|
પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પાછો નહિ જ ખેંચાય ઃ મુખરજી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શુક્રવાર, 12 માર્ચ 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૨
નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ આજે લોકસભામાં પેટ્રોલ અને ડિઝલમાં હાલમાં
કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવાનો તથા એક્સાઇઝ ડયુટીના દરો ઘટાડવાનો ઇનકાર
કર્યો હતો, મુખરજીએ જણાવ્યું હતું કે હાલની 'નાણાંકીય સ્થિતિ' સરકારને ભાવ
ઘટાડવાની મંજૂરી આપતી નથી. તેમણે દાવો કર્યો હતો કે અપૂરતા વરસાદ અને
દુષ્કાળ જેવી સ્થિતિ છતાં પણ અર્થતંત્રમાં સુધાર આવ્યો છે અને
અનિશ્ચિતતાઓનો અંત આવ્યો છે.
વર્ષ ૨૦૧૦-૧૧ના સામાન્ય બજેટ પરની બે દિવસની ચર્ચાનો જવાબ આપતા નાણાં
પ્રધાને જણાવ્યું હતુ કે 'વિરોધ પક્ષના સભ્યોની આ માંગણી પૂરી કરવાનું મને
અત્યંત ગમતુ પણ નાણાંકીય સ્થિતિ મને આ માટેની પરવાનગી આપતી નથી, તેથી
મહેરબાની કરીને મને માફ કરવા વિનંતી, હું આ (પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો)
કરી શકું એમ નથી.'
નાણાકીય સ્થિતિ ભાવ ઘટાડાની મંજૂરી આપતી નથી ઔઅપૂરતા વરસાદ, અછત જેવી સ્થિતિ છતાં અર્થતંત્રમાં સુધારો
પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવાની માગણી નામંજૂર કરવામાં આવતા ભાજપ, ડાબેરી પક્ષો, સપા અને આરજેડી સહિત વિપક્ષના તમામ સભ્યોએ વિરોધ દર્શાવવા ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. મુખરજીના જવાબ બાદ ભાજપના નેતા યશવંતસિંહાએ તેમને જણાવ્યું હતું કે કે 'પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધારાની મોંઘવારી પર ભયંકર અસર પડશે, તેથી આ ભાવ વધારો પાછો ખેંચવાની અમારી માંગણી છે.'
મુખરજીના જવાબ બાદ ગૃહે સરકારની નાણાંની ફાળવણીની મંજૂરી આપતા એપ્રોપ્રીએશન બિલ, ૨૦૧૦ને મંજૂરી આપી હતી, આ મંજૂરી મળતા સરકાર વોટ-ઓન-એકાઉન્ટ માટે પ્રથમ ત્રણ મહિનામાં રૃ.૮,૩૫,૬૩૭ કરોડનો ખર્ચ કરી શકશે.
સરકાર દ્વારા કર સુધારના ભાગરૃપ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને ડાયરેક્ટ ટેક્સ કોડ (ડીટીસી) પર કામ ચાલી રહ્યું છે. આ મુદ્દે રાજ્યોએ કેન્દ્રને ટેકો આપેલો છે. સર્વિસ ટેક્સના સંદર્ભમાં મુખરજીએ સ્પષ્ટતા કરી હતી કે રિયલ એસ્ટેટ સેક્ટર પર ૩૩ ટકાની વસુલાત કરવામાં આવશે જેની અસર માત્ર ૩.૩ ટકા રહેશે.
રાજકોષીય ખાધ અંગે મુખરજીએ જણાવ્યું હતું કે બજેટમાં વ્યક્ત કરાયેલા અંદાજો હાંસલ કરવાનો યુપીએનો ટ્રેક રેકોર્ડ છે જેની સરખામણીએ એનડીએ તેના કાર્યકાળના તમામ છ વર્ષમાં લક્ષ્યાંકો હાંસલ કર્યા ન હતા. બાદમાં પોતાનું વક્તવ્ય સમેટતા મુખરજીએ જણાવ્યું હતું કે તેમના નિવેદનને કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો એમ કરવાનો તેમનો હેતુ ન હતો. નાણાં પ્રધાને ફુગાવાને નાણાંવ્યવસ્થાના ભાગરૃપની સ્થિતિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાવ નીચા ઉતરે એ માટે સરકારે ડયુટીમાં ઘટાડો કર્યો છે તથા રાજ્યોને ઘઉં અને ચોખાનો વધારાનો જથ્થો મળે એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમણે ઉમેર્યું હતું કે ખરીફ પાકમાં ૧.૫થી ૧.૮ કરોડ ટનની ઘટ પડી છે, પણ ઔદ્યોગિક ઉત્પાદન બે આંકડાનું નોંધાતા અર્થતંત્રને ટેકો મળ્યો છે.
બજેટમાં મુખરજીએ ક્રુડ પર ૫ ટકા, પેટ્રોલ અને ડિઝલ પર ૭.૫ ટકા તથા અન્ય રિફાઇનરી પ્રોડક્ટ પર ૧૦ ટકા કસ્ટમ ડયુટી લાગુ કરી હતી. આ સાથે તેમણે પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડયુટીમાં પણ વધારો કર્યો હતો, જેના પરિણામે ઓઇલ કંપનીઓએ તત્કાળ ઇંધણના ભાવ વધાર્યા હતા.
|