|
ગૃહ મંત્રાલયના કર્મચારીઓ માટે 'ફલેકસી અવર્સ' યોજના |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 14 માર્ચ 2010 |
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૪
ગૃહ મંત્રાલયે હવે તેના કર્મચારીઓને કામના કલાકોમાં થોડી છૂટછાટ આપી છે.
તેના કર્મચારીઓને સામાજિક પ્રસંગે હાજરી આપવા કે ડૉક્ટર પાસે ચેકઅપ માટે
જવા મહત્તમ ૨ કલાકની છૂટ આપવામાં આવશે. જોકે બીજી બાજુ કર્મચારીએ આ રાહત
મેળવવા સામે સપ્તાહમાં ૪૦ કલાક જેટલું કામ કરવું પડશે.
પૂર્વ મંજૂરીથી નોકરીએ મોડા આવવાની કે વહેલા ઘરે જવાની છૂટ ઃ સપ્તાહમાં ૪૦ કલાક કામ કરવું ફરજિયાત
ગૃહસચિવ જી.કે. પિલ્લાઈએ મંત્રાલયના આદેશમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કે દવાખાનામાં તબિબ પાસે ચેકઅપ કરાવવા, સામાજિક પ્રસંગે હાજરી આપવા, સવારે કાર્યાલયમાં મોડા આવવા અને વહેલા ઘરે જવાના સંદર્ભે વધુમાં વધુ ૨ કલાકની છૂટ આપવામાં આવશે. જોકે આ સંદર્ભે સુપરવાઈઝીંગ અધિકારીની અગાઉથી મંજુરી મેળવવી જરૃરી હશે.
આ અગાઉ ૧૯મી નવેમ્બર અને આ વર્ષની ૩ માર્ચના રોજ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ સમક્ષ મંત્રાલયના કર્મચારીઓએ કરેલી રજૂઆતના પગલે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચિદમ્બરમે તેમને ખાતરી આપી હતી કે તેમની મુશ્કેલીનું નિરાકરણ લાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચેરીમાં મોડા આવ્યાનો સમય અથવા વહેલા ગયાનો સમય અન્ય દિવસોમાં સરભર કરવાનો રહેશે અને સાથે સપ્તાહમાં કામનો સમય ૪૦ કલાક જેટલો થયા તે પણ કર્મચારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે.
મંત્રાલયના આદેશમાં જણાવાયું છે કે ઓફિસે આવતા ૧૫ થી ૩૦ મીનીટ જેટલું મોડું થાય તેને ટ્રાન્સપોર્ટમાં મુશ્કેલી કે અન્ય કોઈ અનિવાર્ય સંજોગોનું પરિણામ ગણીને જતું કરાશે પણ તેટલો સમય વધુ કામ કરીને સરભર કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે મંત્રાલયના કામનો સમય સવારે ૯થી સાંજના ૫.૩૦ કલાકનો નક્કી કરાયો છે. જેમાં અડધો કલાકના વિરામનો પણ સમાવેશ થાય છે.
|