|
વિદેશી યુનિવર્સિટીને ભારતમાં કેમ્પસની મંજૂરી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 15 માર્ચ 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૫
કેન્દ્રીય કેબિનેટે આજે વિદેશી શિક્ષણ સંસ્થાઓને ભારતમાં કેમ્પસ શરૃ કરવા
તથા ડિગ્રીની પરવાનગી આપતા બિલને મંજૂરી આપી હતી. બિલમાં વિદેશી શિક્ષણ
સંસ્થાઓના ભારત પ્રવેશને તથા કામગીરીને નિયંત્રીત કરતી જોગવાઇઓ સામેલ છે,
બિલની જોગવાઇ મુજબ ભારતમાં કેમ્પસ સ્થાપવા ઉત્સુક વિદેશી શિક્ષણ સંસ્થાઓએ
રૃ.૫૦ કરોડ કોર્પસ ફંડમાં જમા કરાવવા પડશે એટલું જ નહિ આ સંસ્થાઓ શૈક્ષણિક
પ્રવૃત્તિમાંથી ઉપજેલી ફાજલ રકમ પરત લઇ જઇ શકે નહિ. કેબિનેટની મંજૂરી સાથે
બિલને સંસદમાં રજૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.
ચાર વર્ષથી ધૂળ ખાતા બિલને કેબિનેટની બહાલી ઃ ભારતમાં શાખા માટે રૃ.૫૦ કરોડ જમા કરાવવા પડશે ઃ નફો પરત નહિ લઇ જઇ શકે
વડાપ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આજે ફોરેન એજ્યુકેશન ઇન્સ્ટીટયુશન રેગ્યુલેશન ઑફ એન્ટ્રી એન્ડ ઓપરેશન) બિલ, ૨૦૧૦ને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ માનવ સંસાધાન પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે આ (બિલ) એક એવું સિમાચિહ્ન છે જે પસંદગીની તકો વધારશે, સ્પર્ધાનું વાતાવરણ સર્જશે તથા બેન્ચમાર્ક ગુણવત્તામાં સુધારશે. આ બિલમાં વિદેશી શિક્ષણ સંસ્થાઓના ભારતમાં પ્રવેશ તથા કામગીરીને નિયંત્રીત કરવાની જોગવાઇઓ સામેલ છે, આ સંસ્થાઓ ભારતમાં કેમ્પસ શરૃ કરી શકશે તથા ડિગ્રી પણ આપી શકશે. છેલ્લા ચાર વર્ષથી આ બિલ ડાબેરી પાર્ટીઓ તથા અન્ય પરિબળોના વિરોધને પગલે લટકી રહ્યું હતું. ખાસ કરીને ચોક્કસ જોગવાઇઓના કારણે બિલનો વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સચિવોની બનેલી સમિતિને આ બિલ મોકલવામાં આવ્યું હતું. આજે કેબિનેટે બિલને કોઇપણ પ્રકારના ફેરફાર વિના મંજૂર રાખ્યું હતું.
પ્રસ્તાવિત બિલમાં વિદેશી યુનિવર્સિટી કે શિક્ષણ સંસ્થાને ભારતમાં કેમ્પસ શરૃ કરવા માટેની મંજૂરી આપવા કે નહિ આપવાના નિર્ણય માટે આઠ મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન આ સંસ્થાઓએ રજીસ્ટ્રેશનના વિવિધ તબક્કામાંથી પસાર થવું પડશે, અંતે આ સંસ્થાએ યુજીસીમાં નોંધણી કરાવી પડશે. યુજીસી અથવા અન્ય કોઇપણ રેગ્યુલેટરી એજન્સી વિદેશી સંસ્થાની પ્રપોઝલની ચકાસણી કરશે. જેમાં ભારતની જરૃરિયાતોને ધ્યાનમાં લેવામાં આવશે, આ ઉપરાંત જે-તે સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોવાનું લાગશે તો સરકાર તેની મંજૂરી રદ કરી શકશે.
આ સાથે કંપનીઝ એક્ટની ૨૫મી કલમ પણ વિદેશી સંસ્થાઓ પર લાગુ પડશે જે અનુસાર તેઓ વધારાનો નફો પરત લઇ જશે શકશે નહિ પણ તેમણે અહિં સંસ્થાના વિસ્તરણ માટે તે રકમ ખર્ચવી પડશે. પ્રસ્તાવિત બિલ, વિશ્વભરમાં પ્રતિષ્ઠિત ગણાતી સંસ્થાઓને ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશવાની સુવિધા પૂરી પાડશે. આ સાથે વિદેશી સંસ્થાઓ ભારતમાં વોકેશનલ ટ્રેનીંગ કોર્સ પણ શરૃ કરી શકશે. વિદેશી સંસ્થાઓ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓએ આજે કેબિનેટના નિર્ણયને આવકાર્યો હતો.
ભારતમાં કેમ્પસ ખોલનાર વિદેશી યુનિવર્સિટીઓની સંસ્થાઓમાં અનામત બેઠકો રહેશે કે નહિ એ અંગે સિબ્બલે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ખાનગી તથા સરકારી ગ્રાન્ટ નહિ મેળવતી સંસ્થાઓ અનામત આપવા બાધ્ય નથી.
|