|
લાદેન પાકિસ્તાનમાં જ સંતાયો છે ઃ સીઆઈએ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 18 માર્ચ 2010 |
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૮
અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએના વડા લીઓન પેનેટ્ટાએ જણાવ્યું હતું કે આખી
દુનિયા જેની શોધમાં છે ઓસામા બિન લાદેન અને તેનો મદદનીશ અયમાન અલ-ઝવાહિરી
પાકિસ્તાનમાં છૂપાયેલા છે. લાદેનની મોટા હુમલા કરવાની ક્ષમતામાં અલ-કાયદા
સામેની અમેરિકી કાર્યવાહીના પગલે ઘણો ઘટાડો થયો હોવાનો દાવો પણ તેમણે
કર્યું હતો.
અમેરિકાની આક્રમક સૈન્ય ઝુંબેશને કારણે અલ-કાયદા નબળું પડયું હોવાનો દાવો
પેનેટ્ટાએ જણાવ્યું હતું કે લાદેન અને અલ-જવાહિરી ચોક્કસ કયા સ્થળે છૂપાયા છે તેની માહિતી અમેરિકી ગુપ્તચર સંસ્થા પાસે નથી પણ આ બન્ને આતંકવાદીઓ પાકિસ્તાનમાં હોવાનું તેઓ માની રહ્યા છે. તેઓ ઉત્તરના આદિવાસી વિસ્તારમાં કે ઉત્તર વઝીરીસ્તાનમાં હોઇ શકે છે. ૨૦૦૩ના વર્ષથી લાદેન અને ઝવાહિરી અંગે કોઇ ચોક્કસ માહિતી મળતી નથી જેના કારણે તેમને પકડી પાડવાનું દબાણ વધતું જાય છે.
તેમણે જણાવ્યું હતું કે આ બન્ને આતંકવાદીઓ વધુ ને વધુ નાસી રહ્યા છે અને દુનિયાના દેશો છેલ્લા ૯ વર્ષથી તેમને શોધી રહ્યા છે. તાજેતરમાં જ અલ-કાયદાના એક ટોચના નેતાની આંતરવામાં આવેલી વાતચીતમાં તે લાદેનને અલ-કાયદાની વહારે આવવાની વિનંતી કરતો જણાયો હતો.
સીઆઈએના વડાએ જણાવ્યું હતું કે અમેરિકી કાર્યવાહીના કારણે અલ-કાયદાની કામગીરી પર વિપરીત અસર પડી છે અને આતંકવાદીઓ હાલ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું તમામ ગુપ્તચર માહિતીમાંથી સ્પષ્ટ થાય છે.
આ અગાઉ એક દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં અમેરિકી અને નાટો દળના કમાન્ડર જનરલ સ્ટન્લી મેકક્રિસ્ટલે જણાવ્યું હતું કે સૈન્ય લાદેનને જીવતો પકડવાના કે તેનો અંત લાવવાના પ્રયત્નોમાં છે.
|