Last Updated:19 ડિસેમ્બર 2011

સંક્ષિપ્ત સમાચાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 15 માર્ચ 2010
મહિલા બિલમાં સુધારા નહિ થાય ઃ કોંગ્રેસ
(પી.ટી.આઈ.)          નવી દિલ્હી, તા. ૧૫
એનસીપીના નેતા શરદ પવારે મહિલા અનામત બિલમાં સુધારા કરવાનો સંકેત આપ્યા બાદ પણ કોંગ્રેસે આજે સ્પષ્ટતા કરી હતી કે મહિલા અનામત બિલમાં સુધારા કરવાની કોઇ દરખાસ્ત નથી.
કોંગ્રેસના પ્રવકતા અભિષેક સિંધવીએ આજે જણાવ્યું હતું કે મહિલા અનામત બિલમાં સુધારા કરવાની કોઇ દરખાસ્ત કે વિચારણા નથી. તેમણે વધુ જણાવ્યું હતું કે યુપીએના સાથી પક્ષોએ બિલ અંગે તમામ મુદ્દે ચર્ચા કરી લીધી છે અને તેમાં કોઇ મતભેદ નથી,.
પોખરણ રેન્જમાં વિસ્ફોટ સૈન્યના ૪ જવાનોના મૃત્યુ
(પી.ટી.આઈ.)         જેસલમેર, તા. ૧૫
રાજસ્થાનના પોખરણના રણમાં ફાયરિંગ રેન્જમાં પ્રેકટીસ કરી રહેલા સૈન્યના જવાનો પૈકી ૪ જવાનોના મૃત્યુ થયા હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં.
સૈન્યની ટૂકડી ફાયરિંગ રેન્જમાં પ્રેકિટસ કરી રહી હતી ત્યારે ૮૧ એમ.એમ. મોર્ટારનું બેરલ ફાટતા આ ઘટના બની હતી. ઘાયલ થયેલા જવાનોને જોધપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દુર્ઘટનામાં ૯ મરાઠા ઇન્ફન્ટ્રીના ૩ જવાનો અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રીનો એક જવાન મૃત્યુ પામ્યા હતાં. અગાઉ માર્ચ ૨૦૦૮માં પણ આવી જ ઘટનામાં ૩ જવાનો મૃત્યુ પામ્યા હતાં.

કાશ્મીર ખીણમા ૪.૬નો ધરતીકંપ
(પી.ટી.આઇ.)    શ્રીનગર, તા. ૧૫
કાશ્મીર ખીણમાં આજે મધરાતે હળવો ભૂકંપ થતા મકાનોના બારી બારણા ધુ્રજી ઉઠયા હતાં. ૪.૬ની તીવ્રતાના આ ભૂકંપથી કોઈ નુકસાની કે જાનહાનિના સમાચાર નથી.
આ ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર પશ્ચિમ કાશ્મીરમાં હતું તેમ સ્થાનિક ભુસ્તરશાસ્ત્રીની કચેરીએ જણાવ્યું હતું. આ પખવાડિયામાં કાશ્મીર ખીણમાં આ ત્રીજો હળવો ભૂકંપ હતો. અગાઉ ૨૮ ફેબુ્રઆરી અને માર્ચની ૧૩મીએ ભૂકંપ નોંધાયા હતા.

જેટ ફ્યુલના ભાવમાં બીજી વખત વધારો
(પી.ટી.આઇ.)         નવી દિલ્હી, તા. ૧૫
સરકાર હસ્તકની ઓઇલ કંપનીઓએ આ માસમાં બીજી વાર જેટફ્યુઅલના ભાવમાં ૨.૪૪ ટકાનો વધારો કર્યો હતો.
દિલ્હી ખાતે જેટ ફ્યુઅલના કિલોલીટરદીઠ ભાવમાં રૃપિયા ૯૬૧નો વધારો થઈને રૃપિયા ૪૦૨૬૮ થયા હતા તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું.
માર્ચ માસની પહેલી તારીખે ૩.૫ ટકાનો વધારો થયા બાદ જેટ ફ્યુઅલના ભાવમાં આ બીજી વખત વધારો થયો હતો. વિમાન સંચાલનમા જેટ ફ્યુઅલના ખર્ચનો ૪૦ ટકા હિસ્સો છે. જેટ ફ્યુઅલના ભાવ વધે ત્યારે વિમાન કંપનીઓના ખર્ચમાં પણ વધારો થઈ આર્થિક બોજ વધ છે.

જજોના બિલને મુદ્દે કેબિનેટમાં મતભેદ
(પીટીઆઈ)              નવી દિલ્હી, તા. ૧૫
જજો પર ગેરવર્તણુક બદલ પગલાં લેવાની જોગવાઈ અંગેનું બિલ વિલંબમાં પડયું હતું. કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મુકાયેલા આ બિલ અંગે મતભેદ છે.
જ્યુડિશિયલ સ્ટાન્ડર્ડસ એન્ડ એકાઉન્ટેબિલિટી બિલ ૨૦૧૦ વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં રજુ થયું હતું જેમાં તીવ્ર મતભેદો ઉભા થયાં હતાં. ૯૦ મિનિટ ચાલેલી આ બેઠકમાં બિલ અંગે ચર્ચા કરવામાં ૪૫ મિનિટ વિતી ગયા બાદ કોઈ નિર્ણય લેવાયો નહોતો. ગૃહમંત્રી ચિદમ્બરમ અને શિક્ષણ મંત્રી કપિલ સિબ્બલને બિલમાં અનેક કાનૂની ક્ષતિઓ જણાઈ હતી. જજોને ગેરવર્તણુક બદલ કેટલી સજા કરવી તે મુદ્દે મતભેદો પડયા હતાં.

સત્યમના રાજુની જામીન અરજી સુપ્રીમે ફગાવી
(પીટીઆઈ)           નવી દિલ્હી, તા. ૧૫
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલી સત્યમ કોમ્પ્યુટર કંપનીના વડા રામલિંગા રાજુની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં જણાવ્યું હતું કે ગંભીર ગુના કરનારાઓને જેલમાં જ રાખવા જોઈએ.
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ વર્મા અને ચૌહાણની બનેલી બેંચે જણાવ્યું હતું કે રામલિંગા રાજુ સત્યમ કૌભાંડનો મુખ્ય આરોપી હોવાથી સાક્ષીઓ પર દબાણ લાવી શકે છે તેથી તેના જામીન મંજૂર કરી શકાય નહીં. રાજુએ નાદુરસ્ત તબિયતનું કારણ આપીને જામીન પર છોડવાની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જેલમાં રાજુને સારી સારવાર મળી રહી હોવાથી જામીન પર છોડવાની જરૃર નથી. આ કેસમાં ૬૭૧ સાક્ષીઓ અને ૧.૬૦ લાખ દસ્તાવેજો તપાસવાના છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી