|
મોંઘવારી માટે એકલા પવાર જ નહિ સમગ્ર કેબિનેટ જવાબદાર ઃ ગડકરી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૮
ભાજપા પ્રમુખ નીતિન ગડકરીએ મોંઘવારી પાછળ 'સરકારની ખોટી આર્થિક નીતિઓ'ને
જવાબદાર ગણાવી જણાવ્યું હતું કે, ખાદ્ય સામગ્રીની કિંમતોમાં થયેલા
ભાવવધારા બદલ માત્ર કૃષિપ્રધાન જ નહીં પણ મનમોહનસિંહની આખી કેબિનેટ પર
દોષારોપણ થવું જોઈએ.
યુપીએ સરકારની ખોટી આર્થિક નીતિઓને કારણે આવશ્યક ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચ્યાનો ભાજપ પ્રમુખનો મત
મોંઘવારીને મુદ્દે રાજધાનીમાં મળેલી પત્રકાર પરિષદમાં ગડકરીએ જણાવ્યું હતું કે, ''ફુગાવો અને ભાવવધારાના મૂળ કોંગ્રેસ અને યુ.પી.એ. સરકારની ખોટી આર્થિક નીતિઓમાં રહેલા છે. તેમણે જણાવ્યું હતું કે, મોંઘવારી માટે યુપીએ સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે. આ યુપીએ સરકારની નિષ્ફળતા છે. શરદ પવાર જવાબદાર છે અને માત્ર તેઓ એકલા જ નહી પણ વડાપ્રધાન, પ્રધાન મંડળ, યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ એટલા જ જવાબદાર છે. માત્ર પવાર પર દોષારોપણ કરીને અન્ય લોકો છટકી શકશે નહીં.''
ભાજપે મોંઘવારી મુદ્દે ત્રણ તબક્કામાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છેેે જેમાં માર્ચ મહિનામાં સંસદ ઘેરાવો પણ કરવામાં આવશે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, સંસદના આગામી બજેટ સત્ર દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કરવાની વ્યૂહરચના ઘડવા વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ એનડીએના અન્ય સાથી પક્ષો અને સરખી વિચારધારાવાળા વિરોધ પક્ષો સાથે સતત સંપર્કમાં છે.
ખાદ્ય સામગ્રીની કિંમતોને આસમાને પહોંચતી અટકાવવામાં તદ્દન નિષ્ફળતા બદલ સરકાર પર રોષ ઠાલવતા ગડકરીએ જણાવ્યું હતું કે, સરકારની ખોટી નીતિઓના કારણે માત્ર સટ્ટાબાજો, કોર્પોરેટ્સ, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને કાળાબજારિયાઓને જ ફાયદો થયો છે. હાલની સ્થિતિ પાછળ વાણિજ્ય, ખાદ્ય અને નાગરિક પુરવઠો તેમજ નાણાંમંત્રાલયો વચ્ચે સંકલનનો અભાવ પણ જવાબદાર હોવાનું તેમણે કહ્યું હતું.
ગડકરીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો પંજો હવે ગરીબોની સાથે નથી પણ તેમના ગળા ઉપર પહોંચી ગયો છે. જે ઘણી કમનસીબ બાબત છે.
|