|
ભારતમાં ૨૦ સ્થળો આતંકવાદી સંગઠન તોઈબાના નિશાન પર |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 15 માર્ચ 2010 |
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૧૫
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાએ દુનિયાભરમાં ૩૨૦ જેટલા
સ્થાનોને નિશાન પર રાખ્યા છે. જેમાંના ૨૦ જેટલા ભારતનાં હોવાનું અમેરિકાના
ટોચના સાંસદે જણાવ્યું છે. તેમણે લશ્કર-એ-તોઈબાને કચડવા માટે સમયની રાહ ન
જોવા પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત એલઈટી ફિલિપાઈન્સથી યુકે સુધી બહુ
વિશાળ નેટવર્ક ધરાવતું હોવાની માહિતી પણ તેમણે આપી હતી.
પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠને વિશ્વમાં કુલ ૩૨૦ સ્થળો પર હુમલા કરવાની યોજના ઘડી હોવાનો અમેરિકી કોંગ્રેસમાં કરાયેલો ખુલાસો
અમેરિકી કોંગ્રેસના સાંસદ ગેરી એકરમેને જણાવ્યું હતું કે મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં ૨૬/૧૧નાં રોજ થયેલા હુમલાના પગલે તપાસકારોને કેટલીક વિગતો હાથમાં આવી છે. જેમાં લશ્કર-એ-તોઈબાએ વિશ્વભરમાં હુમલા માટે નક્કી કરેલા ૩૨૦ જેટલા સ્થળોની યાદી ઉપરાંત કેટલાક ઈમેલ એકાઉન્ટ અને અન્ય વિગતોનો સમાવેશ થાય છે. આ યાદીમાંથી ૨૦ જેટલા સ્થળો ભારતમાં આવેલા છે.
એકરમેને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં એલઈટીના આતંકવાદીઓ અમેરિકી દળો પર પહેલા દિવસથી જ હુમલો કરી રહ્યા છે અને તેના આતંકવાદીઓ આખા અફઘાનિસ્તાનમાં ફેલાયેલા છે. આ ઉપરાંત ભારતીયોને પણ ઘણા દશકોથી નિશાન બનાવાઈ રહ્યાં છે અને એલઈટી એવું દર્શાવવા માગે છે કે તેમનું ધ્યેય દુનિયાભરમાં હિંસા ફેલાવવાનું છે.
અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાં સ્થિતિ થાળે પડે પછી એલઇટીનું 'કામ તમામ' કરવાને બદલે સમયની રાહ જોયા વગર બને તેટલું ઝડપથી આ જૂથને ડામવાની જરૃરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે એલઈટીનો પ્રશ્ન માત્ર પાકિસ્તાન કે મધ્યપૂર્વ પૂરતો જ સીમીત હોવાનું કહેવું એ અયોગ્ય અને ખોટું હશે. મુંબઈ હુમલાના કાવતરાખોરોમાંનો એક મહત્વનો આરોપી પાકિસ્તાની મૂળનો અમેરિકન છે.
ઉલ્લેખનીય છે કે ૯/૧૧ના હુમલા પછી પાકિસ્તાને સત્તાવાર રીતે એલઈટી પર પ્રતિબંધ મુક્યો છે પણ સાથે કમનસીબ બાબત એ છે કે આજે પણ આ સંગઠન પ્રસ્તુત છે અને તેની આતંકવાદી પ્રવૃત્તિઓ સક્રીયપણે ચલાવી રહ્યું છે.
|