|
ભારતે આખરી છ વિકેટો સાત ઓવરોમાં ૧૨ રનમાં ગુમાવી
ઈનિંગની હારથી ભારતને બચવા હજુ ૨૫૯ રનની જરૃર ઃ બીજી ઈનિંગમાં ભારતના ૬૬/૨
સ્ટેનનો ટી પછીનો સ્પેલ ૩.૪-૨-૩-૫
નાગપુર, તા. ૮
વર્તમાન ક્રિકેટના નંબર વન ફાસ્ટ બોલર સ્ટેને કારકિર્દીનો યાદગાર રીવર્સ સ્વીંગ બોલિંગનો સ્પેલ નાંખતા પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે જ ભારત અકલ્પ્ય રીતે ફોલોઓન થઈને પરાજયથી બચવા ઝઝૂમતું થઈ ગયું છે. સાઉથ આફ્રિકાના પ્રથમ ઈનિંગના સ્કોર ૮ વિકેટે ૫૫૮ રન ડિક્લેરની સામે ભારતે વીના વિકેટે ૨૫ રનથી તેની ઈનિંગ આગળ ધપાવી હતી. તેઓ નાટકીય ધબડકા બાદ ૨૩૩ રનમાં ખખડી ગયા હતા. જેમાંથી એકલા સેહવાગે જ ૧૮મી ટેસ્ટ સદી ફટકારતા ૧૦૯ રન ૧૩૯ બોલમાં ૧૫ ચોગ્ગા સાથે ફટકાર્યા હતા.
સ્ટેને ૧૬.૪ ઓવરોમાં ૬ મેડન ઓવરો નાંખીને ૫૧ રનમાં ૭ વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકાના કેપ્ટન સ્મીથે ભારતને ૩૨૫ રનના દેવા સાથે ફોલોઓન કર્યું હતું. રમતના અંતે ભારતે તેની બીજી ઈનિંગમાં બે વિકેટે ૬૬ રન કર્યા હતા. પ્રથમ ઈનિંગનો હીરો સેહવાગ ૧૬ રન,ે ધરખમ ફોર્મ ધરાવતો ગંભીર બીજી ઈનિંગમાં નિષ્ફળ જતાં એક રને આઉટ થયો હતો. સ્ટેન અને મોર્કેલે ૧-૧ વિકેટ ઝડપી હતી. આમ સ્ટેને આજે પડેલી કુલ ૧૨માંથી ૮ વિકેટો ઝડપી હતી. રમતના અંતે વિજય ૨૭ અને તેંડુલકર ૧૫ રને રમતમાં હતા. હજુ ભારતને એક ઈનિંગની હારથી બચવા બીજા ૨૫૯ રન કરવાના છે અને આઠ વિકેટો બાકી છે.
ભારતે વિના વિકેટે ૨૫ રનથી ઈનિંગ આગળ વધારી હતી પણ રમતની બીજી ઓવરના પ્રથમ બોલે જ ગંભીર મોર્કેલના ઉછળતા બોલને તેની જગા પર ઉભો રાખીને ફટકારવા જતા બાઉચરના હાથમાં વિકેટ પાછળ ઝીલાયો હતો. ત્યાર પછી સ્ટેને વિજયને રીવર્સ સ્વીંગ વડે બ્યુટી કહી શકાય બોલે બોલ્ડ કર્યો હતો. સ્ટેનને એક ખાસ સ્પોટ માંથી મદદ મળતી હતી. જેનો તેણે ભારતને ખખડાવવામાં આબાદ ઉપયોગ કર્યો હતો.
દ્રવિડના સ્થાને જેના પર બહુ મોટી જવાબદારી આપી હતી તેવા એમ. મુરલીને સ્ટેનના બોલમાં ખબર જ નહોતી પડી. તેણે બોલને ઓફ સ્ટમ્પની બહાર છે તેમ માનીને છોડયો હતો પણ બોલ રીવર્સ સ્વીંગ થઈને મુરલી જોતો જ રહે તેમ તેનું ઓફ સ્ટમ્પ ઉડાવી ગયો હતો. ભારતે ૪૦ રનમાં બીજી વિકેટ ગુમાવી હતી. જોકે ખરો ફટકો તો તેંડુલકરની વિકેટથી પડયો હતો કેમ કે દ્રવિડ, લક્ષ્મણ અને યુવરાજની ગેરહાજરીમાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવવાની હતી. બાંગ્લાદેશ સામેની બંને ટેસ્ટમાં સદી ફટકારી ચુકેલ તેંડુલકરને સ્ટેન અને મોર્કેલના સ્વીંગમાં વારંવાર બીટ થવું પડયું હતું. સ્ટેને તેંડુલકરને આબાદ આઉટ સ્વીંગરમાં કોટ બિહાઈન્ડ કરાવ્યો હતો. સ્ટેને આ બોલ વડે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડોનાલ્ડની યાદ અપાવી હતી. ભારતે ૧૪.૧ ઓવરમાં ૫૬ રને ત્રીજી વિકેટ ગુમાવી હતી.
