|
સુરક્ષા મુદ્દે મનમોહન- ચિદમ્બરમ પર મોદી ફીદા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010 |
આંતરિક સુરક્ષા અંગે ગુજરાત માટે કેન્દ્ર સરકારના હકારાત્મક અભિગમની પ્રશંસા ઃ ગુજકોકને મંજૂરી આપવાની માંગણી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૭
કેન્દ્ર સરકારની ટીકા કરવાની એકપણ તક નહિ ચૂકવા માટે જાણીતા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંતરિક સુરક્ષા મુદ્દે વડાપ્રધાન મનમોહનસિંહ અને ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમની ભરપુર પ્રશંસા કરી હતી. રાજધાનીમાં યોજાયેલી મુખ્યપ્રધાનોની કોન્ફરન્સ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે મનમોહનસિંહના શાસન દરમિયાન આંતરિક સુરક્ષા મુદ્દે વિપક્ષ-શાસિત રાજ્યોને કોઇપણ પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડયો નથી. આ સાથે મોદીએ ગુજકોકની મજબુત તરફેણ કરતા જણાવ્યું હતું કે તેમના મતે આંતરિક સુરક્ષા અંગેનો સૌથી મોટો પ્રશ્ન સરકારના પ્રયાસોને ટેકો આપતી મજબુત કાનૂની વ્યવસ્થાનો અભાવ છે.
રાજધાની દિલ્હીમાં આંતરિક સુરક્ષા મુદ્દે યોજાયેલી મુખ્યપ્રધાનોની બેઠક દરમિયાન પત્રકારો સાથે વાત કરતા નરેન્દ્ર મોદીએ સલામતીના મુદ્દે રાજ્યો સાથે સહકાર સાધવા બદલ તથા ઝડપથી પ્રતિક્રિયા આપવા માટે કેન્દ્રની કોંગ્રેસ સરકારની પીઠ થાબડી હતી. મોદીએ જણાવ્યું હતું કે 'રાજ્યો દ્વારા કરવામાં આવેલી કોઇપણ રજૂઆત સામે ગૃહ પ્રધાન અને ગૃહ સચિવે ત્વરિત પ્રતિક્રિયા આપી છે.' આ સાથે તેમણે આંતરિક સુરક્ષા અંગે મુખ્યપ્રધાનોની બેઠક બોલાવવા બદલ મનમોહનસિંહની પ્રશંસા કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે 'પડોશી દેશના ભારત વિરોધી વલણને કારણે સલામતીના પ્રશ્નને ગંભીરતાથી લેવાની જરૃર છે.' નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 'સલામતી સાથે સંકળાયેલા પ્રશ્નને માત્ર બે રીતે ઉકેલી શકાય છે, પ્રથમ આપણે આધુનિક શસ્ત્રોની જરૃર પડશે તથા સુરક્ષા દળોની તાકાત વધારવી પડશે. આપણે લોકશાહી અને માનવ અધિકારમાં વિશ્વાસ ધરાવીએ છીએ તેથી કાયદાઓને પણ મજબુત બનાવવાની જરૃર છે.' તેમણે કહ્યું હતું કે 'શ્રેષ્ઠ કાયદાઓને કારણે લોકશાહી મજબુત થશે તથા માનવ અધિકારોનું રક્ષણ થશે.'
ગુજકોકને મંજૂરી નહિ આપવાના કેન્દ્રના વલણ સંદર્ભમાં મોદીએ જણાવ્યું હતું કે જરૃરી કાનૂની જોગવાઇનો અભાવ આંતરિક સલામતી સામનો સૌથી મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત કેન્દ્ર દ્વારા હાલમાં જ રચાયેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અંગે મોદીે જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય રાખવાનો નિર્ણય સમજી વિચારીને લીધો હતો.
હાલમાં જ ગૃહ મંત્રાલયે ગુજરાત વિધાનસભાએ ગત વર્ષે ૨૮ જુલાઇએ પસાર કરેલા ગુજકોક (ગુજરાત કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) બિલ પર હસ્તાક્ષર નહિ કરવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. ગુજકોકની ખાસ કરીને બે જોગવાઇ સામે ગૃહ મંત્રાલયે વાંધો લીધો છે. આરોપીએ પોલીસ અધિકારી સમક્ષ આપેલી જુબાની કોર્ટમાં માન્ય રાખવાની તથા સરકારી વકીલ વિરોધ દર્શાવે તો આરોપીના જામીન નામંજુર કરતી જોગવાઇ સામેલ છે.
આંતરિક સુરક્ષા અંગેની બેઠક દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે 'કાયદો અને વ્યવસ્થાની રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વહેંચાયેલી જવાબદારી અંગે જો કેન્દ્ર સરકાર પુર્નવિચાર કરવા ઇચ્છતી હોય તો આ મુદ્દો બંધારણના માળખામાં ફેરફાર સાથે ચર્ચાવો જોઇએ, અને અમે પણ આ ચર્ચામાં ભાગ લઇશું.' આ સાથે મોદીએ આશા વ્યક્ત કરી હતી કે 'સરકાર પડોશી દેશ સાથે ડોઝિયરોની આપ-લેથી આગળ વધીને દાઉદ ઇબ્રાહિમ તથા મુંબઇ હુમલાના કાવતરાખોરોને સજા આપવાની દિશામાં નક્કર પગલાં લેશે.'
ગુજકોકને મંજૂરી આપી શકાય નહિઃ ચિદમ્બરમ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંસદની વર્તમાન માનસિકતા ગુજરાત કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજકોક) બિલની જોગવાઇઓની વિરૃદ્ધ હોવાથી તેઓ તેને આગળ વધારી શકતા નથી. પોલીસ અધિકારી સમક્ષની કબૂલાત અસ્વીકાર્ય છે. આ જ પ્રમાણે જજના નિર્ણય કરતા પબ્લિક પ્રોસીક્યુટરની કામગીરીને વધુ વજન આપવા સંસદ ઇચ્છુક નથી. કોઇ વ્યક્તિને ચાર્જશીટ વિના અને જામીન વિના સીઆરપીસીમાં નિયત અવધિથી વધુ પકડી રાખવાને પણ સંસદ મંજૂર રાખતી નથી.
આ જોગવાઇઓ કાયદામાંથી ચોક્કસ રીતે નાબૂદ કરાઇ છે અને કાયદાપોથીમાં પણ નથી. રાષ્ટ્રપતિને આવી જોગવાઇ ધરાવતાં બીલની કેવી રીતે ભલામણ કરાઇ શકાય. નાબૂદ થયેલા પોટા કાયદા જેવી જ આ ત્રણ જોગવાઇઓ ધરાવતા બિલને ગૃહપ્રધાન તરીકે હું મંજૂરી આપવા ભલામણ કરી શકુ નહિ, તેમ ચિદમ્બરમે જણાવ્યું હતું.
|