|
દેવાળીયા ગ્રીસને યુરોપના દેશો ઉગારશે |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 13 માર્ચ 2010 |
|
૧૬ દેશો ૨૨ અબજ પાઉન્ડના જંગી સહાય પેકેજ માટે સંમત
(પીટીઆઇ) લંડન, તા.૧૩
દેવામાં ગળાડૂબ ગ્રીસને કટોકટીમાંથી ઉગારવા યુરોઝોનના ૧૬ દેશોએ મદદ કરવા
તૈયારી દર્શાવી છે. ગ્રીસને અભૂતપૂર્વ નાણાભીડમાંથી બહાર કાઢવા યુરોઝોનના
દેશો ૨૨ અબજ પાઉન્ડ (અંદાજે રૃ. ૧.૫૫ લાખ કરોડ)નું પેકેજ આપશે. જર્મનીના
સખત વિરોધ છતાં પણ યુરોપિયન દેશોમાં ગ્રીસને મદદ કરવા સંમત સધાઇ હતી. આ
તરફ એથેન્સમાં કરકસરના સરકારના પગલાંના વિરોધમાં મોટાપાયે રમખાણો ફાટી
નીકળ્યા છે. ૨૦૧૦ના અંતે ગ્રીસને દેવુ ચૂકવવા ૫૩.૨ અબજ યુરોની જરૃર પડશે
એવો અંદાજ છે.
જર્મનીના વિરોધ છતાં ગ્રીસને નાદાર થતું અટકાવવા લેવાયેલો નિર્ણય ગ્રીસ સરકારના કરકસરનાં પગલાં સામે એથેન્સમાં રમખાણો
યુરોઝોનના ૧૬ દેશો લોન સ્વરૃપે તથા લોન ગેરન્ટી તરીકે ગ્રીસને ૨૨ અબજ પાઉન્ડનું ભંડોળ આપશે, આ સાથે તેમણે યુરોપિયન યુનિયનને પણ ગ્રીસને મદદ કરવા તૈયારી દર્શાવી છે. જર્મનીએ ગ્રીસને માતબર આર્થિક રાહત આપવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. isયુરોઝોનના દેશોના નાણાંપ્રધાનોની સોમવારે મળનારી બેઠકમાં પેકેજને અંતિમ સ્વરૃપ આપવામાં આવશે. દેવામાં ડુબેલા ગ્રીસને ૨૦૧૦ના વર્ષ માટે કુલ ૫૩.૨ અબજ યુરોની જરૃર છે. ભારે દેવાને કારણે ગ્રીસ અત્યંત આકરી નાણાંભીડોનો સામનો કરી રહ્યું છે. ગત અઠવાડિયે તેણે ૪.૮ અબજ યુરોના કરકસરના પગલાં જાહેર કર્યા હતા. ગ્રીસની બજેટ ખાધ ૨૦૦૯માં જીડીપીના ૧૨.૭ ટકાથી ઘટીને હાલ ૮.૭ ટકા થઇ છે.
હાલ ગ્રીસ ભંડોળ ઉભુ કરવા માટે બેન્ચમાર્ક યુરોપિયન બોન્ડને ઊંચુ પ્રિમિયમ ચૂકવી રહ્યું છે. બ્રિટિશ અખબાર ગાર્ડિયને યુરોઝોનના સીનિયર અધિકારીઓને ટાંકતા જણાવ્યું હતું કે આ દ્વિપક્ષીય યોગદાન લોન અથવા લોન ગેરન્ટી સ્વરૃપે હોઇ શકે છે. નાદારીના આરે ઉભેલા ગ્રીસને યુરોઝોનની મદદથી મોટી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે ગ્રીસે ભૂતકાળમાં યુરોપિયન યુનિયનને તેના અર્થતંત્ર અંગે ખોટી માહિતી આપી હતી. ગાર્ડિયને જણાવ્યું હતું કે કમિશને યુરોઝોનના ૧૬ દેશોની આર્થિક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. ગ્રીસનો કેસ યુરોઝોન માટે ચેતવણીની ઘંટડી સમાન છે. યુરોપિયન યુનિયનના આર્થિક અને નાણાંકીય બાબતોના કમિશ્નર ઓલી રેનેએ જણાવ્યું હતું કે 'જો ગ્રીસ નિષ્ફળ નિવડશે તો આપણે બધા જ નિષ્ફળ પુરવાર થશું, અને તેનાથી યુરોપિયન યુનિયનની વિશ્વસનીયતાને પણ કાયમી નુકસાન થશે. યુરો એ માત્ર નાણાકીય વ્યવસ્થા જ નથી પણ મુખ્ય રાજકીય પ્રોજેક્ટ પણ છે.'
બ્રસેલ્સ સ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રીસને મળનારી સહાયમાં બ્રિટનના કરદાતાઓના નાણાં સામેલ નહિ હોય, જો કે નિષ્ણાંતોનું માનવું છે કે આ માનવું ભુલભરેલું છે. આ તરફ ગ્રીસમાં કટોકટીને પગલે સ્થિતિ ગંભીર બની રહી છે. ગઇકાલે જ મધ્ય એથેન્સમાં રમખાણો જેવી સ્થિતિ પેદા થઇ હતી.
|