Last Updated:19 December 2011

બેંગલોર પાસે ઇસરોના સેન્ટર પર રહસ્યમય ગોળીબાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
(પીટીઆઇ) બેંગલોર,
શહેર નજીક આવેલા ઇસરોના કેન્દ્ર આજે વહેલી સવારે બે અજાણ્યા શખ્સોએ સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યાના અહેવાલોને પગલે સનસનાટી ફેલાઇ હતી, જો કે બાદમાં સ્થાનિક પોલીસે ગોળીબારના પુરાવા નહિ હોવાનો ખુલાસો કરતા ભેદી સંજોગો સર્જાયા હતા. સિક્યુરિટી સ્ટાફે દાવો કર્યો હતો કે હુમલાખોરોએ દેશી બનાવટની પિસ્તોલ દ્વારા કરેલા ગોળીબારના જવાબમાં તેમણે પણ વળતો ગોળીબાર કર્યો હતો. એ પછી બન્ને શંકાસ્પદ શખ્સો નાસી છૂટ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મુદ્દે કર્ણાટક સરકાર પાસે અહેવાલ માગ્યો હતો.


બે અજાણી વ્યક્તિએ ગોળીઓ છોડી હોવાનો સિક્યુરિટી સ્ટાફનો દાવો બેંગલોર પોલીસે ફાયરિંગના કોઇ પુરાવા નહિ હોવાનો ખુલાસો કર્યો

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સલામતી જવાનોએ શંકાસ્પદ હિલચાલ કરી રહેલી બે વ્યક્તિઓને પડકારી હતી. એ પછી બન્ને શંકાસ્પદોએ દેશી બનાવટની પિસ્તોલમાંથી જવાનો પર ગોળીબાર કર્યો હતો જેના જવાબમા સુરક્ષા જવાનોએ વળતો ગોળીબાર કર્યો હતો. જો કે બાદમાં કર્ણાટકના એડીશનલ ડીજીપી અબ્દુલ રહેમાને ઇસરોની દિવાલ પર કે અન્ય સ્થળે ગોળીબારના પુરાવા નહિ મળ્યા હોવાનું જણાવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી માત્ર સુરક્ષા જવાનોએ ફાયર કરેલી ગોળીના પુરાવા જ મળ્યા છે. સમગ્ર ઘટના વહેલી સવારે ૩.૩૦થી ૪ વાગ્યા દરમિયાન ઘટી હતી. ગોળીબારમાં કોઇને પણ ઇજા પહોંચી ન હતી. સુરક્ષા જવાનોના વળતા જવાબ બાદ બન્ને શંકાસ્પદ શખ્સો નાસી છૂટ્યા હતા. બેંગલોર નજીકઆ આવેલા ઇસરોના આ કેન્દ્રમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ નેટવર્ક તથા ઇસરોના ઉપગ્રહોનું ટ્રેકિંગ સ્ટેશન આવેલું છે.

ઘટના બાદ કેન્દ્ર સરકારે કર્ણાટક સરકાર પાસે સમગ્ર ઘટનાક્રમ અંગે અહેવાલ માગ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમે જણાવ્યું હતું કે અત્યંત સંવેદનશીલ સ્થળની સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તેમણે અર્ધલશ્કરી દળના અધિકારીઓનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે ૧૦-૧૫ મીટરના અંતરથી બે વ્યક્તિઓએ દેશી બનાવટની પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. આ સાથે તેમણે સમગ્ર ઘટના ‘શિખાઉ પ્રયાસ’ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતુ કે ઇસરોના કેન્દ્ર સંપુર્ણપણ ભયમુક્ત છે. આ સાથે તેમણે ગોળીબારની ઘટના આતંકવાદી હુમલો હોવા અંગે પણ હાલ કોઇ સ્પષ્ટતા કરી ન હતી. ફાયરિંગની ઘટના બાદ એરપોર્ટ સહિતના ચાવીરૂપ સ્થળોની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સીઆઇએસએફના ડીઆઇજી અને ઇન્સપેક્ટર જનરલ ઑફ પોલીસે બાદમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી