|
બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની શક્યતા નહિવત |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૭
ભારતીય વેપાર-ઉદ્યોગ જગતના ભારે દબાણ છતાં પણ કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૧૦-૧૧
માટેના આગામી બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો નહિ કરે એવી શક્યતા છે. જો
કે નિષ્ણાંતોનું માનવું છે કે સરકાર સરચાર્જ અને સેસ નાબુદ કરવાનો
પડકારભર્યો નિર્ણય લઇ શકે છે.
આ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરવાની માંગણી પૂરી થવા માટે વેપાર-ઉદ્યોગોએ વધુ રાહ જોવી પડશે
ઉદ્યોગ જગત એજ્યુકેશન સેસ અને સરચાર્જ સહિત કોર્પોરેટ ટેક્સનો વર્તમાન દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૦ ટકા કરવા સરકાર પર ભારે દબાણ લાવી રહ્યું છે. જો કે નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી બજેટમાં કોર્પોરેટ ટેક્સનો વર્તમાન દર જાળવી રાખવામાં આવે એવી પ્રબળ સંભાવના છે, જો આમ થશે તો ઉદ્યોગોએ સીધા વેરા સંહિતામાં પ્રસ્તાવિત ૨૫ ટકા ટેક્સ લાગુ થવા માટે વર્ષ ૨૦૧૧-૧૨ સુધી રાહ જોવી પડશે.
અત્યારે ભારતીય કંપનીઓ વર્ષે એક કરોડથી વધુની આવક પર ૩૦ ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવે છે. આ ઉપરાંત કંપનીઓ પર ૧૦ ટકા સરચાર્જ અને ૩ ટકા એજ્યુકેશન સેસ લાદવામાં આવે છે. આ સાથે કંપની પરનું કુલ કરભારણ ૩૩.૯૯ ટકા થઇ જાય છે. જે કંપનીઓ વર્ષે રૃપિયા એક કરોડ સુધીની આવક મેળવે છે તેમના પર કુલ ૩૦.૯ ટકા ટેક્સ લાદવામાં આવે છે.
ઉદ્યોગ જગતના નિષ્ણાંતોના મતે પણ આગામી બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં પરિવર્તનની શક્યતા ઓછી છે. જો કે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે સરકાર સરચાર્જ અને સેસ નાબુદ કરવાનો પડકારભર્યો નિર્ણય લઇ શકે છે તથા ૩૦ ટકા સમાન દર લાગુ કરી શકે છે.
|