|
ઇજાગ્રસ્ત ધોની ૧૦ દિવસ માટે આઇપીએલમાંથી બહાર |
|
|
|
આના લેખક છે GSNEWS
|
|
બુધવાર, 17 માર્ચ 2010 |
|
ધોનીની ગેરહાજરીમાં પાર્થિવ પટેલ તમામ મેચો રમશે
કોલકાતા,તા.૧૭
આઇપીએલમાં સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાનો સિલસિલો હજુ જારી જ છે. ચેન્નઇ
સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને કોણી પર ઇજા થતાં તે આગામી ૧૦ દિવસ આઇપીએલમાં
રમી નહીં શકે. ધોનીની ગેરહાજરીમાં ડાબોડી બેટ્સમેન રૈના કેપ્ટન્સી
સંભાળશે, જ્યારે હવેની મેચોમાં પાર્થિવ પટેલ વિકેટકિંપીંગ કરતો જોવા મળશે.
આઇપીએલમાં અગાઉ દિલ્હીનો સ્ટાર ખેલાડી નેહરા, રાજસ્થાનના આંતરરાષ્ટ્રીય
સ્ટાર્સ સ્મિથ અને મેસ્કરેન્હાસ ઇજાગ્રસ્ત થઇ ચુક્યા છે.
ધોનીની ગેરહાજરીને કારણે ચેન્નઇને એક સુપર સ્ટાર બેટ્સમેન અને હારની બાજીને જીતમાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવતા કેપ્ટનની ખોટ પડશે. કોલકાતા સામે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી આઇપીએલની મેચમાં ધોનીને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર બોન્ડની બોલીંગમાં ઇજા થઇ હતી. બોન્ડનો ઉછળતો બોલ ધોનીની કોણીએ વાગ્યો હતો. ઇજા ગંભીર જણાતા મેચ થોડો સમય અટકાવવી પડી હતી અને તેને સારવાર આપવામાં આવી હતી. ધોનીએ ઇજા છતાં મેદાન છોડયુ નહતુ અને ૩૩ બોલમાં અણનમ ૬૬ રન ફટકારતાં ટીમને કોલકાતા સામે ૫૫ રનથી વિજય અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
ઇજાના કારણે ધોની હવે ચેન્નઇની મહત્વની ચાર મેચો ગુમાવશે તે લગભગ નિશ્ચિત છે, જેમાં ૧૯ માર્ચની દિલ્હી સામેની, ૨૧ માર્ચની પંજાબ સામેની, ૨૩ માર્ચની બેંગ્લોર સામેની અને ૨૫ માર્ચની મુંબઇ સામેની મેચનો સમાવેશ થાય છે. ધોની હાલ રાંચી પરત ફર્યો છે અને તે ૨૧ માર્ચે પંજાબ સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.
આઇપીએલની ત્રીજી સિઝનમાં સ્ટાર ખેલાડીઓની ઇજાનો સિલસિલો જારી રહ્યો છે. અગાઉ દિલ્હી તરફથી રમતા ભારતના સ્ટાર ખેલાડી નેહરાને ઇજા થઇ હતી. નેહરાને મોહાલીમાં પ્રેક્ટિસ દરમિયાન પાંસળી પર ઇજા થઇ હતી અને તેને બે સપ્તાહના આરામની સલાહ આપવામાં આવી હતી. તે હજુ ફિટનેસ મેળવી શક્યો નથી. અમદાવાદમાં રમાયેલી દિલ્હી સામેની મેચમાં રાજસ્થાનના ત્રણ સ્ટાર ખેલાડીઓ સ્મિથ, મેસ્કરેન્હાસ અને યુસુફ પઠાણને ઇજા થઇ હતી. સેહવાગનો કેચ પકડવા જતાં સ્મિથને આંગળી પર ફ્રેકચર થયુ હતુ. જ્યારે મેસ્કરેન્હાસનો પગ રન દોડવા જતાં મચકોડાઇ ગયો હતો. બંનેની ઇજાગ્રસ્ત ખેલાડીઓ આઇપીએલની બાકીની મેચો ગુમાવશે. જ્યારે યુસુફ પઠાણની ઇજા સામાન્ય હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.
જો કે સ્મિથ અને મેસ્કરેન્હાસ જેવા ખેલાડીઓની ગેરહાજરીથી રાજસ્થાનની ટીમ સાવ નબળી પડી ગઇ હોવાનું લાગી રહ્યુ છે. સ્મિથ આઇપીએલ બાદ વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે કે કેમ તે અંગે અટકળો શરૃ થઇ ગઈ છે.
આઇપીએલ અને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે માત્ર ચાર જ દિવસનો સમયગાળો છે. આઇપીએલની ફાઇનલ મેચ ૨૫ એપ્રિલે રમાશે અને ૩૦મી એપ્રિલથી તો વેસ્ટ ઇન્ડિઝમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થઇ જશે. મોટાભાગના ખેલાડીઓ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઇપીએલમાં હળવાશથી રમશે તેવી ચર્ચા કેટલાક ક્રિકેટ વર્તુળોમાં શરુ થઇ ગઇ છે. તાજેતરમાં જ નેહરાએ કહ્યુ હતુ કે, ટી-૨૦ વર્લ્ડ કપ નજીક હોવાથી તે કોઇ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતો નથી અને એટલે જ તેને પુનરાગમન કરવાની ઉતાવળ નથી. મારા કોચ સિમોન્સે મને બે સપ્તાહના આરામની સલાહ આપી છે. ગત વર્ષે સાઉથ આફ્રિકામાં રમાયેલી િઆપીએલમાં દિલ્હી તરફથી નેહરાએ જબરદસ્ત દેખાવ કરતાં કુલ ૧૯ વિકેટો ઝડપી હતી અને તે આઇપીએલ-૨માં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોમાં ત્રીજા સ્થાને રહ્યો હતો.
|