સ્કોરની રફતાર વધારવાનું કામ સેહવાગે જ માથે ઉપાડયું હતું. બદ્રીનાથ સાથે સેટ થઈને ૧૩૬ રનની ચોથી વિકેટની ભાગીદારી આગળ ધપાવી હતી. ભારત હવે ક્રમશઃ મજબુત વળતો જવાબ આપવાનું પ્લેટફોર્મ ખડું કરી રહ્યું હોય તેમ લાગતું હતું. ત્યાં જ સદી પુરી કર્યા બાદ એકાગ્રતા ગુમાવી હોય તેમ સેહવાગે પાર્નેલની બોલિંગમાં મીડ વિકેટ પર દુમિનિને સીધો જ હાથમાં કેચ આપ્યો હતો. ટીએ ભારતના ૪ વિકેટે ૨૨૧ રન હતા. બદ્રીનાથ તે સમયે ૫૬ અને ધોની ૬ રને રમતમાં હતા. ટી પછીની પ્રથમ ઓવરના ચોથા બોલે હેરિસનો એક લેગ સ્ટમ્પની બહાર પડેલો બોલ અચાનક સ્પિન થઈને એ હદે ઉછળ્યો કે ધોનીના બેટને ઉંચુ કરીને અદ્ધર કરેલા હાથના ગ્લોવ્ઝ અને બેટની ધારને અડીને કેચ સ્વરૃપે વિકેટ નજીક જ ઉછળ્યો. કાલિસે આ આંખ મીંચીને ઝીલાય તેવો કેચ પકડયો હતો. સ્ટેને સાતમાંથી ચાર વિકેટો રીવર્સ સ્વીંગ વડે એક જ લાઈનલેન્થમાં બોલ ફેંકીને તેણે ઝડપી હતી. ભારતે ટી પછી સાત ઓવરોમાં ૧૨ રનમાં છ વિકેટો ગુમાવી હતી.
સ્કોર બોર્ડ
સાઉથ આફ્રિકા પ્રથમ ઇનિંગ ઃ ૬ વિકેટે ૫૫૮ રન ડિકલેર
ભારત પ્રથમ ઇનિંગ
વિકેટનો ક્રમ ઃ ૧/૩૧ (ગંભીર, ૫.૧) ૨/૪૦ (વિજય ૯), ૩/૫૬, (તેંડુલકર ૧૪.૧) ૪/૧૯૨ (સેહવાગ, ૪૬.૪), ૫/૨૨૧ (ધોની, ૫૭.૪), ૬/૨૨૧ (બદ્રીનાથ, ૫૮.૧), ૭/૨૨૨ (સહા. ૫૮.૪), ૮/૨૨૬ (ખાન, ૬૦.૩), ૯/૨૨૮ (મિશ્રા, ૬૨.૨), ૧૦/૨૩૩ (હરભજન, ૬૪.૪)
બોલિંગ ઃ સ્ટેન ૧૬.૪-૬-૫૧-૭, એમ.મોર્કેલ ૧૫-૪--૫૬-૧, હેટિસ ૧૭-૨-૩૯-૧, પાર્નેલ ૭-૧-૩૧-૧, કાલિસ ૬-૦-૧૪-૦, દુમિનિિ ૩-૦-૨૦-૦.
ભારત બીજી ઇનિંગ
વિકેટનો ક્રમ ઃ ૧/૧ (ગંભીર, ૧.૨) ૨/૨૪ (સેહવાગ, ૪.૪)
બોલિંગ ઃ સ્ટેન ૪-૦-૧૪-૧, મોર્કેલ ૬-૨-૨૧-૧, પાર્નેલ ૨-૦-૧૨-૦, હેરિસ ૭-૩-૧૨-૦, કાલિસ ૪-૨-૫-૦.
હાઈલાઇટ્સ
* ભારતના ૫૦ રન ૧૩ ઓવરોમાં, ૧૦૦ રન ૨૬.૨ ઓવરોમાં ૧૫૦ રન ૩૮૧ ઓવરોમાં અને ૨૦૦ રન ૪૯.૨ ઓવરોમાં નોંધાયા હતાં.
* સેહવાગ અને બદ્રીનાથ વચ્ચેની ચોથી વિકેટની ૧૩૬ રનની ભાગીદારી ૩૨.૩ ઓવરોમાં થઈ હતી. આ બોલની રીતે જોઈએ તો ૫૦ રન ૧૯ બોલમાં, ૧૦૦ રનની ૧૪૯ બોલમાં ભાગીદારી નોંધાઈ હતી.
* સેહવાગના ૫૦ રન ૭૦ બોલમાં ૭ ચોગ્ગા સાથે અને ૧૦૦ રન ૧૩૪ બોલમાં ૧૩ ચોગ્ગા સાથે થયા હતા. ભારતના લંચે ૧૪૯/૩ અને ટીએ ૨૨૧/૪ સ્કોર હતો.
|