|
ડાબેરી પક્ષોએ ભાવવધારાના વિરોધમાં દિલ્હીમાં કાઢેલી રેલી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
શુક્રવાર, 12 માર્ચ 2010 |
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૨
મોંઘવારીની વિરૃદ્ધમાં રાજધાની નવી દિલ્હી ખાતે ડાબેરી પક્ષોના હજારો
કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ડાબેરી પક્ષોના નેતાઓએ ભાવ વધારાના
મુદ્દે ત્વરાએ પગલા ભરવાની માગણી સાથે ૮મી એપ્રિલને નાગરિક અસહકાર દિવસ
તરીકે મનાવવાની જાહેરાત પણ કરી હતી.
આવશ્યક ચીજવસ્તુઓ અને પેટ્રોપેદાશોના ભાવ ઘટાડવાની માગણી સાથે દેખાવો કરાયા
સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા સીપીઆઈ(એમ), સીપીઆઈ, ફોરવર્ડ બ્લોક અને આરએસપીના કાર્યકરોએ રામલીલા મેદાનથી જંતરમંતર સુધીની રેલી કાઢી હતી. તેમણે જીવન જરૃરી ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડો કરવાની અને પેટ્રોલીયમ પેદાશોનો ભાવવધારો પાછો ખેંચવાની માગણી કરી હતી.
વિશાળ જનમેદનીને સંબોધતા સીપીઆઈ(એમ)ના મહાસચિવ પ્રકાશ કરાતે જણાવ્યું હતું કે મોંઘવારીના સળગતા મુદ્દે પગલાં ભરવાનું સરકાર પર દબાણ લાવવા ડાબેરી પક્ષો ૮મી એપ્રિલને નાગરિક અસહકાર દિવસ તરીકે મનાવશે. કરાતે કહ્યું હતું કે કેન્દ્રની યુપીએ સરકાર મોંઘવારીને નાથવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે સરકારને યોગ્ય પગલાં ભરવાની ચેતવણી એક વર્ષ પહેલાં આપી હતી પણ સરકાર તેની જવાબદારીમાંથી છટકીને ક્યારેક રાજ્ય સરકાર તો ક્યારેક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર દોષનો ટોપલો ઢોળે છે.
સીપીઆઈના મહાસચિવ એ.બી. વર્ધને વડાપ્રધાન મનમોહનસિંહ પર 'મૂડીપતિઓના દલાલ' બની ગયાનો આરોપ મુકતા જણાવ્યું હતું કે તેઓ મૂડીપતિઓને તમામ ટેકો અને લાભો આપી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે નાણા બિલ દરમિયાન તેઓ 'કટ-મોશન' લાવશે.
|