Last Updated:19 ડિસેમ્બર 2011

સંક્ષિપ્ત સમાચાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 11 માર્ચ 2010
મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ ઃ કોંગ્રેસ
(પી.ટી.આઈ.)          નવી દિલ્હી, તા. ૧૧
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ગોધરા કાંડના રમખાણોની તપાસ કરી રહેલી ખાસ ટીમે સમન્સ પાઠવ્યા બાદ કોંગ્રેસે કહ્યું હતું કે મોદીએ હવે રાજીનામું આપી દે યોગ્ય છે.
કોંગ્રેસના પ્રવકતા મનિષ તિવારીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી અને તેમની સરકારે આઝાદ ભારતમાં લઘુમતિ વિરોધી તોફાનોની આગેવાની લીધી હતી અને તેથી તેમને વહેલા સમન્સ બજાવવાની જરૃર હતી. સામુહિક હત્યાકાંડમાં સમન્સ બજાવાયો હોય તેવા આ પ્રથમ મુખ્યમંત્રી છે તેથી તેમણે બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમના જેવી વ્યકિત પાસેથી આવી જ અપેક્ષા રખાય.
BSNL ના કર્મચારીઓની આંદોલનની ચેતવણી
નવી દિલ્હી, તા. ૧૧
બીએસએનલના બોર્ડે ૩૦ ટકા શેર વેચી દઈ એક લાખ કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવાનો નિર્ણય લેતાં કર્મચારીઓએ ટેલીકોમની કચેરી નજીક દેખાવો કરી આંદોલન કરવાની ચેતવણી આપી હતી. તેમ કર્મચારી મંડળના આગેવાનોએ જણાવ્યું હતું. માર્ચની ૧૫મી તારીખે બેઠક યોજી આંદોલનના ભવિષ્યના પગલાં નક્કી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આંદોલનને કારણે સેવાઓ પર કોઇ અસર નહીં પડે તેવી તેમણે ખાતરી આપી હતી.
વડાપ્રધાન દ્વારા રચાયેલી સામ પિત્રોડા પેનલે બીએસએનલએલમાંથી એક લાખ કર્મચારીઓને નિવૃત્ત કરી દેવાની ભલામણ કરી હતી. બીએસએનલમાં ૩ લાખ કર્મચારીઓ છે અને કંપનીને ખોટ જઇ રહી છે.

નકસલવાદને લીધે રેલવેના બિઝનેસને ગંભીર ફટકો
(પી.ટી.આઈ.)         નવી દિલ્હી, તા. ૧૧
દેશભરમાં ૬૪૦૦૦ કિલોમીટરને આવરી લેતી રેલવેને નકસલવાદ, બંધના એલાન અને હડતાળને કારણે પોતાનો ૪૦ ટકા ધંધો ગુમાવે છે.
રેલવે મંત્રી મમતા બેનરજીએ રાજયસભામાં જણાવ્યું હતું કે માઓવાદી હિંસા અને જાતજાતના આંદોલનોને કારણે રેલવે ૪૦ ટકા ધંધો ગુમાવે છે. રેલવેના ડબામાં સ્વચ્છતા ન જળવાતી હોવાનું કબુલ કરીને તેમણે જણાવ્યું હતું કે રેલવે તંત્ર પાસે ઘણા આયોજનો બાકી છે તે જયારે નાણા આવશે ત્યારે પૂરાં થશે. પૈસા કંઇ આકાશમાંથી પડતાં નથી. વધારાની જમીનનો વ્યાપારી ઉપયોગ કરવામાં આવશે. રેલવેની આગામી નાણાકીય વર્ષની આવક રૃપિયા ૯૪૭૬૫ કરોડ અંદાજવામાં આવી હતી.

૭ સાંસદોનું સસ્પેન્શન રદ થવાની શકયતા
નવી દિલ્હી, તા. ૧૧
રાજયસભામાં મહિલા અનામત બિલ મુદ્દે ધાંધલ કર્યા બાદ બરતરફ થયેલા ૭ સાંસદોને બરતરફી પાછી ખેંચવાની શકયતા હતી. સંસદીય બાબતોના મંત્રી પી. કે. બંસલે જણાવ્યું હતું કે સાત સાંસદોની બરતરફી રદ થશે. રાજદના સભ્ય રઘુવંશ પ્રસાદે આ સાંસદોની બરતરફીનો વિરોધ કર્યા બાદ બંસલે તેમને પાછા લેવાની ખાતરી આપી હતી. બરતરફ થયેલા સાંસદો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા જેને કારણે તેમની બરતરફી અંગે ઝડપથી નિર્ણય લેવો પડયો હતો. સાંજ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવી તેમણે ખાતરી આપી હતી.

કોંગ્રેસના સાંસદે મહિલા બિલનો વિરોધ કર્યો
પટણા, તા. ૧૧
બિહારના કોંગ્રેસના સાંસદ મોહમદ અસરૃલ હકે મહિલા બિલને સમાજના દરેક વર્ગના હિતને ધ્યાનમાં રાખ્યા બાદ પસાર કરવું જોઇએ તેવું નિવેદન કરીને  કોંગ્રેસ પક્ષમાં ચર્ચા જગાવી હતી.
હકે પત્રકારોને જણાવ્યું હતું કે બિલમાં કોઇ મતભેદ ન હોવા જોઇએ અને સમાજના દરેક વર્ગના હિતને ધ્યાનમાં રાખવા જોઇએ. મહિલા અનામત બિલ મુદ્દે વિરોધ દર્શાવનાર હક એક માત્ર સાંસદ હતાં. હકે વધુમાં જણાવ્યું હતું કે બિલ મુદ્દે ભાજપમાં પણ મતભેદ સર્જાયા છે. તેઓ પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરશે કે બિલમાં દરેક વર્ગના હિત જળવાય તે ધ્યાનમાં રાખે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

પિતાએ નવજાત પુત્રીને ૧૩૫૦૦માં વેચી દીધી
(પીટીઆઇ)             લુધિયાણા, તા. ૧૧
લુધિયાણાના ઈસ્લામગંજ ખાતે રહેતા રીક્ષા ચાલકે પોતે પાંચમું સંતાન ન ઈચ્છતો હોઇ પોતાની નવજાત બાળકીને એક નિઃસંતાન દંપતિને ૧૩૫૦૦માં વેચી દીધી હતી. પોલીસે આ બાળકીને બચાવી હતી.
સ્થાનિક પોલીસે જણાવ્યા અનુસાર રીક્ષા ડ્રાઇવર સોનુ તેના મિત્ર પરમજીતસિંહ અને નર્સ દર્શનાએ બાળકીને વેચવાનું કૌભાંડ કર્યું હતું. બાળકીની માતાએ આ ત્રણે વિરૃધ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ દંપતિને અગાઉના ચાર પુત્રો હતાં પરંતુ આ પાંચમુ સંતાન પિતાને જોઇતું નહોતું. બાળકીને વેચવાનું નક્કી કર્યા પછી તેણે પત્નીને બાળકી વિના જ ઘેર મોકલી આપી હતી અને બાળકીને હોસ્પિટલમાં જ રાખી હતી. થોડા દિવસ બાદ પત્નીને શંકા ઉત્પન્ન થતાં પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પરમજીત સિંહ અને નર્સની ધરપકડ કરી હતી જ્યારે બાળકીનો પિતા લાપતા બની ગયો હતો.

ખાદ્ય પદાર્થોના ફુગાવાનો દર ઘટીને ૧૭.૮૧ ટકા
(પીટીઆઇ)              નવી દિલ્હી, તા.૧૧
ખાદ્ય પદાર્થોના ફુગાવાનો દર ૨૭ ફેબુ્રઆરીએ પૂરા થતા સપ્તાહ દરમિયાન ૦.૦૬ ટકા ઘટીને ૧૭.૮૧ ટકા થયો હતો. જો કે બજેટમાં થયેલા એક્સાઇઝ અને કસ્ટમ ડયુટીમાં વધારાને પગલે પેટ્રો પેદાશોના ફુગાવામાં વધારો થયો હતો.અનેક આવશ્યક ચીજવસ્તુઓના ભાવ હજુપણ મોંઘા હોવા છતાં ભાવ વધારાના દરમાં ઘટડો થયો હતો. જો આ વલણ યથાવત રહેશે તો એપ્રિલથી ભાવમાં ઘટાડાનું વલણ શરૃ થશે એવો સરકારનો અંદાજ સાચો ઠરશે. વાર્ષિક ધોરણે કઠોળના ભાવમાં ૩૩.૩૮ ટકાનો વધારો થયો હતો, અગાઉના સપ્તાહના ૩૫ ટકાના દર કરતા થોડો ઓછો છે. જ્યારે બટાટાના ભાવમાં ૨૨.૪૬ ટકાનો વધારો થયો હતો, ડુંગળી માત્ર ૨.૯૮ ટકા વધુ મોંઘી બની હતી. ઓવરઓલ શાકભાજીના ભાવમાં ૧૫.૬૧ ટકાનો વધારો થયો હતો. જ્યારે દૂધના ભાવમાં ૧૫.૩૧ ટકા અને ફળોના ભાવમાં ૧૧.૭૭ ટકાનો વધારો થયો હતો.
બજેટમાં એક્સાઇઝ તથા કસ્ટમ ડયુટીના દરોમાં વધારાની થયેલી જાહેરાતને કારણે પેટ્રો પેદાશોના ભાવમાં ૬ ટકાનો ઉછાળો આવ્યો હતો. વાર્ષિક ધોરણે પેટ્રોલના ભાવમાં ૧૬.૮૨ ટકાનો વધારો થયો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી