Last Updated:19 ડિસેમ્બર 2011

સંક્ષિપ્ત સમાચાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 12 માર્ચ 2010
મિઝોરમ બામ્બુ ડાન્સને ગિનેસ બુકમાં સ્થાન
(પીટીઆઈ)     ઐઝવાલ, તા. ૧૨
ભારતના ઉત્તરપૂર્વમાં આવેલા નાનકડા રાજ્ય મિઝોરમને તેના પરંપરાગત વાંસ નૃત્ય માટે ગિનેસ બુકમાં સ્થાન મળ્યું હતું. આસામના લિકુલ પુકિવાન અને ચાનમારી ગામને આવરી લેતાં ૨.૫ કિલોમીટરના વિસ્તારમાં ૧૦૭૩૬ જણાએ ૬૭૧ની ટુકડીમાં બામ્બુ નૃત્ય કરીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. આ વિક્રમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. નૃત્યમાં ૨૫૧૮ કલાકારો મુખ્ય માર્ગ પર અને ૮૨૨૪ આસામ રાઈફલ્સના મેદાનમાં ૮ મિનિટ નૃત્ય કર્યું હતું. લંડન ખાતેના ગિનેસ વર્લ્ડ રેકોર્ડના વડાએ મિઝોરમને સૌથી મોટા અને સૌથી વધુ સમય ચાલનારા નૃત્ય માટે મિઝોરમને ગિનેસ બુકમાં સ્થાન આપવાની જાહેરાત કરી હતી.
બઢતી સામે વાંધો હોય તેવા જજની યાદી નથી
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૧૨
સુપ્રીમ કોર્ટમાં બઢતીથી મોકલાયેલા અથવા વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી થઈ હોય અને તેમની બઢતી સામે રાષ્ટ્રપતિએ વાંધો ઉઠાવ્યો હોય તેવા ન્યાયાધીશોની કોઈ યાદી તૈયાર ન હોવાનું કેન્દ્ર સરકારે એક આરટીઆઈના સંદર્ભે જણાવ્યું છે. સરકારે આ મુદ્દો નિર્ણય માટે હવે કેન્દ્રીય માહિતી પંચ પાસે મોકલ્યો છે.
માહિતી અધિકારના આ મુદ્દે કાયદા મંત્રાલયે સેન્ટ્રલ પબ્લીક ઈન્ફર્મેશન ઓફિસરે આપેલા જવાબને બહાલી આપી હતી અને જણાવ્યું હતું કે બઢતી કે નિમણૂકમાં વાંધો ઉઠાવાયો હોય તેવા ન્યાયાધિશોની યાદી તૈયાર કરાઈ નહોતી. એસ.સી. અગ્રવાલ નામના કાર્યકરે કરેલી અરજી કાયદા મંત્રાલયે જવાબ સાથે પરત કરી હતી. આ અરજીમાં અગ્રવાલે કર્ણાટકના ચીફ જસ્ટીસ અને અલ્લાહાબાદના ચીફ જસ્ટીસની બઢતીની દરખાસ્તો અંગે માહિતી માગી હતી.

ચિલીમાં ૬.૯ની તીવ્રતાના ભૂકંપના પાછોતરા આંચકા
(પીટીઆઈ)   સાન્ટિયાગો, તા. ૧૨
ચીલીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આજે ચીલીના પ્રમુખની શપથવિધિ સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે ૬.૯ની તીવ્રતાના ભૂકંપના આફટરશોકથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ચીલીમાં આવેલો આફટરશોક મુળ ભૂકંપ જેટલો જ શક્તિશાળી હતો. જોકે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.
ભૂકંપના આફટરશોક આવ્યા ત્યારે ચિલીના પ્રમુખ સેવાસ્ટીપન મિનેરાની વાલપેરેઈલો ખાતે શપથવિધિ થઈ રહી હતી. સાત શક્તિશાળી આફટરશોકથી સમારોહનું મકાન ધુ્રજી ઉઠયું હતું અને તાત્કાલિક ખાલી કરાવાયું હતું.

મહિલા બિલ અંગે લડત ચાલુ ઃ લાલુ
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૧૨
રાજદના વડા લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે મહિલા અનામત બિલ અંગે લડત ચાલુ રહેશે અને બિલ અંગે તેમના પક્ષમાં કોઈ મતભેદો નથી.
લાલુપ્રસાદ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો પક્ષ મહિલા અનામતનો વિરોધી નથી પરંતુ તેમાં દલિત, મુસ્લિમ અને પછાત વર્ગની મહિલાઓને પણ કવોટા મળવો જોઈએ. તેમના પક્ષના ભવિષ્યના આયોજન અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક મળશે ત્યારે તેઓ તેમના અભિપ્રાય રજુ કરશે. જોકે સર્વપક્ષીય બેઠકની કોઈ તારીખ નક્કી થઈ નથી.

સ્પેલિંગ ભૂલ સામે જજોન ચેતવણી
(પી.ટી.આઇ.)   નવી દિલ્હી, તા. ૧૨
નામમાં શું છે ? પરંતુ જ્યારે કોર્ટના હુકમમાં આરોપીના નામનો સ્પેલિંગ ખોટો લખાય અને બીજો ભળતા નામનો આરોપી જેલમાંથી છૂટી જાય ત્યારે નામનું મહત્ત્વ ઘણું વધુ થાય છે. દિલ્હી હાઇકોર્ટે નીચલી કોર્ટના જજોને સ્પેલિંગમાં થતી ભૂલો માટે ચેતવણી આપી હતી.
દિલ્હી હાઇકોર્ટે ચેતવણી આપતા નીચલી કોર્ટના જજોને જણાવ્યું હતું કે હવે પછી સ્પેલિંગમાં ભૂલો કરનાર જજની સર્વિસ બુકમાં આ વાતની નોંધ લેવાશે.
કોર્ટના ચુકાદામાં નામ લખવામાં થયેલી ભૂલને કારણે ભળતો આરોપી જેલમાંથી છૂટી ગયાનો કિસ્સો બન્યા બાદ હાઇકોર્ટે આ ચેતવણી આપી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી