|
સીબીએસઈ હવે આગામી સત્રથી આંતરરાષ્ટ્રીય બોર્ડ બનવા સજ્જ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
બુધવાર, 17 માર્ચ 2010 |
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૭
દેશભરમાં ધોરણ ૧૦ની પરીક્ષા વૈકલ્પિક બનાવવાનું નક્કી કર્યા બાદ કેન્દ્રીય
માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવો
અભ્યાસક્રમ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ અભ્યાસક્રમ સાથે વિશ્વના કોઈપણ
દેશની શાળા આગામી શૈક્ષણિક સત્રથી જોડાઈ શકશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવો અભ્યાસક્રમ દાખલ કરાશે ઃ કોઈપણ દેશની શાળા સાથે જોડાણ
માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી શૈક્ષણિક સત્રથી સીબીએસઈ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક ખાસ અભ્યાસક્રમ રજૂ કરશે. જેના લીધે સીબીએસઈને 'ઈન્ટરનેશનલ બેકેલોરેટ (આઈબી)' જેવું આંતરરાષ્ટ્રીય બોર્ડ બનવામાં ઘણી મદદ મળી રહેશે. જોકે સ્થાનિક વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ તો સીબીએસઈ દ્વારા ચાલુ જ રાખવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નવો અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણેનો હશે અને તેમાં અભ્યાસને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવશે. જેમકે હાલના અભ્યાસક્રમમાં ઇતિહાસનો વિષય માત્ર ભારતીય સંદર્ભે જ ભણાવામાં આવે છે. જ્યારે નવા અભ્યાસક્રમમાં દુનિયાભરના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવશે.
સીબીએસઈ આગામી સત્રથી ધોરણ ૧ અને ૯માં નવો અભ્યાસક્રમ રજૂ કરશે. ત્યારબાદ દર વર્ષે નવા વર્ગમાં નવો અભ્યાસક્રમ રજૂ કરવામાં આવશે. હાલના તબક્કે સીબીએસઈનું જોડાણ અખાતી દેશોની અને સિંગાપોરની શાળાઓ સાથે છે. અધિકારીએ જણાવ્યું હતું કે પ્રક્રિયા પ્રમાણે સીબીએસઈ આંતરરાષ્ટ્રીય શાળાના બોર્ડ માટે એક વિકલ્પ હશે.
ઉલ્લેખનીય છે કે નવા અભ્યાસક્રમ અંગે વિચારણા કરવા બોર્ડ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે અને નવો અભ્યાસક્રમ એકાદ મહિનામાં તૈયાર કરી દેવામાં આવશે.
|