|
લોકસભામાં પરમાણુ બિલ રજૂ કરવાનો નિર્ણય અંતે મોકૂફ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 15 માર્ચ 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૫
ભારત-અમેરિકા પરમાણુ કરાર અમલીકરણની દિશામાં મહત્વના પગલા સમાન પરમાણ
બિલને આજે લોકસભામાં રજૂ કરવાનું કેન્દ્ર સરકારે અંતિમ ઘડીએ મોકૂફ રાખ્યું
હતું. સરકારે, અકસ્માત જેવા સંજોગોમાં વળતરની જોગવાઇઓ સમાવતા બિલને પસાર
કરવામાં વિપક્ષી સભ્યોનો વિરોધ ટાળવા માટે સરકારે બિલ વર્તમાન સત્રમાં રજૂ
કરવાનો વિચાર ફેરવી તોળ્યો હતો. ડાબેરી પાર્ટીઓએ સરકારના આ નિર્ણયને
વિપક્ષનો વિજય ગણાવ્યો હતો.
વિપક્ષોના ઉગ્ર વિરોધને પગલે સરકારે છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો બિલ બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરવા વિચારણા
સિવિલ લાયબિલીટી ફોર ન્યુક્લિયર ડેમેજ બિલ ૨૦૧૦ને લોકસભાના વર્તમાન સત્રમાં રજૂ કરવાનું અગાઉથી નિર્ધારીત હતું. જો કે અંતિમ ક્ષણે સરકારે જણાવ્યું હતું કે આજે આ બિલને રજૂ નહિ કરવામાં આવે. લોકસભાના સ્પીકર મીરા કુમારા ગૃહમાં જાહેર કર્યું હતું કે પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે મને વિનંતી કરી છે કે તેઓ આજે સિવિલ લાયાબિલીટી ફોર ન્યુક્લિયર ડેમેજ બિલને રજૂ કરવા ઇચ્છતા નથી.
લોકસભા સ્પીકરની જાહેરાત બાદ વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો, એનડીએના કાર્યકારી વડા એલ.કે.અડવાણીએ બિલ રજૂ કરવાનું મોકૂફ રાખવાના કારણો રજૂ કરવાની સરકાર સમક્ષ માગણી કરી હતી. બિલને ગૃહની કામગીરીનો મહત્વનો હિસ્સો ગણાવતા અડવાણીએ જણાવ્યું હતું કે સરકારે ગૃહને જણાવવું જોઇએ કે શા માટે તેઓ બિલ રજૂ કરવા ઇચ્છતા નથી. જો કે આ અંગે સરકાર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. ચવ્હાણે બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે સભ્યોએ વાંધો દર્શાવ્યો હોવાથી બિલ મોકૂફ રાખવામાં આવ્યું હતું, આ સાથે તેમણે જણાવ્યું હતું કે બિલ અંગે હાલ એવી કોઇ ઉતાવળ નથી.
ડાબેરી પાર્ટીઓએ સરકારના આ નિર્ણયને વિપક્ષનો વિજય ગણાવ્યો હતો. સીપીઆઇના નેતા ગુરુદાસ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે બિલ સામે સંગઠિત વિરોધને કારણે સરકારે તે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે જે વિપક્ષનો વિજય છે.
અગાઉ ડાબેરી પક્ષોએ આ બિલનો વિરોધ કરવાનું જાહેર કર્યું હતું. જો કે ચવ્હાણે આ બિલને જરૃરી હોવાનું જણાવતા કહ્યું હતું કે હાલ પરમાણુ અકસ્માતના કેસમાં હાલ વળતરની જવાબદારી નક્કી કરતો કોઇ કાયદો નથી. વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે સરકાર સમક્ષ બિલ પરત ખેંચવા અંગે ઠરાવ પસાર કરવા જણાવ્યું હતું, જો કે સ્પીકર મીરા કુમારે તેમની માગણી નકારતા જણાવ્યું હતું કે બિલ સંસદમાં રજૂ થયુ નહિ હોવાથી આ પ્રકારનો ઠરાવ પસાર થઇ શકે નહિ, બાદમાં સ્વરાજે જણાવ્યું હતું કે ગૃહની કામગીરી સરકારના નિયમ મુજબ નહિ પણ ગૃહના નિયમ મુજબ ચાલતી હોય છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા સાથે ગત વર્ષે થયેલા પરમાણુ કરારને અમલી બનાવવાની દિશાના ત્રણ મહત્વના પગલામાં બિલનો સમાવેશ થાય છે. અન્ય બે પગલાંમાં આઇએઇએના સેફગાર્ડ સાથેની રીપ્રોસેસીંગ ફેસીલીટી તથા ભારત દ્વારા અણુ-બિનપ્રસારની જાહેરાત છે.
|