Last Updated:19 ડિસેમ્બર 2011

અમદાવાદ @ ૬૦૦ છાપો ઈ-મેલ
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2010

જેના શાસકો, શહેરનું નામ સુદ્ધાં અનેક વાર બદલાઈ ચૂક્યું છે એવું અમદાવાદ શહેર
નીત નવા કલેવર ધારણ કરતું  આજે સ્થાપનાના ૬૦૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે.
ત્યારે પ્રસ્તુત છે અમદાવાદની છ સદીની ભવ્ય ભૂતકાળ ગાથા વર્ણવતો ઈતિહાસ

મોગલોનું અમદાવાદ ઃ તાજમહાલ અને અંગ્રેજી રાજનાં બીજ રોપાયાં

ગુજરાતના સુલતાનો પાસેથી સત્તા હસ્તગત કરનાર મોગલ શહેનશાહ અકબર, તેના પિતા હુમાયુ અને પુત્ર જહાંગીર ત્રણે જુદા જુદા સમયે અમદાવાદની મુલાકાત લીધી હતી. હુમાયુ  ઇ.સ.૧૫૩૫માં  અમદાવાદ આવ્યો, પણ ૧૫૭૨માં અકબરે વીજળીવેગે અમદાવાદ પર આક્રમણ કરીને, અમદાવાદના સૂબાઓને ઊંઘતા ઝડપ્યા અને અમદાવાદ મોગલ સામ્રાજ્યમાં ભેળવી દીઘું. આ બન્નેની સરખામણીમાં ‘બેટે સલીમ’ તરીકે જાણીતા અકબરના પુત્ર જહાંગીર અને જહાંગીરના પુત્ર, તાજમહાલના સર્જક શાહજહાંનો અમદાવાદ સાથે ગાઢ સંબંધ રહ્યો.

ઇતિહાસના વળાંકની દૃષ્ટિએ પણ જહાંગીરનું અમદાવાદમાં આગમન અગત્યનું બની રહ્યું. કારણ કે અમદાવાદમાં મુકામ દરમિયાન જ ૧૬૧૮માં જહાંગીરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ ટોમસ રોને  પહેલી વાર ભારતમાં વેપારની પરવાનગી આપી. ચિત્રમાં જોવા મળે છે તેમ, જહાંગીર અને ટોમસ રોએ એક જ પ્રકારની, ઈંગ્લિશ હંટિંગ કેપ પહેરી છે. જહાંગીરે અમદાવાદની ઘૂળથી કંટાળીને તેને ‘ગર્દાબાદ’ કહ્યું હતું, પણ અમદાવાદમાં જહાંગીર-નૂરજહાંના સુવર્ણકાળના ઘણા કિસ્સા નોંધાયેલા છે. એક નોંધ પ્રમાણે, સર્વસત્તાધીશ રાણી તરીકે નૂરજહાં બનીઠનીને બળદગાડામાં બેસી અમદાવાદમાં ફરવા નીકળતી હતી અને જહાંગીર પોતે બળદગાડું હાંકવા બેસતો હતો.

કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે જહાંગીર અને શાહજહાંની શિલ્પ-સ્થાપત્યની રસરૂચિને અમદાવાદમાંથી પોષણ, ઉત્તેજન અને પ્રેરણા મળ્યાં હતાં. કોલંબસે અમેરિકા શોઘ્યું તે પહેલાં કે બીજાપુરનો ગોળગુંબજ બન્યો તે પહેલાં કે બાબર ભારત પર ચડી આવ્યો તે પહેલાં અમદાવાદમાં શિલ્પશ્થાપત્યના ઉત્તમ નમૂના જેવા મસ્જિદ ને દરવાજા બંધાઇ ચૂક્યા હતા. અમદાવાદનાં સ્થાપત્યોની કારીગરીનું આકંઠ રસપાન કરનાર જહાંગીરે અને તેના પછી શાહજહાંએ તાજમહાલ સહિત સ્થાપત્યોના ઉત્તમ નમૂના આપ્યા.

શાહજહાં દિલ્હીના તખ્ત પર બિરાજ્યો તે પહેલાં એ ગુજરાતનો સૂબો હતો. એ વખતે તેણે અમદાવાદમાં દુષ્કાળ રાહતના ભાગરૂપે શાહીબાગનો મહેલ ઉભો કરાવ્યો હતો.  શાહજહાં પછીના મોગલ બાદશાહોનું ઘ્યાન  મુખ્યત્વે દિલ્હી-આગ્રા પૂરતું કેન્દ્રિત રહ્યું, એટલે પછીના ગાળામાં અમદાવાદ પાછળ હડસેલાઇ ગયું, પણ અભ્યાસીઓ કહે છે કે દરેક સંસ્કૃતિની એક શરૂઆત હોય છેઃ રોમ પહેલાં ગ્રીસ, કેરો પહેલાં દમાસ્કસ...એ રીતે આગ્રા ભલે મોગલ શિલ્પસ્થાપત્યનું ેકેન્દ્ર ગણાતું હોય, પણ તેનાં બીજ અમદાવાદમાં પડેલાં છે.
 
પહેલી વાર દારૂબંધી જહાંગીરે લાદી હતી
અમદાવાદમા,ં ગુજરાતમાં અને સમસ્તપણે ભારતમાં દારૂબંધીને ગાંધીજી સાથે સાંકળવામાં આવે છે, પરંતુ ઇતિહાસના પાને નોંધાયેલી હકીકત પ્રમાણે દારૂબંધી ગાંધીજી કરતાં ઘણી જૂની છે અને તે મોગલ શહેનશાહ જહાંગીરના સમયમાં પણ અમલી હતી.

ઇતિહાસકારોની નોંધ પ્રમાણે દિલ્હીમાં જહાંગીર ગાંદીએ બેઠો, એટલે તેણે ગુજરાતના સૂબા તરીકે મીર્ઝા અઝીઝ કોકાને સ્થાને કુલીજખાન નામના સરદારને સૂબા તરીકે નીમ્યો અને તેના સમયમાં પોતાની રાજઆજ્ઞાઓ દર્શાવતું ખાસ ફરમાન બહાર કાઢ્યું. એ ફરમાનનો ગુજરાતમાં સખ્તપણે પાલન કરવાનો હુકમ પણ બાદશાહ જહાંગીરે ગુજરાતના સૂબાને આદેશ કર્યો હતો. ‘મિરાતે અહમદી’માં નોંધાયેલી જહાંગીરની ૧૨ રાજઆજ્ઞાઓ આ પ્રમાણે હતી (જેમાંની ઘણી આજે પણ ‘હોત તો કેટલું સારૂં!’ એવો વિચાર આવી શકે.)


૧) જળમાર્ગ પર લેવાતું મહેસૂલ અને રાહદારી વેરો માફ કરવામાં આવશે.
૨) રાજ્યમાં કસબા વસાવી ધર્મશાળાઓ અને તળાવો બાંધવામાં આવશે.
૩) કોઇ પણ વેપારીનો માલ તેની ઇચ્છા વિરૂદ્ધ તપાસવો નહી. તેઓ પોતાનો માલ ગમે તેને વેચી શકશે.
૪) જેના માથે સરકારી લેણું ન હોય તેવી વ્યક્તિનું મૃત્યુ થતાં તેની સર્વ મિલકત તેના વારસોને હરકત વગર સોંપવી. બિનવારસી મિલકતોનો ઉપયોગ જાહેર બાંધકામો- જેવાં કે ધર્મશાળા, તળાવ વગેરેમાં કરવો,
૫) રાજ્યમાં દારૂ બનાવવો કે વેચવો નહીં. હું તેનાથી ઘણો બરબાદ થયો છું.
૬) કોઇ પણ માણસ પાસેથી ઘરવેરો લેવો નહીં કે તેની ઇચ્છા વિરૂદ્ધ મકાનમાં પ્રવેશ કરવો નહીં.
૭) કોઇ પણ ગુના માટે અંગછેદનની શિક્ષા કરવી નહીં.
૮) પ્રજાની જમીન બળજબરીથી આંચકી લેવી નહીં કે તેમાં ખેતી કરાવવી નહીં. કોઇની પાસે વેઠ કરાવવી નહીં.
૯) જો કોઇ આબરૂદાર માણસે અફીણ ખાઇ આપઘાત કર્યો હોય અને તેની પાસે બીજો કોઇ માણસ બેઠેલો હોય તો તેને ખૂની માનવો નહીં.
૧૦) મોટાં શહેરોમાં રાજ્યના ખર્ચે સારા વૈદ્યો રાખી દવાખાનાં ખોલવાં. માંદા મુસાફરોની રાજ્યના ખર્ચે દવા કરાવવી.
૧૧) મારા જન્મદિવસ કે મારા રાજ્યાભિષેકના દિવસે માંસાહાર કરવો નહીં.
૧૨) મારા પિતાના સમયના સઘળા નોકરો કાયમ રહેશે અને તેમની લાયકાત પ્રમાણે તેમના પગારમાં વધારો કરવામાં આવશે. 
 
અમદાવાદના ઇતિહાસનું  વિસરાયેલું પ્રકરણ ઃ ભાઇકાકા

અમદાવાદના છસો વર્ષ પૂરા થઇ રહ્યા છે. અખબારો શહેરના ઇતિહાસથી છલકાઇ રહ્યા છે. પરંતુ આ બધામાં આઘુનિક અમદાવાદની શિલ્પી એવી એક વ્યક્તિ ખરેખર વિસરાઇ છે. અમદાવાદના વિકાસ માટે હિંદ સરકારની નોકરી છોડીને આવેલા અને ૧૯૪૦માં મ્યુનિ.ના ચીફ ઇજનેર તરીકે જોડાયેલા એ શિલ્પી હતા ભાઇલાલભાઇ પટેલ. રાજકારણીઓ અને વિધ્નસંતોષીઓની સાડાબારી રાખ્યા વગર ગંદકીથી ખદબદતાં શહેરના પરાં અને મિલવિસ્તારમાં ગટરો-રસ્તાઓ, કાંકરિયાને ફરતે રસ્તો-પાળી, કાંકરિયા બગીચો, કોટ તોડીને વિકાસના કાર્યો વગેરે કરવામાં ભાઇકાકાના હુલામણાં નામે ઓળખાતા આ ઇજનેરનો મોટો ફાળો હતો.

નાગરિક સુવિધાઓની વાત આવે ત્યારે સરકારી મંજૂરી કે બજેટની પરવા કર્યા વિના કામ કરીને માત્ર અઢી વર્ષમાં જ તેમણે અમદાવાદની સૂરત બદલી નાંખી હતી. વારંવાર બજેટમાં વધારો કરનારા અને સમયમર્યાદામાં કામ પૂરા ન કરનારા આજના રાજકારણીઓ-અધિકારીઓથી વિપરીત ભાઇકાકા મંજૂર બજેટમાંથી પૈસા બચાવતાં અને સમયમર્યાદા પહેલાં કામ પૂરા કરી નાખતાં હતાં! ‘ભાઇકાકાના સંસ્મરણો ’ પુસ્તકમાં ભાઈકાકા અમદાવાદ સાથેના અનુભવો વિષે વિસ્તૃત વર્ણન છે. અમદાવાદના ઇતિહાસના મહત્વના ચેપ્ટર ‘ભાઇલાલ પટેલ’ના કાર્યો પર એક નજર કરીએ ઃ


અમદાવાદ મ્યુનિ.માં જોડાવાની એક માત્ર શરત

૧૯૩૯ના અરસાની વાત છે. ભાઇલાલ પટેલ હિંદ સરકારની નોકરીના ભાગરૂપે (હાલમાં પાકિસ્તાનના) સિંધમાં સ્પેશ્યલ રોડ એન્જીનિયર તરીકે ફરજ બજાવતાં હતાં. તે સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સારા ચીફ એન્જીનીયરની જરૂર હોઇ સરદાર પટેલે તેમને સંદેશો મોકલ્યો કે ગુજરાતની બહાર બહુ રહ્યા, ગુજરાત પાછા આવો, તમારી અહીં જરૂર છે. સરદારના સંદેશના પગલે ભાઇકાકાએ પોતે ૨૮ ફેબુ્રઆરી, ૧૯૪૦ રોજ નિવૃત્ત થઇ શકે છે તે જાણીને જવાબ મોકલ્યો.

સરદાર પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના તત્કાલિન પ્રમુખ મણિભાઇ શાહને આ બાબતની જાણ કરતાં તેમણે ભાઇકાકાને કરાંચી કાગળ લખીને અમદાવાદમાં મ્યુનિ. ઇજનેર તરીકે આવવા, પગાર તેમજ બીજી શરતો લખીને મોકલાવવા જણાવ્યું હતું. સમાજ માટે કામ કરવા માટે વહેલી નોકરી છોડનારા ભાઇકાકાએ પગાર બાબતે તો કોઇ રકઝક ન કરી. પરંતુ શરતો માટે તેમણે પ્રમુખને જે કહ્યું તે ખરેખર તેમના માટે માન ઉપજાવે તેવું છે ઃ ‘અમદાવાદમાં મારા ખર્ચ માટે હજાર રૂપિયા પૂરતાં છે. બીજી શરતોમાં તો મારે એ શરત મૂકવાની છે કે તમને ના ફાવે તો મને કહેજો એટલે હું તરત જ છૂટો થઇ જઇશ. અને મને નહિ ફાવે તો હું તરત જ છૂટો થઇ જઇશ. બમાંથી કોઇ પક્ષે નોટિસ આપવાની નહિ. આ સિવાય મારે બીજી કોઇ શરત નથી.’


પહેલાં જ કામમાં ૪૫ લાખમાંથી ૧૪ લાખની બચત

સિંધ મેલના પૈડા નીચે ભીંતભડાકા-ટેટા મૂકીને સેંકડો લોકોએ ભાઇકાકાને ભાવભીની વિદાય આપ્યા બાદ તેઓ ૩ માર્ચે અમદાવાદ આવી પહોંચ્યા. મ્યુનિ. પ્રમુખની વિનંતીને માન આપીને ચાર માસની રજા ભોગવવાને બદલે બીજા જ દિવસે તેમણે પોતાનો ચાર્જ લઇ લીધો. ભાઇકાકાને પહેલું જ કામ અમદાવાદના પરા વિસ્તારની ગટરોનું આવ્યું. ૧૯૩૫માં આ કામનું અંદાજી ખર્ચ ૪૫ લાખ રૂપિયાનું હતું. મ્યુનિ.એ આ માટે ૬ લાખ, ૨૫ લાખ અને ૧૪ લાખ એમ ત્રણ સેક્શનમાં કામ કરવાનું નક્કી કર્યુ હતું. ભાઇકાકા ગયા ત્યાર બીજા સેક્શનના ૧૨ લાખ ખર્ચાઇ ગયા હતાં જેથી તેમના હાથમાં ૧૩ લાખ આવ્યા હતાં. ભાઇકાકાએ બધા કામનો અભ્યાસ કર્યા બાદ નક્કી કર્યું કે ત્રીજા સેક્શનની જરૂર જ નહીં પડે અને ૧૪ લાખની બચત થશે. ભાઇકાકાએ ત્રીજા સેક્શનના  ૧૪ લાખ રૂપિયાની બચત કરીને જ બધા કામ પૂરા કરીને ઘર અને મિલોને કનેક્શનો આપવાની જાહેરાત કરવા તેમજ જરૂરી સ્ટાફ ભરતી કરવા સત્તાધીશોને કહ્યું.

ત્રીજા સેક્શનના રૂપિયા આવ્યા વગર જ બધા કામ થઇ ગયા તે વાત જાણી મ્યુનિ.ના બધા સભ્ય ડઘાઇ ગયા હતાં. ૧૯૩૨માં પૂનાના હેલ્થ એન્જીનીયરે અમદાવાદના લોકોની પાણીની સમસ્યા હલ કરવા માટે ૫ લાખનુ અંદાજ તૈયાર કર્યું હતું. ભાઇકાકાએ ૧૯૪૧માં આ અંદાજ ઘટાડીને ૬૮ હજાર કરીને માત્ર ત્રણ મહિનામાં પાણીની સમસ્યા હલ કરી નાખી હતી. ૬૮ હજારમાંથી પણ તેમણે માત્ર ૩૭ હજાર વાપરીને સમગ્ર કામ કર્યું હતું ! ખોખરા-મહેમદાવાદની ગટર માટેના ભાઇકાકાના અઢી લાખના અંદાજ સામે તેમના ગયા પછી આ કામો ૪૫ લાખમાં થયા હતાં. ઉલ્લેખનીય છે કે, અત્યારના ખાઉધરા અધિકારીઓ-રાજકારણીઓ ખર્ચ બચાવવાની વાત તો દૂર પરંતુ બેથી ત્રણ વખત ખર્ચ વધારી જાણે છે.


રાજકારણીઓની સાડાબારી નહીં
શહેરના પરા વિસ્તારોમાં ૧૫ ફેબુ્રઆરી, ૧૯૪૧માં ગટરોના કામ થઇ ગયા હતાં. ગટરો થઇ ગયા બાદ ભાઇકાકાની કેટલીય વિનંતીઓ છતાં ચૂંટાયેલા રાજકારણીઓ ગટર કનેક્શન લેવા માટેની અરજીઓ નાગરિકો પાસેથી મંગાવાતા નહોતા. એટલું જ નહીં, ભાઇકાકાએ સ્ટેન્ડિંગ કમિટીના તત્કાલિન ચેરમેન નંદાજીને શહેરની મિલો પાસે લઇ જઇને મિલના ગંધાતા પાણીના ખાબાચિયાઓ બતાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે લોકોને નવા કનેક્શનો આપીશું તો મ્યુનિ.ને આવક થાય તેમ છે અને ખાસ તો ગંદકી દૂર થાય તેમ છે. પરંતુ રાજકારણીઓએ આ બાબતે કોઇ ઘ્યાન ન આપતાં, ભાઇકાકાએ સત્તા ન હોવા છતાં માર્ચ મહિનામાં છાપાઓમાં જાહેરખબર આપીને કનેકશન માટે સેનેટરી કમિટીને અરજી કરવા જણાવ્યું. જેના પગલે આ કમિટીમાં ઢગલાબંધ અરજીઓ આવવા લાગી હતી.

પરંતુ આ અરજીઓને પ્રોસેસ કરીને ઇજનેર ખાતાને ન મોકલાતાં ભાઇકાકાએ અખબારમાં બીજી જાહેરખબર આપી દીધી કે કનેકશન જોઇતું હોય તેણે સીધી જ મ્યુનિ. એન્જીનીયરને અરજી કરવી. આ જાહેરખબરથી કમિટીવાળા નેતાઓ તેમજ સુધરાઇના પ્રમુખને પરસેવો છૂટી ગયો અને તાબડતોબ ઠરાવ કરીને તમામ જરૂરી સત્તાઓ ભાઇકાકાને આપવામાં આવી. ભાઇકાકાએ જહાંગીરપુરાથી રખિયાલ સુધીના ગટરના કામોનું અઢી લાખના અંદાજપત્રને પબ્લિક વર્કસ કમિટીને મોકલ્યું હતું. આઠ મહિના વીત્યાં અને વારંવારના રીમાઇન્ડર છતાં કંઇ ન થતાં એક વખત ભાઇકાકા કમિટીની મીટિંગમા ધૂસી ગયા. મીટિંગમાં હાજર પ્રમુખ સહિતના ૧૩-૧૪ સભ્યોને તેમણે કહ્યું કે, મેં અંદાજપત્ર મોકલ્યાને આઠ મહિના થયા.

જો આ ફાઇલ રોજ એક ફૂટ પણ ચાલી હોત તો પણ મારી પાસે આવી ગઇ હોત. મારી પાસે પાંચ લાખ રૂપિયાની સિલક બચી છે. હું તમને શહેરના બીજા કામોના અંદાજ પણ મોકલતો રહીશ. તમારે આ અંદાજ મંજૂર ન કરવા હોય તો હું મારી પાસે બચેલી પાંચ લાખની બચત મારા સ્ટાફમાં બોનસ તરીકે વહેંચી આપીશ, જેનામાં અક્કલ હોય તે પાંચ લાખ ક્યાં ગયા તે ખોળી કાઢજો. સ્ટાફે ખૂબ કરકસર અને મહેનતથી શહેરના ગટરના કામ કર્યા છે. ભાઇકાકાની આ ચીમકી પછી આઠ મહિનાથી લટકેલી પેલી ફાઇલ તાત્કાલિક પાસ થઇ અને ત્રણ મહિનામાં કામ પૂરા થયા.


કાંકરિયા ફરતે બગીચો, વેસ્ટમાંથી બેસ્ટ

૫૦૦ વર્ષ દરમિયાન કાંકરિયાને ખોદીને જે માટી નીકળેલી તેના ઢગ કાંકરિયાની ચારે તરફ મંડાયેલા હતાં. ૧૯૪૧માં અમદાવાદના કેટલાક ગણતરીબાજ લોકોએ આ માટીના ઢગને ખોદી નંખાય તો કાંકરિયા ફરતે આઠ એકર જેટલી જમીન મ્યુનિ.ને મળે તેવી ગણતરી કરી નાંખી હતી. અને આ ઢગને ખોદી નાખવા માટે મ્યુનિ.એ ૫૬,૦૦૦ રૂપિયા મંજૂર પણ કરી દીધા હતાં. પરંતુ ભાઇકાકાએ કાંકરિયાને ફરતે આ ટેકરાઓ પર સુંદર બગીચો થાય તે મુજબની વાત કરીને આ જમીન બચાવી લીધી હતી. એટલું જ નહીં પરંતુ પ્રારંભિક એક હજાર રૂપિયા મંજૂર કરાવીને આ ટેકરાઓ પર બગીચો બનાવવાનું શરૂ કરી દીઘું. શહેરની પોળોમાં ડામરના રસ્તા થવાના હોવાથી ત્યાં પથ્થરોના ઢગ ખડકાયા હતાં જેમાં લોકો એંઢવાડ-કચરો નાંખતા હતાં.

કાંકરિયાના મેટલ ડેપોમાંથી ડામર લઇને પોળમાં જતી ટ્રકો વળતાં ખાલી પાછી ફરતી હતી. ભાઇકાકાએ આ નકામા પથરાઓ ખાલી ટ્રકોમાં કાંકરિયા મંગાવવા માંડ્યા જેથી વગર ખર્ચે કાંકરિયા બગીચા માટે પથરાઓ આવવા લાગ્યા. બગીચા માટે લોખંડના જૂના ભંગારમાંથી સમર હાઉસ કરાયું. અમદાવાદના લોકો કાંકરિયાની ફરતે બનાવાયેલી જે પાળીમાં બેસે છે તે પણ ભાઇકાકાએ જ બનાવી હતી. આ ઉપરાંત, ભાઇકાકાએ કાંકરિયાની ફરતે નવ હજાર ફૂટ લાંબી અને પંચાવન ફૂટ પહોળી સડકનુ એક લાખ રૂપિયાનું અંદાજખર્ચ મૂક્યું જે મ્યુનિ.એ મંજૂર કર્યું નહોતું. જેના માટે બાદમા એક સડક પાછળ દસ લાખનો ખર્ચ કરવો પડ્યો હતો. ભાઇકાકાના આ પ્રયાસથી આજે કાંકરિયાની ફરતે કોંક્રિટના જંગલની જગ્યાએ લોકોને ઝૂ, બાલવાટિકા અને બગીચા જેવા રમણીય સ્થળો મળ્યા છે. કાંકરિયાને આજનું કાંકરિયા બનાવનારા ભાઇકાકાને તેનો જશ આપવાને બદલે લોકોએ કાંકરિયા ફરતે બનાવાયેલા બગીચાનો જશ ખાટવામાં કશુંય બાકી નથી રાખ્યું.

૧૯૪૭ કે ૧૯૪૮માં કાંકરિયાની પાંચસો વર્ષની ઉજવણી વખતે મુનશીએ પોતાના ભાષણમાં કાંકરિયાની ફરતેના ટેકરા પર બગીચા બનાવી શહેરની ભારે સેવા કરવા બદલ ડો.હરિપ્રસાદ દેસાઇના વખાણ કર્યા હતાં. મુનશીએ ભાઇકાકાનું નામ ક્યાંય લીઘું નહોતું. ભાઇકાકાએ બનાવેલા કાંકરિયા બગીચાનો લેખ ભૂલથી મ્યુનિ.ના સાપ્તાહિકમાં છપાઇ જતાં મ્યુનિ. પ્રમુખે તેના તંત્રીને ખખડાવીને ખુલાસો માંગ્યો હતો. કાંકરિયા બગીચામાં ગોઠવાયેલા એક સન્માન સમારંભમાં ભાઇકાકાને નિમંત્રણ નહોતું, પરંતુ સમારંભમાં હાજર સરદાર પટેલે આ બગીચો તૈયાર કરનારો દેખાતો નથી તેમ કહીને ભાઇકાકાને યાદ કર્યા હતાં.


પાંચસો માણસ ખડકીને રાતોરાત શાહપુરથી દિલ્હી દરવાજાનો કોટ તોડ્યો

ભાઇકાકા કુશળ એન્જીનીયરની સાથે સાથે કુશળ વહીવટકર્તા પણ હતાં. અમદાવાદના હિંદુ-મુસ્લિમ વિસ્તારમાં આવેલા કોટ તૂટે તો શહેરના વિકાસમાં તે મદદરૂપ થાય તેમ હતાં. તે સમયે મુસ્લિમ સમાજને વિશ્વાસમાં લઇને તેમણે આઘુનિક અમદાવાદનો પાયો નાંખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. શાહપુર-દિલ્હી દરવાજાનો કોટ તૂટે તો અમદાવાદને એક નવો રસ્તો, નદીની ગંદકીથી મુક્તિ તેમજ કોટ પાસે આવેલા મકાનોના ભાવ વધે તેમ હતાં. આ કોટ તોડવાની મ્યુનિ.ની યોજનાનો મુસ્લિમ લીગના બાર સભ્યોનો જોરદાર વિરોધ હતો. તેમનું માનવું હતું કે આ કોટ અહમદાશાહ બાદશાહે બનાવ્યો હોવાથી અમે નહીં તૂટવા દઇએ. પરંતુ હકીકતમાં આ કાટ મહમદ બેગડાએ બનાવ્યો હતો.

ભાઇકાકાએ મુસ્લિમ લીગના આગેવાનોને બોલાવીને સમજાવ્યા કે આ કોટની નજીક આવેલા નેવુ ટકા મકાનો મુસ્લિમોના છે અને કોટ તૂટી જાય તો તેમના મકાનાનો ભાવ વારના બે રૂપિયાથી વધીને રાતોરાત ૧૦૦ રૂપિયા થઇ જશે. સભ્યોએ ભાઇકાકાને જણાવ્યું કે તમે કોટ તોડશો તો અમારો વિરોધ નહીં હોય, પરંતુ મ્યુનિ.માં દરખાસ્ત આવશે તો અમે વિરોધ કરીશું. બંને પક્ષે એકબીજાને વચન આપ્યા બાદ ભાઇકાકાએ રાતના બાર વાગ્યે ૫૦૦ જેટલા લોકોને શાહપુરથી દિલ્હી દરવાજાના કોટ પર ખડકી દીધા. કોટ એવો કદરૂપો કરી દીધો કે લોકો પોતે જ કહે કે સમગ્ર કોટ પાડી દો. મુસ્લિમોએ પણ તેમના વચન પાળતાં કોઇ જ વિરોધ ન કર્યો. ભાઇકાકાએ કોટના આ કચરાંથી નદીની ખાઇ પૂરીને ગંદકી દૂર કરી અને પુરાણનો ખર્ચ પણ બચાવ્યો. મ્યુનિ.માંથી રાજીનામું આપીને જતી વખતે એડમિનિસ્ટ્રેટર ભાઇકાકાને જણાવ્યું હતું કે કાંકરિયાના બગીચો બનાવવા તેમજ કોટની દિવાલ તોડવા માટે અમદાવાદની પ્રજા હંમેશા માટે તમને યાદ કરશે.

ભાઇકાકા, હલીમની ખડકી અને કુરાનેશરીફ
શાહપુરથી દિલ્હીદરવાજાનો કોટ તૂટતો હતો ત્યારે તેમાં વચ્ચે હલીમની ખડકી પણ આવતી હતી. હલીમની ખડકી માટે એવું લખાણ હતું કે જ્યારે આ ખડકી તૂટશે ત્યારે અમદાવાદમાં લોહીની નદીઓ વહેશે. કોટ તૂટતી વખતે શહેરમાં હુલ્લડો પણ થયા હતાં. હલીમની ખડકી વચ્ચે આવતી હોવાથી ભાઇકાકાએ તે તોડવી પડી હતી. એક દિવસ પાંચેક મુસ્લિમ યુવાનોએ ભાઇકાકા પાસેથી આવીને કહ્યું હલીમની ખડકી તોડી ત્યારે તેમાંથી નીકળેલી કુરાનેશરીફ અમને આપી દો. ભાઇકાકાએ તેમને પૂછ્યું કે આ હલીમની ખડકી મહમદ બેગડાના સમયમાં બની છે. તે વખતના લોકો અત્યારના લોકો કરતાં ધર્મચુસ્ત હતા તેમ તમે માનો છો. યુવાનોએ હા પાડતાં ભાઇકાકાએ કહ્યું કે તો પછી વિચાર કરો કે જ્યાંથી રોજ સેંકડો લોકો પસાર થવાના હોય, જ્યાં લોકોના પગ પડવાના હોય એવી જગ્યાએ કોઇ સાચો મુસ્લિમ કુરાનેશરીફ રાખે? મુસ્લિમ યુવાનોને પોતાની ભૂલ સમજાઇ અને તેઓ ચાલ્યા ગયા. બાદમાં તો અમદાવાદના બાકીના કોટ પણ તૂટ્યા અને વિકાસના કામો પણ થયાં.

ભાઇકાકાએ આઘુનિક અમદાવાદના વિકાસનો પાયો નાંખી આપ્યો હતો. પોતાના અઢી વર્ષના ગાળામાં તેમણે કોન્ટ્રાક્ટ સીસ્ટમની જગ્યાએ મોટાભાગના કામ મ્યુનિ. દ્વારા જ કર્યા હતાં. કોઇ પણ કામના કોન્ટ્રાક્ટ ન અપાતાં મ્યુનિ. સભ્યો તેમનાથી ભારે નારાજ હતાં. અંદાજી ખર્ચ કરતાં પણ ઓછા ખર્ચે બધા કામ પતી જતાં હોવાની વાત સભ્યોને ગમતી નહોતી. ગાંધીબ્રિજ અને સરદાર બ્રિજની જેમ બીજા બે બ્રિજ પણ તે સમયે ૫-૫ લાખમાં ભાઇકાકા કરી આપવા તૈયાર હતાં. તત્કાલિન વડોદરા રાજ્યની ધરોઇ યોજનામાં સાબરમતીમાં દૂધેશ્વર પાસે પ્રવાહ ઓછો થતાં અમદાવાદ મ્યુનિ.ને પાણીની તકલીફ પડે તેમ હતી. ગુજરાતની પહેલી નહેર યોજના હોઇ આ બાબતે વડોદરા રાજ્ય, મુંબઇ રાજ્ય અને અમદાવાદના એન્જીનીયરોની મીટિંગમાં અમદાવાદને સો ક્યુસેક પાણી આપવાનું નક્કી થયું. આ બાબતે ભાઇકાકાએ ચીફ એન્જીનીયર તરીકે ચીફ ઓફિસર અને મ્યુનિ. પ્રમુખ બંનેને ૧૦૦ ક્યુસેક પાણી મળે તો વાંધો ન લેવો તે મુજબનો અભિપ્રાય આપતાં બંને ઉકળી ગયા હતાં. મ્યુનિ.એ ધરોઇ યોજના સામે પોતાનો વિરોધ કર્યો અને યોજના બંધ રહી. બાદમાં આ યોજના માટે મ્યુનિ.એ ૧૭ લાખ સર્વેના અને સો ક્યુસેક પાણી માટે ચાર કરોડ રૂપિયા આપવાના થયા હતાં. ભાઇકાકાનો મત માની લીધો હોત તો મ્યુનિ.ને સા ક્યુસેક પાણી મફતમાં મળ્યું હોત !
 
ગુજરાતી હાસ્યનવલકથાના પહેલા ‘હીરો’ ભદ્રંભદ્ર અમદાવાદી હતા
ગુજરાતમાં હાસ્યનવલકથાઓની સંખ્યા સાવ પાંખી છે. તેમાં  ઇ.સ.૧૯૦૦માં પ્રગટ થયેલી નવલકથા ‘ભદ્રંભદ્ર’ ૧૧૦ વર્ષ પછી પણ નોંધપાત્ર ગણાય છે. આ નવલકથાના લેખક રમણલાલ નીલકંઠ અમદાવાદ મ્યુનિસિપાલિટીના ભૂતપૂર્વ પ્રમુખ અને સરદાર પટેલના સમકાલીન હતા. તેમની સેવાઓની યાદગીરીરૂપે અમદાવાદ પાલિકાના પ્રાંગણમાં તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

જાહેર જીવનમાં સક્રિય રમણભાઇ તેમના પિતા- વિદેશગમનની હિંમત કરનાર મહીપતરામ નીલકંઠની જેમ સમાજસુધારણામાં પણ સક્રિય હતા. તેમણે અત્યંત સંસ્કૃતપ્રચૂર ગુજરાતી બોલવાના કેટલાક સાક્ષરોના (ખાસ કરીને, ગોવર્ધનરામ ત્રિપાઠીના વડીલ મનઃસુખરામ ત્રિપાઠીના) દુરાગ્રહને અને જૂના રિવાજો પકડી રાખવાની જડ માનસિકતાને કેન્દ્રમાં રાખીને ભદ્રંભદ્ર જેવું અમર પાત્ર સર્જ્યું અને નવલકથાનું નામ પણ એ જ રાખ્યું. નવલકથામાં નાયક ભદ્રંભદ્ર ઉર્ફે દોલતશંકર અને તેમના મિત્ર-કમ-શિષ્ય અંબારામને અમદાવાદી બતાવવામાં આવ્યા છે. શરૂઆતનાં પ્રકરણોમાં અમદાવાદને લગતા કેટલાક ઉલ્લેખો પણ આવે છે.

જેમ કે, અંબારામ લખે છે,‘સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. તેમની સાથે હું ઘણા દેશોમાં અને મુલકોમાં ફર્યો હતો. અમદાવાદથી નીકળી નરોડા, કોચરબ, સરખેજ, અસારવા, વટવા વગેરે વિવિધ ભૂમિઓમાં  અમે મુસાફરી કરી હતી....’


ઘરેથી સ્ટેશને જવા નીકળતી વખતે ભદ્રંભદ્ર અકથ્ય ઉત્સાહ દર્શાવે છે અને તેમના સાથી અંબારામને કહે છે,‘એમ ન સમજીશ કે આગગાડીમાં જાઊં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત છે?’ જવાબમાં અમદાવાદી અંબારામ કહે છે,‘મહારાજ, તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરૂ ધારી આપણએ પાછા ફર્યા હતા, તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો?’ આ સંવાદથી, એ જમાનામાં જમાલપુર દરવાજાની બહાર શિયાળવાં ફરતાં હશે તેનો સહેજે અંદાજ આવે છે.


‘ભદ્રંભદ્ર’ નવલકથા આખી ન વાંચી હોય એવા લોકો પણ મુંબઇ જવા નીકળેલા ભદ્રંભદ્ર અને રેલવે સ્ટેશન પરના પારસી ટિકિટ માસ્તર વચ્ચેની રમુજી તકરારથી વાકેફ હશે. નવલકથાના પ્લોટ પ્રમાણે, એ રેલવે સ્ટેશન પણ અમદાવાદનું હતું! અમદાવાદની ટિકીટબારી પર ભદ્રંભદ્ર પારસી ટિકિટ માસ્તર સોરાબજી પાસે મુંબઇની બે ટિકિટ માગતાં કહે છે,‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ સોરાબજીને આ ‘શુદ્ધ’ ભાષા સમજાતી નથી એટલે રકઝક પછી એ શુદ્ધ પારસી બોલીમાં કહે છે,‘સાલો કંઇ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ કે એ સું બકેચ.’ ક્રોધે ભરાયેલા ભદ્રંભદ્ર કહે છે,‘દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ-’ અને વાક્ય આગળ વધે તે પહેલાં તેમના નાક પર એક મુક્કો પડે છે. ગુજરાતી સાહિત્યના સૌથી યાદગાર અને જાણીતા પ્રસંગોમાંના એક એવા આ પ્રસંગનું (કાલ્પનિક) સ્થળ અમદાવાદ સ્ટેશન  હતું, એ ભાગ્યે જ યાદ રહ્યું છે.


ભદ્રંભદ્રને સુધારાના વિરોધી બનાવીને, સુધારાના તરફી એવા રમણભાઇ નીલકંઠે પોતાના વિચારવિરોધીઓની ભરપૂર ઠેકડી આ નવલકથા દ્વારા ઉડાવી. આ નવલકથાની સફળતાનું પ્રમાણ એ છે કે તેના લખાયાનાં ૧૧૦ વર્ષ પછી પણ, વધારે પડતી શાસ્ત્રીય ભાષા ‘ભદ્રંભદ્રીય’ તરીકે ઓળખાય છે અને એ બોલનાર ‘ભદ્રંભદ્ર’નું બિરૂદ પામે છે.

 
ઉમાશંકર જોશીનું અમદાવાદ ઃ ૧૯૩૯-૪૯
ગામડું ફૂલીફાલીને મોટું થયું હોય એવું આ શહેર છે

માણસોની પેઠે નગરોને પણ વ્યક્તિત્વ હોય છે. જુદા જુદા મહાપુરુષોનાં નામ ઉચ્ચારતાંની સાથે જેમ એમના નોખાનોખા પ્રભાવનો ખ્યાલ મનમાં જાગે છે, તેમ મુંબઈ, કલકત્તા, દિલ્લી, મદ્રાસ એવાં મહાનગરોના નામોચ્ચારથી પણ થાય છે. અમદાવાદ બોલતાં પણ એવી એક ભાવનામૂર્તિ આપણી આગળ પ્રત્યક્ષ થાય છે. અમદાવાદ એટલે આપણે મન ગાંધીજીએ જેને પોતાની તપોભૂમિ બનાવી એ ભૂમિ, જ્યાંથી એમણે ઐતિહાસિક દાંડીયાત્રા શરૂ કરી તે ભૂમિ; અને સાથેસાથે જ અમદાવાદ એટલે કાબેલ, મીંઢા, કંજૂસ, ઉદ્યમી વેપારીઓની ભૂમિ, એ છાપ પણ મનમાં ઉપસી આવે છે. અમદાવાદમાં એવું શું હશે કે લોકો એની નફરત કરતાં થાકતા નથી અને એનાથી આકર્ષાયા વગર પણ રહી શકતા નથી? એવા અમદાવાદની છેલ્લા એક દસકામાં શું સ્થિતિ રહી તે જોઈએ.

એવું બન્યું છે કે ૧૯૩૯માં અહીં આવીને આ આખો દસકો અમદાવાદમાં રહેવાનો લાભ મને મળ્યો છે. તેથીય એક દસકા પહેલાં હું અહીં ભણતો હતો તે વખતના અમદાવાદમાં અને આજના દસકાના અમદાવાદમાં કેટલો બધો ફેર! ત્યારે અમને અમારા એક શિક્ષક સ્વાનુભવ કહેતા કે શહેરમાંથી ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓ સાંજે ક્રિકેટ રમવા ગયા હોય અને પાછા વળતાં મોડું થાય તો બે ફલાંગ દૂર નદી સુધી પહોંચતાં એમને ભોંય ભારે થઈ હતી, વચ્ચેની ઝાડીથી એમની છાતી ડગી જતી. ૧૯૩૯ સુધીમાં અને પછી તો નદીની પશ્ચિમમાં માઈલ બે માઈલ સુધી - અને પાઘડીપને છ માઈલ સુધી - અમદાવાદનો વિસ્તાર વઘ્યો છે.

છેલ્લા દસકામાં દક્ષિણે મણિનગરથી આગળ વધીને ઠેઠ વટવા સુધી અને ઉત્તરમાં પણ લાંબે સુધી મકાનો માટે જમીનો ખરીદાઈ ગઈ છે. યુદ્ધસમયમાં ધનિકો પાસે હાથવગો પૈસો બહુ હતો. ચૂપચાપ ક્યાંક નાખવા મળે એ જરૂરી હતું. એટલે જમીનોની ખરીદી ખૂબ વધી. બિનસલામતીના સમયમાં જમીનમાં પૈસા રોકવા એ ડહાપણ પણ લેખાયું. માત્ર, બાંધકામની સામગ્રી ન મળી અને હજી પણ સુલભ થઈ નથી, નહિ તો હજારો મકાનો ચણાતાં અમદાવાદનો વિસ્તાર કેટલો બધો થયો છે એ પ્રત્યક્ષ નજરે દેખી શકાત. શહેરની પોળોની અંદરની ગીચ વસ્તીને પણ જરા મોકળાશ મળત.


ઘણાં શહેરોની પેઠે અમદાવાદની વસ્તી પણ આ દસકામાં બહુ વધી છે. બે દસકા પહેલાં બે લાખ જેટલી વસ્તી હતી. આ દસકાના આરંભમાં માંડ ચાર લાખ હશે; અત્યારે આઠનવ લાખ હોવાની ગણતરી છે. બીજા વિશ્વયુદ્ધનો આરંભ ૧૯૩૯માં થયો ત્યારે અમદાવાદના ઉદ્યોગો ભારે ઓટ અનુભવી રહ્યા હતા, કેટલીક મિલો બંધ થવાની સ્થિતિમાં મુકાતી જતી હતી. ત્યાં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને અહીંના કાપડઉદ્યોગને જબરો વેગ મળ્યો. કહો કે મિલો મટી ગઈ, ટંકશાળો જ બની ગઈ. આ આખો દસકો કાપડ ઉદ્યોગે કમાયા જ કર્યું છે. જેઓ લાખમાં નફો ગણતા તે કરોડમાં ગણતા થઈ ગયા છે. યુદ્ધસમયમાં બીજા ગૌણ ધંધાઓ પણ ખૂબ ફાલ્યા.

બજારમાં એક ઓફિસ સાથે બીજી અનેક ઑફિસોનાં પાટિયાં દેખાવા લાગ્યાં. આવકવેરામાંથી છૂટવાની તરકીબે પણ એમાં ઠીકઠીક ભાગ ભજવ્યો હશે. આમ, યુદ્ધસમયમાં અમદાવાદમાં ધનની છોળો ઊડવા લાગી. જે પૈસો ન બનાવે એ ચૂક્યો એવી સ્થિતિ હતી. કામદારોને સારું એવું મોંઘવારી ભથ્થું મળતું હતું. વસ્તી સારી પેઠે વધી. તેમાં છેલ્લાં બે વરસથી નિર્વાસિતોએ ઉમેરો કર્યો છે. કોઈ રવિવારની સાંજે રતનપોળ અને ગાંધીરોડના ક્રોસિંગ આગળ જઈ પહોંચો તો તમને થાય કે આટઆટલાં માણસ ક્યાંથી આવી રહ્યાં હશે? બસ, માણસોનો એક પ્રવાહ જ ચાલ્યો જતો હોય! તમે એમાં અનાયાસે ખેંચાતા જાઓ.


વસ્તીનો વધારો જોતાં અમદાવાદનો વિકાસ થયો એમ કહી શકાય. અમદાવાદ મહાનગરની કોટિમાં મુકાતું જાય છે. ટ્રામ કે સરક્યુલર રેલવે જેવાં અવરજવરનાં ઝડપી સાધનો તાકીદે યોજવામાં આવે તો એના વિકાસને હજી વેગ મળે. સલ્તનતના સમયમાં એક પરદેશી મુસાફરે અમદાવાદની લાખોની વસ્તીની વાત કરી છે અને એ કાળમાં દુનિયાના સૌથી મોટા શહેર તરીકે અમદાવાદની ગણના કરી છે. ફરી એક અગત્યના મહાનગર તરીકે અમદાવાદ વિકસી શકે એવી સંભાવના આ છેલ્લા દસકામાં એને માટે ઊભી થઈ છે.


પણ અમદાવાદની મહત્તાને ઝાંખપ લાગી હોય તો તે પણ આ દસકામાં જ - એ પણ કબુલ કરવું જોઈએ. યુદ્ધસમયમાં બધે જ કાળાંબજારની લીલા ચાલી, પણ એમાં અમદાવાદે કદાચ આડો આંક વાળ્યો!


પળ આવે ત્યારે ગમે તેવા રસ્તે પણ એકવાર તો પૈસા કરી લેવા, સરકારને હંફાવવી-નમાવવી, પોતાનું ધાર્યું કરવું, એરણની ચોરી ને સોયનું દાન એ કહેવત પ્રમાણે ક્યાંક ક્યાંક દાન કરતા રહી ઊજળા થઈ ફરવું - એ દુનિયાદારીનો રાજમાર્ગ અમદાવાદ ખેડી રહ્યું લાગે છે. સ્થાનિક ક્ષેત્રમાં સત્તાનાં સૂત્રો હસ્તગત કરવામાં પણ ધનિકોને રસ સારો એવો છે. સરદાર જ્યાં સુધી અમદાવાદ સંભાળતા ત્યાં સુધી પૈસાદારોને એ એમને યોગ્ય સ્થાને રાખતા. એ સમય સરકારની ખફગી વહેરવાનો - જેલમાં જવાનો હતો, તે કારણે પણ ધનિકો દૂર રહેતા. ધનિકોમાં કેટલાક જુવાનો જાહેર સેવકો તરીકે બીજાઓ કરતાં પાછળ ન રહે એવા શક્તિશાળી જરૂર છે, પણ તેઓ વિશાળ જનતાના દ્રષ્ટિબિંદુથી કામ કરી બતાવે ત્યારે ખરૂં.


અમદાવાદમાં રૂપિયા-આના-પાઈ સિવાય બીજાં કોઈ ઊંચા મૂલ્યો શોધવાં એ મુશ્કેલી થઈ પડશે. યુદ્ધસમયે એમાં એ શ્રઘ્ધા ઉમેરી છે કે ગમે તે રીતે પૈસા મેળવેલા હશે તો બીજાં બધાં મૂલ્યો એની આગળ પાણી ભરશે! આની સામે અકળાઈ ઊઠનાર અમદાવાદીઓ નથી એમ પણ નથી. એક મોટા વેપારીએ એકવાર ઊંડી વેદના સાથે કહેલા શબ્દો હું કદી ભૂલી શક્યો નથી. એ કહે ઃ ‘બાજું તો ઠીક, પણ અમારાં નાનાંનાનાં છોકરાં આજે એમ સમજી ગયાં છે કે પૈસો આ રીતે મેળવાય ને આ રીતે ન મેળવાય, એવા વિચારો કરવાના હોય જ નહિ. અમારા બાપદાદાએ એ ભેદ અમારા મનમાં ઠસાવ્યો હતો. અમે એ ભેદ અમારાં બાળકોનાં મનમાંથી ભૂંસી નાખ્યો. એમને શું થશે? એ પ્રશ્ન જ અમારે માટે મોટો છે.’


અમદાવાદમાં આ દસકામાં ધર્મની પ્રવૃત્તિ ખૂબ ફૂલીફાલી છે, એ કંઈ અકસ્માત્ નથી. અકરાંતિયાની પેઠે ખાધા પછી ઉપર ધર્મની ફાકી જોઈએ જ. ધર્મની સંસ્થાઓ નીકળ્યે જાય છે ને ધમધોકાર ચાલે છે. નવી નવી તરેહનાં મંદિરો નીકળે છે અને સંભવિત આગેવાનો એમાં આગળ પડતો ભાગ ભજવે છે. પ્રથમ સર્વધર્મ પરિષદ પણ અહીં ભરાઈ. દેશમાંથી ગમે તે સાઘુસંન્યાસી માટે અમદાવાદ મોકળું ક્ષેત્ર છે. સામાન્ય જનતાની આંખે ‘ધર્મ’ના પાટા બંધાતા ન રહે તો બિચારી કાંક ન જોવાનું દેખી જાય વળી!


પૈસાની રેલમછેલનો લાભ આ દસકાનાં થોડાંક જાહેર ફંડોને મળ્યો. કસ્તૂરબા ફંડ, મહાદેવભાઈ ફંડ, મહાત્મા ગાંધી ફંડ, ગુજરાત વિશ્વવિદ્યાલય ફંડ - એ જાહેર પ્રવૃત્તિઓ માટેનાં ફંડોને સહેલાઈથી નાણાં મળ્યાં એમ તો નહિ કહી શકાય, પણ મળ્યાં ખરાં.


૧૯૪૨ના સ્વાતંત્ર્યયુદ્ધમાં અમદાવાદે મોટો ફાળો નોંધાવ્યો છે. મિલમજૂરોએ હડતાળ પાડી. ત્રણ મહિના હડતાળ ચાલી. મજૂરોએ દેશ માટે ખૂબ સહન કર્યું; મઘ્યમવર્ગે સરકારનો અનેકવિધ સામનો કર્યો. કૉલેજના આંગણામાં ગોરા પોલીસ અધિકારીની ગોળી સામી છાતીએ ઝીલનાર વીર યુવક વિનોદ કિનારીવાળા અને ૧૯૪૬ના હુલ્લડમાં શાંતિદૂતો તરીકે કામ કરવા જતાં શહીદ બનેલા વસંતરાવ અને રજબઅલી અમદાવાદના ઈતિહાસમાં અમર રહેશે.


આ દસકામાં અમદાવાદે બે મહાજનોને ખોયા. ગાંધીજી અને સરદારશ્રી ઉપરાંત જો કોઈ મહાજનોને ગુજરાત સંભારશે તો તે આચાર્ય આનંદશંકર ઘુ્રવ અને કવિવર ન્હાનાલાલને. એ બંનેનાં અવસાન થતાં એક વખતનું સરસ્વતીધામ અમદાવાદ અત્યારે સુનૂં-સૂનું લાગે છે. એક વખત એવો હતો, જ્યારે કેશવ હર્ષદ ઘુ્રવ, નરસિંહરાવ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ઘુ્રવ, કવિશ્રી ન્હાનાલાલ અને ગુજરાત વિદ્યાપીઠનાં વિદ્વદ્રત્નો-એ સૌ એકીસાથે અમદાવાદમાં હોય અને તમે મૂંઝાઓ કે આમની પાસે જાઉં કે એમની પાસે. આજે માત્ર એ નામો જ રહ્યાં છે. અમદાવાદમાં વિશ્વવિદ્યાલય નીકળે છે ત્યારે આ શૂન્યતા ખૂબ ખટકે છે.


ગાંધીજીનો આશ્રમ પણ સૂનો પડ્યો છે. સ્વરાજ ન મળે ત્યાં સુધી પાછા આશ્રમમાં ન આવવાનો ગાંધીજીનો નિરધાર હતો. ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મી પછી ડૉ. હરિપ્રસાદે ગાંધીજીને વિનંતિ કરી કે હવે તો આપ પધારો. એમણે લાક્ષણિક પ્રત્યુત્તર મોકલ્યો ઃ ‘મારે માટે સાબરમતી દૂર છે, નોઆખાલી નજીક.’ ફરી આશ્રમમાં આવીને વસવાનું ન બન્યું તે ન જ બન્યું. હવે તો ઇતિહાસ જ રહ્યો. આશ્રમને નદી ધોતી આવતી હતી, તેની સામે બાંધકામ કરી ગાંધીજીનું ખુલ્લું પ્રાર્થનામંદિર અને નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ વગેરેને બચાવવામાં આવ્યાં છે. ગાંધીસ્મારકની દેશભરની યોજનાઓના ભાગરૂપે એક ભવ્ય ગાંધી સંગ્રહાલય આશ્રમની જગાએ બંધાવાની સંભાવના છે.


અમદાવાદમાં આજે સૌથી પહેલી મોટી જરૂરિયાત હોય તો તે સારું દૂધ પુરું પાડવાની છે. ચોખ્ખું સારું દૂધ પૂરું પાડવાની યોજના સ્થાનિક મ્યુનિસિપાલિટીની વિચારણા હેઠળ છે જ. અમદાવાદની શરીરસંપત્તિ વખાણવા લાયક નથી. છેલ્લા દસકામાં પ્રસાધનની કૉસ્મેટિક્સની સામગ્રીની દુકાનો અમદાવાદમાં પુષ્કળ વધી છે. શરીરમાં પ્રજાએ એથી વધારે રસ લીધો હોય એમ જણાતું નથી.


આવડા મોટા અમદાવાદમાં જે એક બગીચો છે તે કાઢીને ત્યાં કચેરીઓનાં મકાનો કરવાની યોજના સંભળાય છે. કાંકરિયા ઉપર સુંદર બાગની રચના થઈ છે. પણ તે સ્થળની સ્વચ્છતા સારી નથી. નદીને કિનારે બાગ થવાની યોજના છે તે ઉપરાંત પણ મોટા જાહેર બગીચાઓ હોવા જોઈએ.


અમદાવાદ આજે એક શહેર નથી રહ્યું. માણેકચોકની આસપાસનું પોળોવાળું અમદાવાદ તે મૂળ અમદાવાદ. પૂર્વમાં મજૂરોની ચાલીઓનું અમદાવાદ, પશ્ચિમે નદીપાર ભદ્ર લોકોનું અમદાવાદ, શાહીબાગ તરફ ધનીકોનું અમદાવાદ, અને તેની પાર કેમ્પનું ટપકું - આમ આજે પચરંગી અમદાવાદ છે. પણ તે બધા જ ઉપર પોળો અને પોળોની અંદર પોળો-વાળું જે અસલ અમદાવાદ છે તેનો પ્રભાવ છે. અમદાવાદના માનસ ઉપર મઘ્યમ વર્ગનું વર્ચસ્વ છે. ગામડું ફૂલીફાલીને મોટું થયું હોય એવું આ શહેર છે. અમદાવાદમાં ગાંધીવાદ, સામ્યવાદ કે સમાજવાદ, કોઈ વાદ જામી શકતો નથી. અહીં લોકો તમને કહેશે કે અમે તો અમદાવાદમાં માનીએ છીએ.


સંસાર જેવી કોઈ શાળા નથી, એ વાત સાચી હોય તો સંસારનું પોત બરોબર ઉત્કટરૂપે બતાવનાર અમદાવાદ દરેક વિકાસવાંછુને માટે મોટી શાળા જેવું છે. હું પોતે અમદાવાદમાંથી બહુ પામ્યો છું. આવતા દસકામાં અમદાવાદ પૂર્વવિભાગના મજૂરોને ઉદય સાધીને દેશવિદેશમાં પ્રશંસા મેળવે અને સાચું મહાનગર બને એવી આશા રાખીએ!

(જુલાઈ, ૧૯૪૯)