|
સલમાન છોટા શકીલના ગુંડાને ઓળખી ન શક્યો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
|
કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થયેલો
(પીટીઆઇ) મુંબઇ, તા.૧૧
બોલિવુડના અભિનેતા સલમાન ખાન આજે ગેંગસ્ટર છોટા શકીલ વિરુદ્ધના કેસમાં
મુંબઇની મકોકા કોર્ટમાં ફરિયાદી પક્ષના સાક્ષી તરીકે હાજર રહ્યા હતા.
કોર્ટમાં સલમાન ખાને ફિલ્મમાં કામ કરવાની ફી ઘટાડવા અથવા પરિણામો ભોગવવા
તૈયાર રહેવાની ધમકી આપનાર અંજુમ ફઝલાનીને ઓળખવાનો ઇનકાર કર્યો હતો.
ફઝલાની, છોટા શકીલ માટે કામ કરતો હતો.
છોટા શકીલના ગુંડા ફઝલાનીએ ફિલ્મ માટે સલમાનને ફી ઘટાડવા અથવા માઠા પરિણામોની ધમકી આપી હતી
સલમાન ખાને સ્પેશ્યલ મકોકા જજ એમ.પી.કુકડેને જણાવ્યું હતું કે હું વર્ષો પહેલા ફઝલાનીને એક કે બે વખત મળ્યા હોઇશ પણ મને એ અંગે યાદ નથી. ફરિયાદી પક્ષના જણાવ્યા પ્રમાણે ફઝલાનીએ નિર્માતા નઝીમ રીઝવીની ફિલ્મ 'ચોરી ચોરી ચૂપકે ચૂપકે'માં કામ કરનાર સલમાન ખાનને ફીની રકમ ઓછી કરવા નહિ તો પરિણામનો સામનો કરવા ધમકી આપી હતી.
બ્લેક શર્ટ અને ઓફ-વ્હાઇટ ટ્રાઉઝરમાં હાજર થયેલા અભિનેતાએ કોર્ટને જણાવ્યું હતું કે રીઝવીએ અને આસીસ્ટન્ટ પ્રોડયુસર અબ્દુલ રહીમે તેમનો સંપર્ક સાધ્યો હતો તથા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા જણાવ્યું હતું. સલમાને ઉમેર્યું હતું કે 'મેં ઓફર સ્વીકારી હતી, પણ શરત મૂકી હતી કે તેનું નિર્દેશન કોઇ જાણીતા નિર્દેશક કરશે, બાદમાં ફિલ્મનું નિર્દેશન અબ્બાસ-મસ્તાને કર્યું હતું.'
ખાસ સરકારી વકીલ રોહિણી સલીયાને જણાવ્યું હતું કે સલમાન ખાન પોલીસને આપેલા નિવેદનને વળગી રહ્યા હતા, રીઝવીના નિવેદનના સંદર્ભમાં સલમાનનો પુરાવો જરૃરી હતો. ફરિયાદી પક્ષનો આરોપ હતો કે ફિલ્મમાં ગેંગસ્ટર છોટા શકીલે ડાયમંડ કિંગ ભરત શાહ મારફત નાણાં રોક્યા હતા. કેસમાં ભરત શાહ, રીઝવી અને રહીમ સામે આરોપો મૂકવામાં આવ્યા છે, તેમની સામે મકોકાની કડક જોગવાઇઓ હેઠળ કેસ ચાલી રહ્યો છે.
૨૦૦૩માં રીઝવી અને રહીમે મકોકા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ભરત શાહને મુક્ત કરવામાં આવ્યા હતા પણ આઇપીસીની કલમ હેઠળ તેઓ દોષિત પુરવાર થયા હતા. જો કે ફઝલાની ફરાર હતો, બાદમાં ૨૦૦૬માં દુબઇથી તેનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ભરત શાહ અને રીઝવી સામેના કેસમાં શાહરુખ ખાન, પ્રિતી ઝિંટા, રાકેશ રોશન અને મહેશ માંજરેકર સહિતની ફિલ્મી હસ્તીઓએ કોર્ટમાં નિવેદનો આપ્યા હતા, પ્રિતિ ઝીંટાને બાદ કરતા બાકીના તમામ કલાકારો પોતાના નિવેદનમાંથી ફરી ગયા હતા.
|