|
વિદેશોમાં ભારતીય કામદારોનું શોષણ અટકાવવા ટૂંકમાં નવો કાયદો ઘડાશે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 14 માર્ચ 2010 |
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૪
અન્ય દેશોમાં કામ કરવા જતા ભારતીય નાગરિકોનું શોષણ થતું અટકાવવા માટે
સરકાર કેટલાક દેશોની કંપની માટે નવા ઇમિગ્રેશન કાયદા અંતર્ગત ભારતમાં
નોંધણી કરાવવી ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. ૧૯૮૩ના કાયદાના સ્થાને
આવનારું આ ઇમિગ્રેશન બિલ સંસદના વર્તમાનસત્ર દરમિયાન જ ગૃહમાં રજૂ થાય
તેવી શક્યતા છે.
ભારતીય કામદારોને નોકરીએ રાખવા ઇચ્છતી વિદેશી કંપનીઓએ નોંધણી કરાવવી પડશે ઃ એજન્ટો દ્વારા થતી છેતરપિંડી રોકવાનો હેતુ
આ બિલનો મુસદ્દો કાયદા અને ગૃહ મંત્રાલય સહિતના અનેક મંત્રાલયોને મંતવ્યો માટે મોકલી દેવાયો છે અને આ પ્રક્રિયા પૂરી થયા બાદ કેબિનેટ તેને મંજૂરી માટે હાથમાં લેશે. આ નવા કાયદા અંતર્ગત એક ઇમિગ્રેશન તંત્ર ઉભું કરાશે જે ભારતીય કામદારોના વિદેશગમન અને ખાસ કરીને અખાતી દેશો અને મલેશિયામાં જતા કારીગરોને લગતા મુદ્દાઓનું ધ્યાન રાખશે.
વિદેશી બાબતોના પ્રધાન વ્યાલાર રવિએ જણાવ્યું હતું કે, હવે કેટલાક દેશોની કંપનીઓને ભારતમાં તેમની નોંધણી કરાવવી પડશે. આ દેશોમાં અખાતના ૧૮ દેશો અને મલેશિયાનો સમાવેશ થાય છે. વિદેશમાં જવા માગતા કામદારો અનેકવાર એજન્ટોની છેતરામણીનો ભોગ બનતા હોવાથી કંપનીઓની નોંધણી ફરજિયાત બનાવવાનું નક્કી કરાયું છે.
રવિએ જણાવ્યું હતું કે, વર્તમાન ઇમિગ્રેશન કાયદો ૨૬ વર્ષ પહેલા બનાવાયો હતો. જેના પગલે વર્તમાન સમયની જરૃરિયાતોને ધ્યાનમાં રાખીને તેમણે નવા કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ કાયદા અંતર્ગત ઉભા થનારા ઇમિગ્રેશન વિભાગ પાસે ઇમિગ્રેશન પ્રક્રિયાનું સંપૂર્ણ નિયંત્રણ હશે. સરકાર પરદેશ મોકલતા તમામ એજન્ટોને જવાબદાર બનાવવા માગે છે અને સાથે નવા કાયદાથી તેમના પર અસરકારક નિયંત્રણ પણ આવશે.
|