Last Updated:19 ડિસેમ્બર 2011

હિમશીલા ધસી પડતાં સૈન્યના ૧૭ જવાન દટાયા, અનેક લાપતા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
શ્રીનગર પાસે ૧૩,૫૦૦ ફૂટની ઉંચાઈ

(પી.ટી.આઇ.)    શ્રીનગર, તા. ૮
જમ્મુ- કાશ્મીરમાં શ્રીનગરથી ૭૦ કિ.મી. દૂર આવેલા ખિલાંમર્ગ ખાતેનો સૈન્ય કેમ્પ હીમપ્રપાતનો ભોગ બન્યો છે જેમાં ૩૫૦ જેટલા જવાનો ધરાવતા આ કેમ્પના ૧૭ જવાનો બરફમાં દટાવાથી માર્યા ગયા છે, જ્યારે અન્ય કેટલાક લાપત્તા બન્યા છે. બરફની એક આખી શીલા કેમ્પ પર ધસી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને ૭૦ જેટલા જવાનોને બચાવી લેવાયા છે.
૭૦ને ઉગારી લેવાયા, ૧૫ની હાલત ગંભીર ઃ ૩૫૦ જવાનો સાથેનો સાથેનો આખેઆખો તાલીમ કેમ્પ બરફના ઢગલા નીચે દટાઈ ગયો

સૈન્યના પ્રવક્તા જર્નલ જે. એસ. બ્રારે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સેનાના અધિકારીઓ સહિત ૧૫ જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે અને ગુલમર્ગ ખાતે તેમની સારવાર ચાલી રહી છે. ૩૫૦ જવાનોનું જૂથ આજે સવારે ૮ કલાકે ૧૩,૫૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલા આ વિસ્તારમાં શિયાળા દરમિયાનની યુદ્ધની તાલીમ લેવા માટે આવ્યું હતું. ગુલમર્ગ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી અભૂતપૂર્વ હિમપ્રપાત થઈ રહ્યો હોવાથી કેટલાક સ્થળે ૬ ફૂટ જેટલો બરફનો થર પણ જામી ગયો છે.

સંરક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અડચણ ઉભી થઈ રહી છે. સ્નો સેવેલાન્સ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ (એસએસઇ)એ ગઈ સાંજે જ હિમપ્રપાતની ચેતવણી જાહેર કરી હતી અને ઉંચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાહસ ન ખેડવાની સલાહ આપી હતી.

એસએએસઇએ જણાવ્યું હતું કે, ઉંચાણવાળા વિસ્તારોમાં આગામી ૨૪ કલાક સુધી હિમપ્રપાતની ચેતવણી યથાવત્ છે. અને આવી જગ્યાએ રહેતા લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. આ વિસ્તારોમાં સોનામર્ગ ગગનગિર, ભિમ્બત, દ્રાસ, બટાલિક, ધુડિ અને એસએમ હિલ્સ (કારગિલ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત હિમપ્રપાતની મધ્યમ ચેતવણી ખિલામર્ગ, ઉરિ, બાઝ, રાઝદાન ટોપ, કેરન, માચિલ, ઉરેઝ અને સદના ટોપ સહિતના અનેક સ્થળો અને જવાહરટનલની બન્ને બાજુના વિસ્તારોમાં પણ જાહેર કરવામાં આવી છે. દરમિયાન જમ્મુ- કાશ્મીરના રીઆસી જિલ્લામાં ચીનાબ નદીમાં આવેલા પૂરમાં ૧૦ ટ્રક ચાલકો સહિત ફસાયેલા ૩૩ લોકોને આજે બચાવી લેવાયા હતા. આ કામગીરીમાં સેના અને પોલીસની ટુકડીઓ જોડાઈ હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી