|
દુબઇ જતી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર રોકી રખાઇ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010 |
|
વિમાનમાં આતંકવાદી હોવાની શંકાએ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૭
મુંબઈથી દુબઈ જઈ રહેલી અમીરાત ફલાઈટમાં આજે કેટલાક આતંકવાદી હોવાનો ફોન
આવતા પ્રવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ફોનને પગલે ૩૫૬ પ્રવાસીઓને લઈને
જઈ રહેલા આ વિમાનને છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પાછા આવવાની
ફરજ પડી હતી. ફોન કરનારી વ્યકિતએ વિમાનમાં કેટલાંક આતંકવાદી પ્રવાસ કરી
રહ્યા છે જેમાં એક અલકાયદાનો આતંકવાદી શાહબાઝ હોવાનું કહ્યું હતું.
અજાણી વ્યક્તિએ ફોન કરી માહિતી આપતાં ચાર કલાક સુધી દોડધામઃ એક બિઝનેસમેન અને તેની પત્નીની અટકાયત
સહાર પોલીસે બે શંકાસ્પદ પ્રવાસીની અટક કરીને તેમની પૂછપરછ શરૃ કરી છે. અંગત ઝઘડાને કારણે શાહબાઝનાં પુત્રએ જ આ ફોન કર્યો હોવાની શંકાને પગલે તપાસ ચાલી રહી છે. દુબઈ જઈ રહેલી અમીરાત ફલાઈટ નંબર ઈકે ૫૦૫માં કેટલાક આતંકવાદી પ્રવાસ કરી રહ્યા હોવાનો નનામો ફોન આવ્યો હતો.
એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ને આ નનામો ફોન આવતા તાત્કાલિક મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને જાણ કરી હતી. જેન ેપગલે સવારે ૧૦ વાગ્યે આ વિમાનને એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. વિમાનમાં ક્રુ મેમ્બર્સ સહિત ૩૫૬ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. વિમાનમાં ત્રાસવાદી પ્રવાસી કરી રહ્યા હોવાના ફોનને પગલે પ્રવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જયારે એરપોર્ટ સત્તાવાળાઓના જીવ ઊંચા થઈ ગયા હતા.
વિમાનને એરપોર્ટ પર લવાયા બાદ સુરક્ષા એજન્સીઓએ તમામ પ્રવાસીઓ અને તેમના સામાનની ઝીણવટભરી તપાસ કરી હતી.
પોલીસનાં જણાવ્યા મુજબ ફોન કરનારી અમીરાત ફલાઈટનાં કાર્ગો સુપરવાઈઝર પોેતાનું નામ સુરેશ ચવ્હાણ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહિ તેણે એવો દાવો કર્યો હતો કે વિમાનમાં પ્રવાસ કરી રહેલાઓ પૈકી એક પ્રવાસીનું નામ શાહબાઝ ખાન છે અને તે અલ કાયદાનો આતંકવાદી છે.
વેસ્ટ રિજનનાં એડિશનલ પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે તપાસ બાદ આ ફોેન અફવા સાબિત થયો હતો. જો કે વિમાનનાં બે પ્રવાસીને અટકમાં લઈને અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ. ફોન કરનારી વ્યકિતએ અંગત કારણોસર આ ફોન કર્યો હોય તેવું જણાય છે, એમ ગુપ્તાએ કહ્યું હતું.
સૂત્રોનાં જણાવ્યા મુજબ વિમાનમાં મુસાફરી કરનારા શાહબાઝ ખાને પોલીસને કહ્યું હતું કે આ ફોન તેના જ પુત્ર આરીફ ખાને કર્યો હોવાની શંકા છે. શાહબાઝ ખાનને તેના પુત્ર સાથે કોઈ બાબતે ઝઘડો ચાલી રહ્યો છે એટલે કદાચ તેણે આવું પગલું ભર્યું હોઈ શકે.
શાહબાઝ ખાન સામાજિક કાર્યકર છે અને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં તે દક્ષિણ મુંબઈમાંથી ચૂંટણી પણ લડયો હતો. જો કે તેણે ડિપોઝીટ પણ ગુમાવવી પડી હતી એમ સૂત્રોએ કહ્યું હતું.
|