Last Updated:19 ડિસેમ્બર 2011

લોકસભામાં મહિલા બિલ વિલંબમાં પડવાના એંધાણ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૧
મહિલા અનામત સામે કેટલાક પક્ષોના તીવ્ર વિરોધને ધ્યાનમાં રાખી સરકારે આજે જણાવ્યું હતું કે ''સંબંધિત તમામ પક્ષકારો'' સાથે મસલતો પછી જ મહિલા અનામત બિલને લોકસભામાં દાખલ કરશે. બીજી તરફ, ભાજપમાં કેટલાક સભ્યોએ વ્હીપનો પણ અનાદર કરવાની ધમકી આપી હતી અને યાદવ ત્રિપુટીએ પણ આ પગલા સામે વિરોધ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે. આ બધાના પરિણામે મહિલા અનામત વિધેયક પુનઃ અભરાઇએ ચડવાના અણસાર મળી રહ્યા છે.
તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લીધા વગર બિલ રજૂ નહિ કરવાની પ્રણવ મુખરજીએ ખાતરી આપતાં લોકસભાની કાર્યવાહી પુનઃ શરૃ

લોકસભામાં મહિલા અનામત સામે વિરોધના પગલે સતત ચોથા દિવસે પણ ગૃહમાં અરાજકતા સર્જાઇ હતી. આ મડાગાંઠને તોડવા માટે ગૃહના નેતા અને નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ આજે મુલાયમસિંહ યાદવ, લાલુપ્રસાદ યાદવ અને શરદ યાદવ જેવા વિપક્ષના પ્રખર વિરોધીઓ તથા સરકારના સાથીપક્ષોના મમતા બેનરજી (તૃણમૂલ કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી) અને ટી. આર. બાલુ (ડીએમકે) નેતાઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકો પછી લોકસભામાં નિવેદન કરતા મુખરજીએ જણાવ્યું હતું કે બંધારણીય સુધારા બિલ (મહિલા અનામત)ની લોકસભામાં પ્રગતિ નિશ્ચિત કરવા ખાતરી મગાઇ હતી. વિધેયકને લોકસભા સમક્ષ લાવતા પહેલા સરકાર તમામ પક્ષકારો સાથે મસલતોની પ્રક્રિયા પૂરી કરશે. આવી ખાતરી બધા સભ્યોની લાગણી સંતોષાશે અને તેઓ બાકીના સમયગાળામાં નાણાકીય કાર્યવાહીને આગળ ચાલવા દેશે. સરકારની આ ખાતરીથી બિલ વિરોધીઓને સંતોષ થયો હતો, મુલાયમસિંહ યાદવે જણાવ્યું હતું કે તમામ સમસ્યાઓનું કોઇ નિરાકરણ હોય છે. આ મુદ્દો પણ ઉકેલાઇ જશે. દરમિયાન, મુખરજીએ જણાવ્યું હતું કે ગૃહના બાકીના સમયગાળા માટે કાર્યવાહી સરળતાથી હાથ ધરવા સમિતિ સધાઇ હતી. મહિલા અનામતના મુદ્દે મડાગાંઠના કારણે છેલ્લા ચાર દિવસથી ગૃહની કાર્યવાહી બિલના વિરોધીઓ દ્વારા ખોરવાતી હતી. મુખરજીએ જણાવ્યું હતું કે, ''સર્વપક્ષીય બેઠક બોલાવવામાં પણ કોઇ નુકસાન નથી. આ બંધારણીય સુધારા વિધેયક છે જેને ખાસ બહુમતી સાથે પસાર કરવાનું હોય છે તથા અડધોઅડધ રાજ્યોની બહાલી મેળવવાની હોય છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી