|
ઈઝરાઈલમાં લેટર બોંબ મળતાં હાહાકાર, દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં પત્ર વિતરણ બંધ |
|
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2010 |
યેરુસલમ (એજન્સી) નિર્દોષ નાગરિકોને આસાન શિકાર બનાવવા માટે આતંકવાદીઓ હુમલાની નવીનવી તરકીબો શોધતાં રહે છે. તાજેતરમાં ઈઝરાઈલમાં આતંકવાદીઓએ પત્ર દ્વારા બોંબ મોકલતાં હાહાકાર મચી ગયો હતો. ઈઝરાઈલની પોસ્ટ ઓફિસમાંથી મળેલા લેટર બોંબને પગલે સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે દેશની તમામ પોસ્ટ ઓફિસોને પત્ર લેવા તથા વિતરણ કરવાનો ઈનકાર કરી દીધો છે. જ્યાં સુધી પોસ્ટ ઓફિસમાં પડેલા તમામ પત્રોની ચકાસણી નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈપણ પત્રનું વિતરણ નહીં કરાય તેવી સ્પષ્ટ સૂચના સરકારે પોસ્ટલ વિભાગને આપી દીધી છે.
પત્રનું અસામાન્ય વજન શંકાનું કારણ બન્યું
સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, ઈઝરાઈલનાં મિગદલ હેમેક
શહેરની પોસ્ટ ઓફિસમાં એક મહિલા પોતાના મેલ જોવા આવી હતી. જ્યાં પોસ્ટ વિભાગે તેને બે પત્રો સુપરત કર્યા હતા. આ મહિલાનાં હાથમાં આવેલા પત્રો ઉપર
વાયર લગાડવામાં આવ્યા હતા અને તેનું વજન પણ અસામાન્ય જણાતું હતુ. જેથી
મહિલાએ આ બાબતની જાણ સ્થાનીક પોલીસને કરી હતી.
દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં પત્રોનું વિતરણ બંધ કરાયું
પોસ્ટ ઓફિસમાંથી મળેલા પત્રો શંકાસ્પદ હોવાનું જણાતા પોલીસે બોંબ
સ્કવોર્ડની મદદ લીધી હતી. બોંબ સ્કવોર્ડે બંને પત્રોની ચકાસણી કરતાં તેમાં
વિસ્ફોટકો હોવાનું જાણવા મળ્યું હતુ. આ બાબતની જાણ થતાં જ સમગ્ર દેશનાં
સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સરકારે દેશની તમામ પોસ્ટ ઓફિસોને
પત્ર વિતરણ નહીં કરવાની સૂચના મોકલી દીધી હતી. સાથોસાથ પોસ્ટ ઓફિસમાં
પડેલા તમામ પત્રોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે દેશનાં
પત્ર વ્યવહાર ઉપર માઠી અસર પહોંચી હતી. લેટર બોંબ સંદર્ભે પોલીસ અધિકારીઓએ
જણાવ્યુ હતુ કે, પત્ર દ્વારા બોંબ મોકલવાનું કૃત્ય આતંકવાદીઓનું છે. જોકે,
આ કૃત્ય પાછળ ક્યું આતંકવાદી સંગઠન સક્રિય છે તે હજી સુધી જાણી શકાયું
નથી. અલબત્ત, પોલીસ વિભાગ, સુરક્ષા તંત્ર તથા ગુપ્તચર વિભાગ દ્વારા તેની
તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
લેટર બોંબ મોકલવાનો કિમીયો આતંકવાદીઓ માટે નવો નથી
આતંકવાદી સંગઠનો વારંવાર નિર્દોષ નાગરિકો પર હુમલા કરીને પોતાના
અસ્તીત્વનો પુરાવો આપે છે. વિવિધ દેશોનાં સુરક્ષા તંત્ર અને ગુપ્તચર
વિભાગની નજરચુકવીને સફળ હુમલા કરવા માટે આતંકવાદીઓ પણ ભેજુ કસી રહ્યા છે. તાજેતરમાં ઈઝરાઈલમાં મળેલા લેટર બોંબે ફરી એકવાર આતંકવાદીઓનાં ખતરનાક ઈરાદાઓ છતા કરી દીધા છે. પરંતુ, લેટર બોંબ મોકલવાનો કિમીયો આતંકવાદી
સંગઠનો માટે નવો નથી. પરંતુ, તેની ઘાતક અસરોને કારણે વર્ષો પછી પણ તેનું પ્રચલન હજી આતંકવાદી સંગઠનોમાં ઘટ્યું નથી.
લેટર બોંબને પાર્સલ બોંબ, મેલ બોંબ અથવા પોસ્ટ બોંબથી પણ ઓળખવામાં આવે છે
સામાન્ય રીતે લેટર બોંબને પાર્સલ બોંબ, મેલ બોંબ અથવા પોસ્ટ બોંબ તરીકે
ઓળખવામાં આવે છે. લેટર બોંબ એક એવા પ્રકારનો વિસ્ફોટક છે જે ટપાલ મારફતે મોકલી શકાય છે. તેની ડિઝાઈન અને કાર્યક્ષમતા તેમાં મુકાયેલા વિસ્ફોટકો પર
આધારિત રહેલી છે. આ પ્રકારનાં લેટર બોંબથી આતંકવાદીઓ ઘટના સ્થળથી લાંબા અંતરે રહીને પણ પોતાના બદઈરાદાને પાર પાડી શકે છે.
કવર ખોલવાથી વિસ્ફોટ થાય છે અને ખોલનારને જીવલેણ ઈજા પહોંચી શકે છે
એક સામાન્ય પત્રની જેમ જ લેટર બોંબને પોસ્ટ કરી દેવામાં આવે છે. આ લેટરનાં
કવરને એવી ડિઝાઈનથી બનાવાય છે કે જેને ખોલવાથી તેમાં અચાનક વિસ્ફોટ થાય છે અને તેને ખોલનાર વ્યક્તિ વિસ્ફોટની ચપેટમાં આવીને જીવલેણ ઈજા પામે
છે. વિશ્વનાં અનેક દેશોમાં લેટર બોંબને શોધવા તથા તેને ડિફ્યુઝ કરવાનાં અલાયદા સ્કવોર્ડ રચવામાં આવ્યા છે. તેમ છતાંય આતંકવાદીઓ લેટર બોંબને મોકલવામાં અને તેમાં વિસ્ફોટ કરવામાં સફળ થાય છે.
|