|
હરિયાણાના પૂર્વ પોલીસ વડા પર કોર્ટની બહાર જ ચાકૂથી હુમલો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
(પીટીઆઇ) ચંડીગઢ, તા.૮
બહુચર્ચિત રૃચિકાકાંડના આરોપી અને હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી એસપીએસ રાઠોડ પર કોર્ટની બહાર એક યુવકે ચાકુથી હુમલો કર્યો હતો. રૃચિકા કેસની સુનાવણીમાં આવેલા રાઠોડના ચહેરા પર ચાકુથી ત્રણ વખત ઘા કરવામાં આવ્યા હતા, જો કે હુમલાને કારણે રાઠોડને મામુલી ઇજા થઇ હતી. રાઠોડ પર હુમલો કરનાર વિદ્યાર્થી અમદાવાદ સ્થિત એનઆઇડીમાં ફિલ્મ નિર્માણના કોર્સમાં અભ્યાસ કરી રહ્યો હતો.
વારાણસીના અને અમદાવાદની NIDમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રાઠોડના ચહેરા પર ચપ્પાના ત્રણ ઘા ઝીંકી દઇ બીજા હાથે ફેંટો મારી
૬૭ વર્ષીય રાઠોડ પર હુમલો કરનાર યુવકની ઓળખ ઉત્તર પ્રદેશના વારાણસીના વતની ઉત્સવ શર્મા તરીકે કરવામાં આવી હતી. હુમલા બાદ રાઠોડે પોતાના હાથરુમાલથી લોહી સાફ કર્યું હતું. અમદાવાદની નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ ડિઝાઇન (એનઆઇડી)માં ફિલ્મ પ્રોડક્શનનો અભ્યાસ કરતા ઉત્સવ શર્માએ ડાબા હાથેથી ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી પર ચાકુના ઘા માર્યા હતા તથા જમણા હાથેથી મુક્કાઓનો પ્રહાર કર્યો હતો. એનઆઇડીના સુત્રોએ જણાવ્યું હતું કે ઉત્સવ શર્માએ સંસ્થામાંથી બે વર્ષનો કોર્સ કર્યો છે, જો કે ઇન્ટર્નશીપ પુરી કરી નહિ હોવાથી તેને સર્ટીફીકેટ અપાયું નથી.
ચંડીગઢ કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત છતાં પણ ઉત્સવ શર્માએ રાઠોડના હાથ પર પણ મુક્કા માર્યા હતા, જો કે ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ તેને અટકાવીને જમીન પર પાડી દીધો હતો. અગાઉ આ યુવાને પોતાની ઓળખ ફોટોગ્રાફર તરીકે આપીને પત્રકારો સાથે ઉભો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલા બાદ રાઠોડને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે યુવકને સેક્ટર ૧૭ના પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો.
અણધાર્યા હુમલાથી રાઠોડ ડઘાઇ હતા, તેમના વકીલ પત્ની આભા તેમની પાછળ હતા. પોલીસે જણાવ્યું હતું કે હુમલા પાછળના હેતુ અંગે તેઓ તપાસ કરી રહ્યા છે. રાઠોડ પરના હુમલા અંગે પ્રતિક્રિયા આપતા ઘટનાના એકમાત્ર આંખે સાક્ષી આરાધનાએ કાયદો હાથમાં લેવાના કૃત્ય સામે અસંમતિ દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૧૯ વર્ષથી અમે કાનૂની માળખામાં રહીને ન્યાય માટે લડત ચલાવી રહ્યા છીએ.
ઘટના અંગે પ્રતિક્રિયા આપતા રૃચિકાના પરિવારના વકીલ મીત મલ્હોત્રાએ હુમલાની ઘટનાને કમનસીબ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશના નાગરિક તરીકે રાઠોડને તમામ કાનૂની હકો મળેલા છે, અને કોઇપણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. હુમલાનું કારણ જનઆક્રોશ હોઇ શકે કે નહિ એવા સવાલના જવાબમાં મલ્હોત્રાએ જણાવ્યું હતું કે જે પ્રકારે કેસ ચાલી રહ્યો છે તેની સામે અનેક લોકોએ મારી સમક્ષ નારાજગી દર્શાવી હતી.
અગાઉ ડિસ્ટ્રીક્ટ અને સેશન જજ રાજશેખર અત્રીએ રાઠોડ પ્રકરણની સુનાવણી ઇન-કેમેરા હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. હુમલાના ઘટનાને કારણે રાઠોડ પ્રાથમિક સારવાર લઇને પાછા ફરે ત્યાં સુધી ભોજન બાદની સુનાવણી સ્થગિત રાખવામાં આવી હતી. બાદમાં ચહેરા પર પાટાપીંડી સાથે રાઠોડ પરત ફર્યા બાદ સુનાવણી ફરી શરૃ કરવામાં આવી હતી.
|