉપયોગમાં લેવાની રહે છે. જો કે, હાલમાં અનુચ્છેદ ૧૩૬નું મહત્વ સમજ્યા વિના જ હાઇકોર્ટ અથવા અન્ય સત્તાના ચુકાદાઓ સામે એસએસપી દાખલ કરવાની પ્રણાલી બની ગઈ છે.' ઉચ્ચતમ કોર્ટે જણાવ્યું હતું કે તેની પાસે કેસના નિકાલ માટે મર્યાદિત સમય હોય છે અને તમામ પ્રકારના વિવાદો તે સાંભળે તેવી અપેક્ષા રખાય નહિ.
૨૦૦૯માં સુપ્રીમ કોર્ટમાં લગભગ ૭૦,૦૦૦ કેસ ફાઇલ થયા હતા, જેમાંથી મોટા ભાગની અનુચ્છેદ ૧૩૬ હેઠળ સ્પેશિયલ લીવ પીટિશનો હતી. અત્યારે આ તમામ કેસની મૌખિક સુનાવણી કરવામાં આવે છે. આની સરખામણીએ યુએસ સુપ્રીમ કોર્ટ વર્ષે લગભગ ૧૦૦ થી ૧૨૦ કેસની સુનાવણી કરે છે. અને કેેેનેડાની સુપ્રીમ કોર્ટ વર્ષે માત્ર ૬૦ કેસની સુનાવણી કરે છે.
જો કે, આ મુદ્દો બંધારણીય બેન્ચે વિચારવાનો છે કે અનુચ્છેદ ૧૩૬ હેઠળની કેવી અરજીઓમાં કોર્ટે તેની વિવેક બુધ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. બંધારણીય બેન્ચ આ બાબતે નિર્ણાયક માર્ગદર્શિકા તૈયાર કરશે, તેમ અમે માનીએ છીએ, તેમ પણ બેન્ચે જણાવ્યું હતું.
|