|
જીડીપીનો વૃદ્ધિદર ૭.૨ ટકા રહેવાનો સરકારનો અંદાજ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૮
આર્થિક રાહતો યથાવત રાખવાના મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર
સરકારે આજે ચાલુ નાણાવર્ષે ૭.૨ ટકા વૃદ્ધિદરનો આગોતરો અંદાજ વ્યક્ત કર્યો
હતો. વડાપ્રધાન મનમોહનસિંહ અને નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ અગાઉ ૭.૫થી ૮
ટકા વૃદ્ધિદરનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો કે ગત વર્ષે ૬.૭ ટકાની સરખામણી
ચાલુ વર્ષે ઊંચો વૃદ્ધિદર નોંધાશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં સુધારને
પગલે સરકાર આર્થિક રાહતો પાછી ખેંચવા નક્કર નિર્ણય લેશે એવી શક્યતા છે.
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૃદ્ધિદર ૮.૯ ટકા રહેવાની જ્યારે કૃષિ ઉત્પાદન ઘટવાની આગાહી
સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓર્ગેનાઇઝેશન (સીએસઓ)એ વર્ષ ૨૦૦૯-૧૦ના આર્થિક વૃદ્ધિદરનો આગોતરા અંદાજો એવા સમયે જાહેર કર્યો છે જ્યારે રિઝર્વ બેન્કે ફુગાવાના દરને કાબુમાં લેવા માટેના પ્રયાસો શરૃ કર્યા છે. જો કે એક વર્ષ અગાઉ નોંધાયેલા ૬.૭ ટકાના વૃદ્ધિદરની સરખામણીએ આ વર્ષે ઊંચો વૃદ્ધિદર નોંધાશે એવી આગાહી છે.
કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં ૦.૨ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે જ્યારે સેવા ક્ષેત્રમાં નજીવો વિકાસ નોંધાશે. જ્યારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ૮.૯ ટકાના દરે વૃદ્ધિ પામશે એવી આગાહી છે, જેને કારણે સરકાર આર્થિક રાહતો પાછી ખેંચવાનો નિર્ણય કરી શકે છે.
ઉદ્યોગજગત હજુપણ આર્થિક રાહતો યથાવત રાખવાની મજબુત ભલામણ કરી રહ્યા છે ત્યારે આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે 'આપણે કહી શકીએ કે સ્ટિમ્યુલસ પેકેજો સફળ પુરવાર થયા છે, અને તબક્કાવાર રીતે તેને પરત લઇ શકાય છે.' ઉદ્યોગોના સંગઠન ફીક્કીએ જણાવ્યું હતું કે હાલ આર્થિક રાહતો પાછી ખેંચવાનો નિર્ણય અર્થતંત્ર અને રોજગાર માટે ભયજનક પુરવાર થઇ શકે છે. જ્યારે આ અંગે સીધો પ્રત્યુત્તર આપવાનું ટાળતા નાણાં સચિવ અશોક ચાવલાએ આગામી બજેટ સુધી રાહ જોવાની અપીલ કરી હતી.
બીજા ત્રિમાસીક ગાળામાં નોંધાયલા ૭.૯ ટકા વૃદ્ધિદરથી ઉત્સાહીત નાણાં મંત્રાલયે તેની મધ્યાવર્તી સમીક્ષામાં ચાલુ નાણાંવર્ષે ૭.૭૫ ટકા વૃદ્ધિદરની આગાહી કરી દીધી હતી, જ્યારે રિઝર્વ બેન્કે ૭.૫ ટકાનો અંદાજ મૂક્યો હતો.
સીએસઓના જણાવ્યા પ્રમાણે કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્રોના વૃદ્ધિદરમાં ગત વર્ષના ૧.૬ ટકા વૃદ્ધિદરની સરખામણીએ ૦.૨ ટકાનો કાપ મૂકાશે. દેશના અનેક વિસ્તારોમાં અછત અને પૂરની સ્થિતિને કારણે ખરીફ પાકનું ઉત્પાદન ઘટતા કૃષિ ઉત્પાદનમાં વધુ ઘટાડાની શક્યતા છે.
નિષ્ણાંતોના મતે સીએસઓનો અંદાજ અપેક્ષા કરતા નીચો છે, સેવા ક્ષેત્રનો દેખાવ પણ નોંધપાત્ર નથી. જ્યારે નાણા સચિવ ચાવલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અંતિમ પરિણામો આગોતરા અંદાજ કરતા સારા હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર રાજકોષીય ખાધ સહિતની વિવિધ બાબતો અંગે ગણતરી કરી શકે એ માટે નાણાંવર્ષના અંત અગાઉ વૃદ્ધિદરનો આગોતરો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે.
|