|
યુવા પેઢીની અગ્રતા ઉંચો પગાર નહિ, પણ નોકરીની સલામતી છે |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 14 માર્ચ 2010 |
|
KPMG ના સર્વેનું તારણ
(પી.ટી.આઇ.) ન્યૂયોર્ક, તા. ૧૪
વૈશ્વિક મંદીની અસરોને લગતા કેપીએમજીએ તૈયાર કરેલા એક અહેવાલમાં જણાવ્યા
પ્રમાણે અનિશ્ચિત આર્થિક વાતાવરણને કારણે દુનિયાભરના સ્નાતકો હાલ પગાર ને
અન્ય લાભો કરતાં નોકરીની સલામતીને ટોચની પ્રાથમિકતા આપવા માંડયા છે. આ
લોકોમાંથી મોટા ભાગના તેમનો અભ્યાસ પૂરો કર્યા પછી તાત્કાલીક
આંતરરાષ્ટ્રીય સ્તરે કામ મેળવવા માગે છે.
અનિશ્ચિત આર્થિક વાતાવરણને કારણે અગ્રતાક્રમ બદલાયો ઃ યુવાનોના દ્રષ્ટિકોણ માટે વૈશ્વિક મંદી મહદઅંશે જવાબદાર
તાજેતરમાં જ કેપીએમજી દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ૭૫ ટકા જેટલા વિદ્યાર્થીઓ નોકરીની સલામતીને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે અને આમ થવા પાછળ વૈશ્વિક સ્તરે ડામાડોળ બનેલું અર્થતંત્ર જવાબદાર છે. આર્થિક મંદીના કારણે યુવકોની તેમના ભવિષ્ય અને કેરિયર અંગેની વિચારધારા બદલાઈ ગઈ છે.
આ અભ્યાસ સાથે સંકળાયેલા આર્થિક નિષ્ણાતે જણાવ્યું હતું કે, હજુ પણ અનેક સ્નાતકો નોકરી શોધી રહ્યા છે. પહેલી નોકરી પરદેશમાં હોય તેવું ઇચ્છતા લોકોની સંખ્યામાં વધારો જણાયો છે અને સાથે તેઓ નોકરી માટે દુનિયાના કોઈ પણ ખૂણે જવા જવા તૈયાર છે. આ અભ્યાસમાં ૩૫૦ જેટલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર ઓક્ટોબર મહિનામાં સર્વેક્ષણ કરાયું હતું. જેમાં વૈશ્વિક આર્થિક મંદીના કારણે વિદ્યાર્થીઓનો તેમની કેરિયર પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો હોવાનું તારણ નીકળ્યું છે.
અભ્યાસમાં સમાવેશ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી ૬૯ ટકાએ જણાવ્યું હતું કે, સ્નાતક થયા પછી તરત જ નોકરી શોધવાને બદલે તેઓ અનુસ્નાતકની પદવી લેવા માગે છે. જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, તેઓ આર્થિક મંદીના કારણે કોઈ કોર્પોરેટ હાઉસમાં નોકરી કરવાને બદલે જાહેર કે સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
કોઈ ચોક્કસ કંપનીને નોકરી માટે પસંદ કરતા પહેલાં વિદ્યાર્થીઓ અનેક બાબતો ધ્યાનમાં રાખે છે. જેમાં કામના પ્રકારથી માંડીને તેમના સહકર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
|