Last Updated:19 ડિસેમ્બર 2011

પવાર-ઠાકરેની મુલાકાતથી કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો નારાજ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૮
કોંગ્રેસે આજે કૃષિ અને અન્નપ્રધાન તેમજ સાથીપક્ષ એનસીપીના પ્રમુખ શરદ પવાર સામે ભાવવધારાના મુદ્દે નવેસરથી આકરા પ્રહાર કર્યા હતા. જોકે, પવારની બાળ ઠાકરે સાથે બેઠકના મુદ્દાથી કોંગ્રેસ અળગી જ રહી હતી.
કોંગ્રેસે પવારને મોંઘવારી કાબુમાં લેવાની જવાબદારી યાદ કરાવી ઃ IPL ની મેચોને સંપૂર્ણ સુરક્ષા આપવા સરકાર સક્ષમ હોવાની ટકોર
એનસીપીના વડા શરદ પવારે ગઈકાલે રાતે મુંબઈમાં શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની અચાનક મુલાકાત લીધી હતી. આ બેઠકમાં આઈપીએલ સ્પર્ધા દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાયો હોવાનું કહેવાય છે. કોંગ્રેસ સહિતના અનેક રાજકીય પક્ષોએ આ બાબતે નારાજગી દર્શાવી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પરના હુમલાઓનો વિરોધ કરવા બાળ ઠાકરેએ મુંબઈની આઈપીએલ મેચોમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રમવા નહિ દેવાની ધમકી આપી હતી.

કોંગ્રેસના પ્રવકતા મનિષ તિવારીએ પવાર-ઠાકરે બેઠકનાં અંગે સ્પષ્ટ ટીપ્પણી નહિ કરતા જણાવ્યું હતું કે ક્રિકેટનું તો અલગ જ વિશ્વ છે. રાજ્યનો કાયદો ચાલે તેવી ચોકસાઈ રાખવાનું કામ રાજ્ય સરકારનું છે અને અશોક ચવ્હાણ સરકાર પરિસ્થિતિને સંપૂર્ણપણે પહોંચી વળશે તેની અમને ખાતરી છે. જોકે, કોંગ્રેસના નેતાઓ ખાનગીમાં એમ કહેતા હતા કે પવારે એક રીતે તેમના જ પક્ષના અને રાજ્યના ગૃહપ્રધાન આર.આર. પાટિલમાં તેમનો અવિશ્વાસ દર્શાવ્યો છે. કોંગ્રેસ પ્રવકતાએ ભાવવધારા અંગે પવાર સામે નવેસરથી ટીકાઓ કરી હતી.
બીજી તરફ, એનસીપી દ્વારા પવાર-ઠાકરે બેઠકને વાજબી ગણાવાઈ હતી. એનસીપીના પ્રવકતા ડી.પી. ત્રિપાઠીએ કહ્યું હતું કે લોકશાહીમાં ચર્ચા અને વાટાઘાટો મહત્ત્વના છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલે પવાર-ઠાકરે બેઠકમાં કોઈ રાજકીય ઈરાદો ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અશોક ચવ્હાણે પવારની ઠાકરે સાથે મુલાકાત અંગે નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે તેમની સરકાર આઈપીએલ મેચોને પૂરતી સુરક્ષા આપવા સક્ષમ છે. પવાર સામે પરોક્ષ પ્રહાર કરતા ભાજપએ જણાવ્યું હતું કે તેમણે રાજકારણ અને ખેલકૂદને એક સાથે સાંકળવા ન જોઈએ. શબ્દો કરતા કામગીરી વધુ બોલે છે અને ઘણા પક્ષો તેમના કાર્યથી ખુલ્લાં પડી જાય છે. બીજી તરફ, જનતા દળ (યુ)ના પ્રવકતાએ પણ પવાર-ઠાકરેની મુલાકાત સામે પ્રહારો કર્યા હતા.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી