|
મુંબઈમાંથી પણ હીઝબુલના બે આતંકવાદીઓ ઝડપાયા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 14 માર્ચ 2010 |
(પીટીઆઈ) મુંબઈ, તા. ૧૪
મુંબઈમાં ઓએનજીસીની ઓઈલ ટેન્કો સહિત મહત્ત્વના સ્થાનો પર હુમલો કરવાની
મેલી મુરાદ ધરાવતી બે વ્યક્તિઓની મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળ (એટીએસ)
દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બન્નેનો કોઈ જાણીતો ગુનાઈત ઈતિહાસ ન
હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ONGCની ઓઈલ ટેન્કો, દક્ષિણ મુંબઈનું મંગળદાસ માર્કેટ અને બોરીવલીના ઠક્કર મોલ પર હુમલાની યોજના હતી
પોલીસના કહેવા પ્રમાણે આ બન્ને શકમંદોની ઓળખ અબ્દુલ લતિફ રશિદ (૨૯) અને રિયાઝ અલિ (૨૩) તરીકે થઈ છે અને તેમને મધ્ય મુંબઈના માટુંગા રેલવે મથકેથી પકડી પાડવામાં આવ્યા હતા. એટીએસના વડા કે.પી. રઘુવંશીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ બન્નેના નિશાન પર ઓએનજીસીની ઓઈલ ટેન્કો, ઠક્કર મોલ અને મંગળદાસ માર્કેટ હતા અને તેઓ અહીં આગ લગાડવાથી માંડીને અન્ય આતંકવાદી હુમલાઓ પણ કરવા માગતા હતા.
રઘુવંશીના જણાવ્યા પ્રમાણે આ બન્નેના પાકિસ્તાનમાં સંપર્કો છે અને તેઓ તમામ આદેશો પાકિસ્તાનમાંથી જ મેળવતા હતા. પાકિસ્તાનમાંથી 'અંકલ' નામની કોઈ અજાણી વ્યક્તિ તેમને આ કામગીરી આગળ ધપાવવા જરૃરી સૂચના આપતી હતી. બન્ને પાસેથી મુંબઈના મહત્વના સ્થળોના નકશા પણ મળી આવ્યા છે.
બન્ને શકમંદોને આજે મુંબઈની કિલ્લા અદાલતમાં રજૂ કરાયા હતા જ્યાં તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા છે. ઉલ્લેખનીય છે કે ઠક્કર મોલ બોરિવલીમાં જ્યારે મંગળદાસ માર્કેટ દક્ષિણ મુંબઈમાં આવેલો છે. ઓએનજીસીનું ક્યું સંકુલ તેમના નિશાન પર હતું તે અંગે પોલીસ હજુ અવઢવમાં છે. જોકે બાંન્દ્રામાં આવેલી ઓએનજીસીની ઓફિસ નિશાન પર હોવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
રઘુવંશીએ વધુમાં જણાવ્યું હતું કે રશિદ ઉર્ફે ગુડ્ડુ અને અલિએ મુંબઈના કેટલાક વિસ્તારોની રેકી પણ કરી હતી અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે તેમની સાંઠગાંઠ હોવાની પણ શંકા છે.
|